G-20 સમિટમાં ભાગ લેવા માટે બાલી આવેલા ભારતીય વડા પ્રધાન મંગળવારે બ્રિટનના વડા પ્રધાન ઋષિ સૂનકને મળ્યા હતા. ત્યાર બાદ તરત જ યુકેએ ભારતના યુવા વ્યાવસાયિકો માટે દર વર્ષે યુકેમાં કામ કરવા માટે 3,000 વિઝાની મંજૂરીની પુષ્ટિ કરી હતી. ઋષિ સૂનકના સત્તાવાર હેન્ડલ પરથી આ અંગે ટ્વિટ કરવામાં આવી હતી જેમાં 18-30 વર્ષના ડિગ્રી ધરાવતા 3000 શિક્ષિત ભારતીય નાગરિકોને બે વર્ષ સુધી યુકેમાં રહેવા અને કામ કરવા માટે વિઝાની મંજૂરી આપવામાં આવી હતી.” બ્રિટિશ સરકારના જણાવ્યા અનુસાર, ભારત આવી યોજનાનો લાભ મેળવનાર પ્રથમ દેશ છે, જે ગયા વર્ષે સંમત થયેલા યુકે-ઈન્ડિયા માઈગ્રેશન અને મોબિલિટી પાર્ટનરશિપની મજબૂતાઈને દર્શાવે છે. આ યોજના પારસ્પરિક હશે. નોંધનીય છે કે યુકેમાં તમામ આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થીઓમાંથી લગભગ 25 ટકા ભારતના છે.
ઋષિ સૂનકે જણાવ્યું હતું કે, “મને આનંદ છે કે ભારતના વધુ તેજસ્વી યુવાનોને હવે યુ.કે.ના જીવનનો અનુભવ કરવાની તક મળશે અને તેનાથી આપણી અર્થવ્યવસ્થા અને સમાજને વધુ સમૃદ્ધ બનાવવામાં મદદ મળશે.”
નોંધનીય છે કે યુકે હાલમાં ભારત સાથે ફ્રી ટ્રેડ એગ્રીમેન્ટ (FTA) અંગે પણ વાટાઘાટ કરી રહ્યું છે. આ કરાર હકીકતમાં ઑક્ટોબર સુધીમાં થઇ જવાનો હતો, પરંતુ અમુક કારણોસર આ કરારમાં નિયત સમયમર્યાદા જળવાઇ નથી. ભારત અને યુ.કે. જો આ કરાર માટે સંમત થાય છે તો ભારતનો યુરોપિયન દેશો સાથે આ પ્રકારનો આ પ્રથમ કરાર હશે.
વડા પ્રધાન નરેન્દ્ર મોદી અને યુકેના વડા પ્રધાન ઋષિ સુનકે બાલીમાં G20 સમિટના પ્રથમ દિવસે વાત કરી હતી. આ પ્રથમ વાર છે કે પીએમ મોદીએ યુકેના વડા પ્રધાન ઋષિ સૂનક સાથે મુલાકાત કરી છે.