ઉલઝનની આરપાર

લાડકી

કેતકી જાની

સવાલ:- જ્યારથી કોવિડ સંબંધી નિયંત્રણો હટી ગયા છે, માસ્ક લગભગ અદૃશ્ય થઈ ગયા છે ત્યારબાદ મારા જીવનમાં ખરેખર એક નાજુક કટોકટી આવી છે. હું હવે કોવિડ બાદ સંબંધો પરત્વે લાગણીશીલ થઈ ગઈ છું, પરંતુ મારા જૂના કે નવા બનાવું તે દરેક સંબંધોમાં જે વ્યક્તિઓ મારી સાથે જોડાયેલા છે, તેમનામાં સંબંધ નિભાવવાનો મારા જેવો ઉત્સાહ મને જણાતો નથી. હું તો દરેક સંબંધ શીઘ્રતાથી જાળવવા યત્ન કરું છું, પણ લોકો સમજતા જ નથી સંબંધોનું મહત્ત્વ, હું શું કરું?
જવાબ:- બહેન ‘કોરોનાકાળ’ની સાઈડ ઈફેક્ટ છે જે હાલ તમે સંબંધોના ચક્રવ્યૂહમાં ફસાઈ ગયા હોવાની અસમંજસમાં છો, તેને જ “સંબંધોમાં કોવિડ સિંડ્રોમ કહેવાય છે. તમારા જ નહીં ઘણાંબધા લોકોના એક નહિ પણ અનેક પ્રકારના સંબંધો આજે કોવિડ સિંડ્રોમની એરણે ચડેલા છે. આપણા સૌના શરીર કોવિડગ્રસ્ત છે કે નહિ, તેને માટે તો આરટીપીસીઆર ટેસ્ટ છે, પરંતુ જેમણે કોવિડમાં પોતાના અંગત, સંબંધી ગુમાવ્યા છે તે દરેકના માનસપટ પર ‘કોવિડગ્રસ્ત માનસ’નો ઠપ્પો લાગ્યો છે તેને સમજવા-ઓળખવા હજી કોઈ ટેસ્ટ ક્યાં શોધાયો જ છે? ગયાં તે બે-ત્રણ વર્ષ માનવજાતને માત્ર કોવિડ -૧૯ આપીને નથી ગયાં, તેણે માનવજાતને ક્યારેય જોઈ – વાંચી – અનુભવી નથી તેવી માનસિક કશ્મકશ આપી છે. કોવિડ દરમ્યાન દરેક વ્યક્તિઓ સંબંધો વગર જીવી છે, તેમ કહેવામાં લેશમાત્ર અતિશયોક્તિ નથી. કોવિડને કારણે જે-જે આહ્વાનો આવ્યાં તે બધામાં ‘માણસનું એકલું થઈ જવું’ તે શિરમોર ગણી શકાય તેવું આજે વિશ્ર્વના અનેક મનોવૈજ્ઞાનિકોનું માનવું છે. તેમના મતાનુસાર માણસ એક સામાજિક પ્રાણી છે અને જ્યારે સમાજ છૂટી જાય ત્યારે માણસ નામનું પ્રાણી પણ છટપટાહટ મહેસૂસ કરે જ કરે. પ્રિયજનો, સંબંધીઓ, મિત્રો, સહકર્મીઓમાં ઘેરાયેલા રહેતા સૌ અચાનક એકલતાનો અંચળો ઓઢવા મજબૂર બન્યા હતાં, તેનો અણદેખ્યો આઘાત ખરેખર તમારા જેવા અનેક સેન્સેટીવ વ્યક્તિઓને લાગ્યો છે. કોવિડે આપેલા સામાજિક અંતરે સામાજિક વ્યવસ્થાના ઘણાંખરાં પાંસાઓ અવળસવળ કરી નાખ્યા છે, જેનો અહેસાસ માનવસમાજ ઘણાં વર્ષો સુધી કરશે તેમાં કોઈ બેમત નથી. જેને ઘરનાં લોકો, પાડોશીઓ, સંબંધીઓ માટે તો શું પોતાને ખાવા માટેય ટાઈમ નથી તેવું લાગતું હતું તે તમામ લોકો રાતમરાત એકદમ ટાઈમ જ ટાઈમ છે. હવે તો, તેવું અનુભવવા લાગ્યા ત્યારે તમને લાગે છે કે આટલું મોટું પરિવર્તન માનસપટ લેશમાત્ર ડિસ્ટર્બ થયા વગર સ્વીકારી લે? કોવિડ નામનો જે પથરો માનવસમાજના સાગર પર કુદરતે ફેંક્યો તેના આંદોલનો ઘણાં સમય સુધી આપણે સંબંધોમાં બદલાવ, માણસ સ્વભાવમાં બદલાવ જેવા અનેક રૂપે આપણી વચ્ચે રહેશે. માટે હમણાં કોઈ જ પાસે તમારા જેટલી ઉત્કટતાની જે તે સંબંધ પરત્વે અપેક્ષા રાખવી તે યોગ્ય નથી. હજી તો હમણાં માસ્ક ઓઝલ થયા છે, લોકો હળેમળે છે, સામાજિક સમારંભો થવા શરૂ થયા છે, બાળકો ઑફલાઈન ભણતા થયા છે, પરંતુ કોરોનાનાં એ બે-ત્રણ વર્ષ પછી આપણી જીવનગાડીની પટરી ભલે ચાલવા માંડી હોય છતાં દરેકમાં થોડો અદૃશ્ય ડર મોજૂદ છે. જેમણે ઘરનાં લોકોને ગુમાવ્યા તેઓ મનોવ્યથિત છે. આ કાળમુખા કોવિડે આપેલ કારમા ઘાને ઝીલવા લોકોને થોડો સમય આપો. જૂના કે નવા દરેક સંબંધોમાં લાગણીની તમારા જેટલી જ પ્રતિબદ્ધતા વ્યક્ત કરવા હજી તેઓ તૈયાર ના હોય તે શક્ય છે. માટે ઉતાવળે આંબા ના પાકે તે સમજી શ્રદ્ધા અને ધીરજ જાળવી રાખો. તમારા મનને સમજાવવા યોગ-પ્રાણાયામનો સહારો લો. સંબંધોને પુનર્જીવિત કરવા પહેલા દરેક માનવે પોતાના ભાવનાત્મક સ્તર અને બદલાયેલી બહારની પરિસ્થિતિઓ વચ્ચે સમતોલ જાળવવા સમય તો લાગશે જ. હમણાં સંબંધો માટે ઉતાવળા ના થાવ, લોકોને ખુશ કરવા કોઈ લોડ ના લો સહજ રહો, અસ્તુ.

પ્રતિશાદ આપો

તમારું ઇમેઇલ સરનામું પ્રકાશિત કરવામાં આવશે નહીં.