ઉદ્ધવના રાજીનામાંથી સત્તા સંઘર્ષનો અંત એમવીએ સરકારનું પતન, ફડણવીસ ફરી બનશે મુખ્ય પ્રધાન

આમચી મુંબઈ

દેવેન્દ્ર ફડણવીસ પ્રતિનિધિમંડળ સાથે ગવર્નરને મળવા ગયા
મહરાષ્ટ્રના મુખ્ય પ્રધાન ઉદ્ધવ ઠાકરેએ રાજીનામું આપવા માટે મન બનાવી લીધું હોવાના સમાચાર મળતાં જ મોડી રાતે દેવેન્દ્ર ફડણવીસ અને તેમનું પ્રતિનિધિમંડળ ગવર્નરને મળવા ગયું હતું. ગવર્નરને મળીને ફડણવીસે સરકાર રચવા માટેનો દાવો કર્યો હતો. એમવીએ સરકારનું પતન થઇ ગયા બાદ ભાજપના તંબુમાં ઉજવણી થઇ હતી અને ફડણવીસ અને તેના સાથીદારોએ પેંડા વહેંચ્યા હતા.

(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: છેલ્લા ૧૦ દિવસથી ચાલી રહેલા મહારાષ્ટ્રના રાજકીય નાટકનો અંત આવી ગયો હોય એવું જણાય છે. સુપ્રીમ કોર્ટના ચુકાદા બાદ હતાશ થયેલા ઉદ્ધવ ઠાકરેએ મુખ્ય પ્રધાનપદ અને વિધાન પરિષદના સભ્ય તરીકે પણ રાજીનામું આપી દીધું છે. અનિલ પરબ રાજભવનમાં દાખલ થયા ત્યારે જ એવી અટકળો શરૂ થઇ ગઇ હતી કે હવે એમવીએ સરકારનું પતન નિશ્ર્ચિત છે. ઉદ્ધવ ઠાકરેના રાજીનામા બાદ હવે રાજ્યપાલ બે કે ત્રણ દિવસમાં ભાજપને સરકાર રચવા આમંત્રણ આપશે. વિધાનસભાની ચૂંટણીમાં ‘મી યેણાર’ એવી વારંવાર ઉદ્ઘોષણા કરનાર દેવેન્દ્રની ઈચ્છા હવે સાકાર થશે. રાજ્યપાલ ફડણવીસ અને તેમના સાથીદારોને હોદ્દાના અને ગુપ્તતાના સોગંદ લેવડાવ્યા બાદ વિશ્ર્વાસનો મત દેવા ઓછામાં ઓછા સાત દિવસનો સમય આપશે. આ ફ્લોર ટેસ્ટમાં એકનાથ શિંદેના જૂથના વિધાનસભ્યો પણ મતદાન કરી શકશે. ભાજપ વિશ્ર્વાસનો મત આસાનીથી જીતી લે એવી શક્યતા છે, એવો સૂર રાજકીય વર્તુળોમાં જોવા મળ્યો હતો.
મંગળવારે રાતે બહુમતીનું પરીક્ષણ આપવા માટે રાજ્યપાલે જણાવ્યા બાદ ઉદ્ધવ ઠાકરેએ સુપ્રીમ કોર્ટનો આશરો લીધો હતો. બુધવારે આ અંગે પાંચ વાગ્યે સુનાવણી હાથ ધરવામાં આવી હતી અને રાતના સાડાનવ વાગ્યે સુપ્રીમ કોર્ટે ફ્લોર ટેસ્ટ આપવી પડે એવો આદેશ એમવીએ સરકારને આપ્યો હતો. પોતે ફ્લોર ટેસ્ટમાં નિષ્ફળ જઇ શકે એમ હોવાના ભયને કારણે સુપ્રીમ કોર્ટના આદેશ બાદ ઉદ્ધવ ઠાકરેએ તાબડતોબ રાજીનામું આપવાનું નક્કી કરી લીધું હતું. છેલ્લા ૧૦ દિવસથી બળવાખોરી કરનારા એકનાથ શિંદેનું મનનું જ ધાર્યું થયું હતું. હવે સવાલ એ છે કે એકનાથ શિંદેના બળવાખોર જૂથની મહાવિકાસ આઘાડીમાંથી ખસી જવાની માગણી ઉદ્ધવે રાજીનામું આપીને સ્વીકારી છે તો આ અસંતુષ્ટ વિધાનસભ્યો પાછા ઉદ્ધવ પાસે આવશે કે કેમ. સરકારે રાજીનામું આપ્યું હોવાથી અસંતુષ્ટ વિધાનસભ્યો ગેરલાયક થાય એવી સંભાવના હાલમાં રહી નથી. અહીં ઉલ્લેખનીય છે કે ઉદ્ધવ ઠાકરેએ તો આ કટોકટી દરમિયાન બે વાર રાજીનામું આપવાનું મન બનાવ્યું હતું, પરંતુ એનસીપીના અધ્યક્ષ શરદ પવાર અને તેમના સલાહકાર સંજય રાઉતે તેમને લડવાની પ્રરેણા આપી હતી. જોકે સુપ્રીમ કોર્ટે બે આચંકા આપ્યા બાદ ઉદ્ધવે હથિયાર હેઠાં મૂકી દીધાં હતાં.

 

પ્રતિશાદ આપો

તમારું ઇમેઇલ સરનામું પ્રકાશિત કરવામાં આવશે નહીં.