View this post on Instagram
ઘણા એવા હોનહાર બોલીવૂડના મહાનુભાવો છે જે આપણી વચ્ચે નથી, પરંતુ તેમના કુદરતી મૃત્યુને કારણે તેમની યાદ પણ એક સુમધુર અનુભૂતિ આપે છે, પરંતુ આજના બર્થ ડે બોયનું નામ પડતા જ મન અસ્વસ્થ થઈ જાય છે અને કેટલાંય સવાલો ફરી મનમાં ઉછળવા લાગે છે.
સુશાંત સિંહ રાજપૂત. 21મી જાન્યુઆરી, 1986માં પટણામાં જન્મેલા આ બિહારી બાબુનું મૃત્યુ અને તેના પછી તેના મૃત્યુના કારણો, તે પાછળનું રાજકારણ વગેરે હવે તો શમી ગયું, પણ એ સમયે જે સવાલો ઊભા થયા તેના જવાબો આજે પણ મળ્યા નથી.
આખો દેશ કોરોનાની મહમારીમાં સપડાયેલો હતો ત્યારે અચાનક 14 જૂન, 2020ના સાંજે સુશાંત સિંહ રાજપૂતે પોતાના બાન્દ્રા ખાતેના નિવાસસ્થાને ગળાફાંસો ખાઈ આત્મહત્યા કર્યાના સમાચારે તેના ચાહકો સહિત સમગ્ર બોલીવૂડને હચમચાવી નાખ્યું. તેના મૃત્યુ બાદ બોલીવૂડમાં ફિલ્મી બેકગ્રાઉન્ડ ન ધરાવતા કલાકારોને કઈ રીતે પજવવામાં આવે છે અને બોલીવૂડમાં પણ વંશવાદ કઈ રીતે પગપેસારો કરી ગયો છે, તે અંગે અભિનેત્રી કંગના રાણોટે ભારે ઉહાપોહ મચાવ્યો. તે બાદ રાજપૂતની સેક્રેટરી દિશાની કથિત આત્મહત્યા સાથે આ મૃત્યુને જોડવામાં આવ્યું અને આ રેલો છેક મહારાષ્ટ્રના તત્કાલીન મુખ્ય પ્રધાનના પુત્ર અને કેબિનેટ પ્રધાન આદિત્ય ઠાકરે સુધી પહોંચ્યો. આ કેસમાં મુંબઈ પોલીસે ભીનું સંકેલ્યું હોવાના આક્ષેપો થયા. આની તપાસ સીબીઆઈને સોંપવામાં આવી. જોકે સીબીઆઈએ એકવાર આ માત્ર આત્મહત્યા હોવાનું અને હત્યા ન હોવાનું મેડિકલ પરીક્ષણોના આધારે પ્રાથમિક અહેવાલ આપતા જણાવ્યું, પરંતુ હજુ સુધી સ્પષ્ટ અહેવાલ સામે આવ્યો નથી. તાજેતરમાં રાજપૂતના મૃતદેહનું પોસ્ટમોર્ટમ જ્યાં થયું હતું તે હોસ્પિટલના કર્મચારીએ હત્યા હોવાની શંકા વ્યક્ત કરી. મહારાષ્ટ્ર સરકારે ફરી દિશાના કેસમાં તપાસની ખાતરી વિધાનસભામાં આપી. રાજપૂત ડ્રગ્સનો આદી બની ગયો હોવાનું બહાર આવ્યું હતું. બોલીવૂડ અભિનેતાઓનું ડ્રગ્સ કનેક્શન બહાર આવ્યું. સુશાંતની ગર્લફ્રેન્ડ રિયા ચક્રવર્તી 21 દિવસ જેલમાં રહી. ઘણા સેલિબ્રિટીની પૂછપરછ થઈ. આ રીતે નાની ઉંમરમાં ઘણી નામના મેળવનાર સુશાંતનું મૃત્યુ આત્મહત્યા કે હત્યા, બન્નેના સંભવિત કારણો, રાજકીય કાવાદાવામાં ફૂટબોલની જેમ ફંગોળાતુ રહ્યું અને હજુપણ ચાલુ જ છે. તેમાં પણ આજે તેનો એક વીડિયો વાઈરલ થયો છે, જે તેનાં મૃત્યુ પહેલાનો માનવામાં આવે છે, જેમાં સુશાંત ખૂબ જ અસ્વસ્થ દેખાય છે. આથી ફરી તેના ચાહકો તેના જન્મદિવસે પણ તેના મૃત્યુ પાછળના તાણાવાણાથી વ્યથિત થઈ ગયા છે અને તેની માટે ન્યાયની માગણી કરી રહ્યા છે.
આજના દિવસે તેના પરિવાર, મિત્રોએ તેને યાદ કર્યો છે. ત્યારે આપણે પણ તેને યાદ કરીએ. હેપ્પી બર્થ ડે ડિયર સુશાંત…