યુકેના પીએમ બોરિસ જોન્સનનું રાજીનામું

દેશ વિદેશ

લંડન: વિવાદો અને રાજકીય હુંસાતુંસીમાં ફસાયેલા બ્રિટનના વડા પ્રધાન બોરિસ જોન્સન ગુરુવારે ક્ધઝર્વેટિવ પાર્ટીના નેતાપદેથી રાજીનામું આપવા સંમત થયા હતા. ગુરુવારે આ બાબતે નિર્ણય લીધા પછી બોરિસ જોન્સને રાષ્ટ્રના નાગરિકોને સંબોધનમાં રાજીનામાની જાહેરાત કરી હતી. બોરિસ જોન્સનના આ નિર્ણયને પગલે અભૂતપૂર્વ રાજકીય કટોકટીનો અંત આવવા સાથે વડા પ્રધાનપદ માટે નવા ટોરી નેતાની ચૂંટણીની આવશ્યકતા ઊભી થઈ છે. નવા વડા પ્રધાન ન ચૂંટાય ત્યાર સુધી બોરિસ જોન્સન હંગામી ધોરણે હોદ્દાની જવાબદારી સંભાળશે.
હવે આગામી ઑક્ટોબર મહિનામાં યોજાનારી ક્ધઝર્વેટિવ પાર્ટીની કૉન્ફરન્સમાં ચૂંટાનારા સંસદીય પક્ષના નવા નેતા વડા પ્રધાન બનશે. મંગળવારથી બ્રિટિશ પ્રધાનમંડળના સભ્યોના વારાફરતી રાજીનામાંની વણઝારને અનુલક્ષીને બોરિસ જોન્સને રાજીનામાનો નિર્ણય લીધો હતો. ખાસ કરીને નાણાં પ્રધાન રિશી સુનકે રાજીનામું આપ્યા પછી તેમના સ્થાને આવેલા નવા નાણાં પ્રધાને સાર્વજનિક પત્ર લખીને ‘હવે છૂટા થવાનો વખત આવી ગયો છે’ એવો ઉલ્લેખ કર્યા બાદ બોરિસ જોન્સન માટે વિકલ્પો બચ્યા નહોતા.
મૂળ ઇરાકના બ્રિટિશર નદીમ ઝાહાવીએ ખુલ્લો પત્ર લખીને બોરિસ જોન્સનની સત્તાને પડકારી હતી અને તેમના રાજીનામાની માગણી કરી હતી. એ માગણી પછી બોરિસ જોન્સને માફી માગી હતી, પરંતુ ત્યારપછી પચાસ જણના રાજીનામા આવ્યા હતા. છેલ્લા કેટલાક મહિનામાં ક્ધઝર્વેટિવ પાર્ટીમાં કોવિડના નિયંત્રણના નિયમોના ભંગના પાર્ટીગેટ કૌભાંડ સહિત અનેક કૌભાંડો અને વિવાદોને પગલે બોરિસ જોન્સન માટે પરિસ્થિતિ પ્રતિકૂળ બની હતી. વડા પ્રધાનપદે જોન્સનના અનુગામી તરીકે નદીમ ઝાહાવીનું નામ સ્પર્ધામાં મોખરે છે. (એજન્સી)

પ્રતિશાદ આપો

તમારું ઇમેઇલ સરનામું પ્રકાશિત કરવામાં આવશે નહીં.