મહારાષ્ટ્રમાં રાજકીય ભૂકંપ: એકનાથ શિંદે સહિત શિવસેનાના ૧૧થી વધુ વિધાનસભ્યો સુરતમાં ગુપ્તવાસ હેઠળ, ઉદ્ધવ ઠાકરેની ઇમર્જન્સી બેઠક

આપણું ગુજરાત આમચી મુંબઈ ટૉપ ન્યૂઝ

મહારાષ્ટ્રના રાજકારણમાં ઉથલપાથલના એંધાણ વર્તાઈ રહ્યા છે. ગઈ કાલે સોમવારની સાંજથી શિવસેનાથી નારાજ એકનાથ શિંદે સહિત ૧૧ વિધાનસભ્યો સંપર્કવિહોણા બન્યા હતા. સુત્રોના જણાવ્યા પ્રમાણે નારાજ ૧૨ વિધાનસભ્યો સુરત આવી પહોંચ્યા છે, સુરતની ડુમ્મસ રોડ પર આવેલી લા મેરિડિયન હોટલમાં રોકાયેલા છે. હોટલ બહાર ચુસ્ત પોલીસ-બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે. ગુજરાત ભાજપ પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલ તેમને મળે તેવી ચર્ચાઓ છે. નોંધનીય છે કે મહારાષ્ટ્રની વિધાન પરિષદની ચૂંટણી બાદ શિવસેનામાં નારાજગીનો માહોલ વર્તાઈ રહ્યો હતો. જેણે લઈને ઉદ્ધવ ઠાકરે સરકાર સંકટમાં મુકાઈ ગઈ છે.
સોમવાર સાંજે ઉદ્ધવ ઠાકરે સરકારથી નારાજ ૧૨ વિધાનસભ્યો સુરત આવી પહોંચતા સી.આર.પાટીલ દ્વારા યોગ દિવસના પોતાના તમામ કાર્યક્રમ રદ કરી દેવામાં આવ્યા હતા. આ સમગ્ર ખેલ સી.આર.પાટીલે પાર પડ્યો હોવાની અટકળો છે. સી.આર.પાટીલ પોતે મરાઠી છે. તેઓ મુંબઈના શિવસેનાના વિધાનસભ્યો સાથે સારા સંબંધો ધરાવે છે. દેવેન્દ્ર ફડણવીસ અને સી.આર.પાટીલ દ્વારા ગુપ્ત રીતે નારાજ શિવસેનાના ધારાસભ્યોને પોતાના તરફેણમાં લાવવા માટેનો પ્રયાસ શરૂ કરાયો હોય તે પ્રકારની ચર્ચા ચાલી રહી છે.
સોમવારે મોડી રાત્રે ૧૦ બેઠકો માટે વિધાન પરિષદ ચૂંટણીના પરિણામો જાહેર કરવામાં આવ્યા છે. જેમાં ભાજપના ૫ ઉમેદવારોએ જીત થઇ છે. જ્યારે એનસીપી અને શિવસેનાના ૨-૨ ઉમેદવારો જીત થઇ છે. જયારે કોંગ્રેસને એક બેઠક પર જીત મળી છે. એવું માનવામાં આવે છે કે શિવસેનાના વિધાનસભ્યોએ કરેલા ક્રોસ વોટિંગનો ફાયદો ભાજપને મળ્યો છે.
સુત્રોના જણાવ્યા પ્રમાણે આ ક્રોસ વોટિંગમાં શિવસેનાના નેતા એકનાથ શિંદેનો હાથ છે. તેઓ બપોરે ૧૨ વાગ્યે સુરતથી પ્રેસ કોન્ફરન્સ કરે તેવી શક્યતા છે. શિંદેનો દાવો છે કે તેમના સમર્થનમાં ૨૦ વિધાનસભ્યો છે.
મહારાષ્ટ્રમાં રાજકીય ભૂકંપની આશંકા છે ત્યારે જેન લઈને મહારાષ્ટ્રના મુખ્યપ્રધાન ઉદ્ધવ ઠાકરેએ બપોરે ૧૨ વાગ્યે ઈમર્જન્સી બેઠક બોલાવી છે.

પ્રતિસાદ આપો

તમારું ઇમેઇલ સરનામું પ્રકાશિત કરવામાં આવશે નહીં.