મુંબઈઃ શિવસેના પાર્ટીનું નામ અને ચિહ્ન બાબતે ચૂંટણી પંચ દ્વારા આપવામાં આવેલા ચૂકાદાએ મહારાષ્ટ્રના રાજકારણમાં ધરતીકંપ સર્જી દીધો હતો અને ત્યારથી જ મહારાષ્ટ્રનું રાજકારણ એ એક્ટિવ વોલ્કેનો બની ગયું છે આ બધામાં હવે કાયદાનિષ્ણાત ઉલ્હાસ બાપટની એન્ટ્રી થઈ છે અને તેમની એન્ટ્રીથી જાત જાતના તર્ક-વિતર્ક કરાઈ રહ્યા છે.
ગઈકાલે અને આજે ઉદ્ધવ ઠાકરેએ ઈમર્જન્સી બેઠક બોલાવી હતી અને હવે આ બધા વચ્ચે કાયદાનિષ્ણાત ઉલ્હાસ બાપટ માતોશ્રી પહોંચી ગયા હતા અને તેને કારણે રાજકીય ચર્ચાઓનું બજાર ગરમ થઈ ગયું છે. માતોશ્રી ખાતે બાપટની એન્ટ્રી થતાં જાત જાતના તર્ક-વિતર્ક વ્યક્ત કરાઈ રહ્યા છે.
ચૂંટણી પંચે શિવસેના પક્ષનું નામ અને ધનુષ્ય-બાણનું ચૂંટણી ચિહ્ન બંને મુખ્ય પ્રધાન એકનાથ શિંદેને આપ્યો હતો અને ત્યારથી જ હવે ઉદ્ધવ ઠાકરે આગળ શું ભૂમિકા લે છે એ તરફ બધાનું ધ્યાન હતું. આ બધી ચર્ચા-વિચારણાઓ વચ્ચે ઉલ્હાસ બાપટ માતોશ્રી પહોંચ્યા હતા.
સુત્રોના જણાવ્યા અનુસાર ઠાકરેએ ઉલ્હાસ બાપટને ફોન કર્યો હતો અને ફોન પર વાત-ચીત થયા બાદ ઉલ્હાસ બાપટ માતોશ્રી પહોંચ્યા હતા. બંને વચ્ચે ત્રણ કલાક બંધ બારણે ચર્ચા ચાલી હતી. આ ત્રણ કલાકમાં બંને જણે શું ચર્ચા કરી તે હજી ગુપ્ત જ છે.
આજે ઉદ્ધવ ઠાકરેએ કાયદાનિષ્ણાતો અને વકીલોની બેઠક બોલાવી હતી અને કાયદા સંદર્ભે તેમણે અનેક બાબતો માટે માર્ગદર્શન માટે ઉદ્ધવ ઠાકરેએ ઉલ્હાસ બાપટને બોલાવ્યા હતા એવી માહિતી મળી રહી છે.
માતોશ્રી પર ઉદ્ધવ અને ઉલ્હાસ બાપટ વચ્ચે ત્રણ કલાક શું ચર્ચા થઈ?
RELATED ARTICLES