ઉત્તર પૂર્વીય દિલ્હીમાં વર્ષ 2020માં થયેલા રમખાણોના કેસમાં આરોપી ઉમર ખાલિદને તિહાડ જેલમાંથી મુક્ત કરવામાં આવ્યો છે. તિહાડ જેલ અધિકારીઓએ આ માહિતી આપી હતી. ઉમર ખાલિદને કોર્ટમાંથી વચગાળાના જામીન મળ્યા છે. જે બાદ હવે તેમને મુક્ત કરવામાં આવ્યો છે. ઉમર ખાલિદને તેમની બહેનના લગ્નમાં હાજરી આપવા બદલ આ જામીન મળ્યા છે. જોકે, ઉમર ખાલિદે એક સપ્તાહ બાદ ફરીથી આત્મસમર્પણ કરવું પડશે.
તિહાડ જેલ અધિકારીઓએ જણાવ્યું કે ઉમર ખાલિદ સવારે 7.10 વાગ્યે જેલમાંથી બહાર આવ્યા હતા. એડિશનલ સેશન જજ અમિતાભ રાવતે 23 થી 30 ડિસેમ્બર સુધી ઉમર ખાલિદને જામીન આપ્યા હતા. ઉત્તર પૂર્વ દિલ્હીમાં ફેબ્રુઆરી 2020 ના રમખાણોમાં ષડ્યંત્ર રચવાના આરોપ સર ઉમર ખાલિદ પર UAPA હેઠળ કેસ નોંધવામાં આવ્યો હતો. આ પહેલા ઉમર ખાલિદની જામીન અરજી ઘણી વખત ફગાવી દેવામાં આવી છે.
છેલ્લા ઘણા મહિનાઓથી જેલમાં રહેલા ઉમર ખાલિદે તેમની બહેનના લગ્નમાં સામેલ થવા માટે કોર્ટમાં જામીન અરજી કરી હતી. દિલ્હી કોર્ટે ઉમર ખાલિદને અનેક શરતો સાથે વચગાળાના જામીન આપ્યા છે. ઉમર ખાલિદને કહેવામાં આવ્યું છે કે તે આ સમયગાળા દરમિયાન કોઈપણ મીડિયા ચેનલને ઈન્ટરવ્યુ આપી શકશે નહીં. મીડિયા સાથે કોઈપણ રીતે વાત કરી શકશે નહિ. આ સિવાય ઉમર ખાલિદને તપાસ અધિકારીના સતત સંપર્કમાં રહેવા માટે કહેવામાં આવ્યું છે. આ શરતોનો ભંગ થાય તો તરત જ વચગાળાના જામીન રદ કરવામાં આવશે.
દિલ્હી રમખાણોમાં 53 લોકો માર્યા ગયા હતા જ્યારે 700 થી વધુ લોકો ઘાયલ થયા હતા. CAA અને NRCના વિરોધ દરમિયાન હિંસા ફાટી નીકળી હતી. દિલ્હી પોલીસે સપ્ટેમ્બર 2020માં ખાલિદની ધરપકડ કરી હતી.