શિવસેના કોની? હવે SCની સુનાવણી 27 સુધી મુલતવી

આમચી મુંબઈ ટૉપ ન્યૂઝ

મહારાષ્ટ્રમાં મુખ્ય પ્રધાન એકનાથ શિંદે અને શિવસેના પ્રમુખ ઉદ્ધવ ઠાકરે માટે 27 સપ્ટેમ્બરનો દિવસ મહત્વપૂર્ણ સાબિત થઈ શકે છે. સુપ્રીમ કોર્ટની બંધારણીય બેન્ચે આજે જણાવ્યું હતું કે ઉદ્ધવ ઠાકરે જૂથ દ્વારા ભારતીય ચૂંટણી પંચને શિવસેના પક્ષ તરીકે માન્યતા આપવાના એકનાથ શિંદે જૂથ દ્વારા કરાયેલા દાવા પર નિર્ણય લેવાથી રોકવા માટે દાખલ કરવામાં આવેલી અરજીની 27મી સપ્ટેમ્બરે સુનાવણી કરવામાં આવશે.

જસ્ટિસ ડીવાય ચંદ્રચૂડ, એમઆર શાહ, કૃષ્ણ મુરારી, હિમા કોહલી અને પીએસ નરસિમ્હાની બનેલી 5 જજની બેંચે બંને જૂથોના સભ્યો દ્વારા દાખલ કરાયેલી અરજીઓની સુનાવણી કરી રહી હતી જેમાં સ્પીકર/ડેપ્યુટી સ્પીકર અને રાજ્યપાલની વિવિધ કાર્યવાહીને પડકારવામાં આવી હતી. આ પહેલા પાંચ સભ્યોની બેંચ વતી 25 ઓગસ્ટે સુનાવણી થવાની હતી, પરંતુ આજ સુધી સુનાવણી થઈ નથી. આગામી બીએમસી ચૂંટણીને લઇને પણ આ સુનાવણી મહત્વની છે. તેવી જ રીતે દશેરા રેલીને લઈને પણ શિંદે જૂથ-શિવસેનામાં હંગામો ચાલી રહ્યો છે. ઉદ્ધવ ઠાકરે પોતાને ‘અસલ શિવસેના’ ગણાવી રહ્યા છે. તેમણે શિંદેને સરકારમાં બોલાવવાના રાજ્યપાલ ભગત સિંહ કોશ્યારીના નિર્ણયને સુપ્રીમ કોર્ટમાં પડકાર્યો છે. ઠાકરે કેમ્પે શિંદેનું સમર્થન કરતા ધારાસભ્યોને ગેરલાયક ઠેરવવાની પણ માંગ કરી હતી.

‘અસલ શિવસેના’ની માન્યતા મેળવવા માટે શિંદે કેમ્પ દ્વારા પણ અરજી કરવામાં આવી હતી. આના પર સુપ્રીમ કોર્ટે ભારતના ચૂંટણી પંચને પત્ર મોકલીને અરજી પર નિર્ણય ન લેવાનો આદેશ આપ્યો હતો. સાથે જ કોર્ટે આ મામલો 25 ઓગસ્ટે સુનાવણી માટે બંધારણીય બેંચને મોકલી આપ્યો હતો.

રાજકીય વિવાદને કાયદેસર રીતે પિટિશન અને ગેરલાયકાતની તલવાર દ્વારા જીતવા માટે શિવસેનાના બંને જૂથો વતી કોર્ટમાં અનેક અરજીઓ દાખલ કરવામાં આવી હતી.આ દરમિયાન શિંદે કેમ્પે 16 ધારાસભ્યો સામે જાહેર કરવામાં આવેલી ગેરલાયકાતની નોટિસને પણ પડકારી હતી. જોકે, સુપ્રીમ કોર્ટે 27 જૂને શિંદે જૂથને નોટિસનો જવાબ આપવા માટે વચગાળાની રાહત આપી હતી. મહારાષ્ટ્ર વિધાનસભામાં સ્પીકરે શિંદે જૂથના સભ્યને શિવસેનાના વ્હીપ તરીકે માન્યતા આપી હતી.

તાજેતરમાં શિંદે કેમ્પ વતી શિવાજી પાર્કમાં દશેરા રેલીની યોજવાનું નક્કી કર્યું હતું.શિવસેનાએ આ નિર્ણય સામે સુપ્રીમ કોર્ટમાં જવાની ધમકી આપી હતી. નોંધનીય છે કે 1966થી શિવસેના શિવાજી પાર્કમાં રેલીનું આયોજન કરી રહી છે. પરંતુ આ વખતે શિંદે જૂથે બીએમસી પાસે ઈવેન્ટનું આયોજન કરવાની પરવાનગી માંગી છે.

નોંધનીય છે કે શિવસેનાનું શિવાજી પાર્ક સાથે ઘણું ભાવનાત્મક જોડાણ છે. શિવાજી પાર્કનું નામ અગાઉ માહિમ પાર્ક હતું, જેનું નામ બદલીને 1927માં છત્રપતિ શિવાજી રાખવામાં આવ્યું હતું. પાર્ટીના સ્થાપક બાલ ઠાકરેના પિતા ‘પ્રબોધનકાર’ કેશવ સીતારામ ઠાકરે એ લોકોમાં સામેલ હતા જેમણે નવરાત્રી પર જાહેર કાર્યક્રમનું આયોજન કર્યું હતું, જે દશેરાના રોજ સમાપ્ત થાય છે. 2010 માં, દશેરા રેલીમાં જ, આદિત્ય ઠાકરે યુવા સેનાના વડા તરીકે રાજકારણમાં આવ્યા હતા.

 

 

પ્રતિશાદ આપો

તમારું ઇમેઇલ સરનામું પ્રકાશિત કરવામાં આવશે નહીં.