Homeઆમચી મુંબઈઉદ્ધવ ઠાકરેની તમામ પક્ષોને એક થવાની હાકલ

ઉદ્ધવ ઠાકરેની તમામ પક્ષોને એક થવાની હાકલ

શિવાજી મહારાજ પર ટિપ્પણી કરવા બદલ ગવર્નરને પાછા બોલાવો

મુંબઈ: મહારાષ્ટ્રના રાજ્યપાલ ભગતસિંહ કોશિયારીની છત્રપતિ શિવાજી મહારાજ વિશેની તેમની તાજેતરની ટિપ્પણીઓને લઇને તેમને પાછા બોલાવો એવી મહારાષ્ટ્રના ભૂતપૂર્વ મુખ્ય પ્રધાન અને શિવસેના (ઉદ્ધવ બાળાસાહેબ ઠાકરે) જૂથના વડા ઉદ્ધવ ઠાકરેએ માગણી કરીને તેમણે આ માટે રાજ્યના તમામ રાજકીય પક્ષોને એક થવાની હાકલ કરી હતી.
આગામી દિવસોમાં ગવર્નરને પાછા બોલાવવા અંગેની માગ પર કોઇ પણ પ્રકારનો નિર્ણય લેવામાં નહીં આવે તો તેમના પક્ષ દ્વારા રાજ્યવ્યાપી બંધનું આયોજન કરવામાં આવી શકે છે, એવી ધમકી પણ ઉદ્ધવ ઠાકરેએ ઉચ્ચારી હતી.
ગયા અઠવાડિયે ઔરંગાબાદમાં આયોજિત એક કાર્યક્રમ દરમિયાન કોશિયારીએ કહ્યું હતું કે છત્રપતિ શિવાજી મહારાજ જૂના દિવસોના પ્રતીક હતા.
અહીં પત્રકારો સાથે વાતચીત કરતાં ઉદ્ધવ ઠાકરેએ કહ્યું હતું કે મહારાષ્ટ્રના રાજ્યપાલ ભગતસિંહ કોશિયારી સતત રાજ્યની પ્રતિમાઓનું અપમાન કરી રહ્યા છે. હું વિવિધ રાજકીય પક્ષોના લોકોને તેમની વિરુદ્ધ એક થવા અને ગવર્નરને પાછા બોલાવવા માટે કેન્દ્ર સરકાર પર દબાણ લાવવાની અપીલ કરું છું. આ માટે હું ત્રણથી પાંચ દિવસ રાહ જોઇશ. એ સમયગાળા દરમિયાન હું તેમની સામે એક થવા માટે રાજ્યના વિવિધ પક્ષોનો સંપર્ક કરીશ. હું કોશિયારી સામે શાંતિપૂર્ણ રાજ્યવ્યાપી બંધ રાખવાનું વિચારી રહ્યો છું. અત્રે ઉલ્લેખનીય છે કે એનસીપીના વડા શરદ પવારના ‘ગવર્નરે તમામ મર્યાદાને ઓળંગી છે’ એવી ટિપ્પણીના થોડા સમય બાદ ઉદ્ધવ ઠાકરેએ ઉક્ત નિવેદન કર્યું હતું. (પીટીઆઈ)
——–
હવે મુંબઈ જ માગવાનું બાકી છે: સંજય રાઉત
સીમાવિવાદ અંગે છેલ્લા બે દિવસથી મહારાષ્ટ્રમાં રાજકારણ પેટ્યું છે ત્યારે ઠાકરે જૂથના સાંસદ સંજય રાઉત પણ આક્રમક બન્યા છે અને કર્ણાટકના મુખ્ય પ્રધાન બોમ્મઈને સીધી ધમકી આપી છે. બીજી બાજુ તેમણે શિંદે સરકારને ટોણો પણ માર્યો હતો કે હવે મુંબઈ માગવાનું જ બાકી છે. કર્ણાટકના મુખ્ય પ્રધાન બોમ્મઈએ મહારાષ્ટ્રના જત તાલુકાનાં ગામો તેમની હદનાં હોવાનો દાવો કરતાં સીમાવિવાદનો મામલો સળગ્યો છે. સંજય રાઉતે આ અંગે પ્રતિક્રિયા આપતાં કહ્યું હતું કે મહારાષ્ટ્રમાં અત્યંત નબળી સરકાર અસ્તિત્વમાં આવી હોવાને કારણે અને સરકારના પ્રમુખ તંત્રમંત્ર અને જ્યોતિષમાં અટક્યા હોવાને કારણે કર્ણાટક અને ગુજરાતથી આવા હુમલાઓ થઇ રહ્યા છે. આ અંગે મુખ્ય પ્રધાન અને નાયબ મુખ્ય પ્રધાને નક્કર થઇને ઊભું રહેવું જોઇએ. ફક્ત એક પણ ગામ જશે નહીં, એવું માત્ર બોલવાથી કામ નહીં ચાલે. કર્ણાટકના મુખ્ય પ્રધાને મહારાષ્ટ્ર પર હુમલો કર્યો છે, મહારાષ્ટ્રના રાજકારણીઓને શરમ આવવી જોઇએ.
——-
સીમાવિવાદ અંગે શરદ પવારનો બોમ્મઈને સણસણતો જવાબ
સાંગલી જિલ્લાના જત તાલુકાનાં અમુક ગામ પર કર્ણાટકના મુખ્ય પ્રધાન બસવરાજ બોમ્મઈએ દાવો કર્યા બાદ છેલ્લા બે દિવસથી મહારાષ્ટ્રનું રાજકારણ ગરમાયું છે ત્યારે એનસીપીના વડા શરદ પવારે આ અંગે કર્ણાટકના મુખ્ય પ્રધાનને સણસણતો જવાબ આપ્યો છે. શું તમે અમને બેલગાંવ, કારવાર, નિપાણી, ભાલકી અને બિદરને મહારાષ્ટ્રમાં સમાવિષ્ટ કરશો તો અમે જતનાં ગામો માટે તમારી સાથે ચર્ચા કરીશું, એવો પ્રત્યુત્તર શરદ પવારે આપ્યો હતો. સીમાવિવાદ પર ભાજપ પોતાની ભૂમિકાને ટાળી નહીં શકે. ભાજપે તેના પર તત્કાળ ભૂમિકા જાહેર કરવી, એવું સૂચન પણ પવારે આ સમયે કર્યું હતું.
——-
રાજ્યમાંથી એક પણ ગામ બહાર નહીં જાય: શિંદે
સાંગલીના જત તાલુકાનાં જે ૪૦ ગામ કર્ણાટકમાં જવાનાં છે એવું કહેવાઇ રહ્યું છે, પણ એ તો જૂની માગણી છે. હવે પરિસ્થિતિ બદલાઇ છે. સીમાવિસ્તારનાં ગામોમાં રાજ્ય સરકારે અનેક યોજનાઓ અને સવલતો લાગુ કરી છે. આને કારણે પાણી માટે કોઇ પણ કારણથી રાજ્યનું એક પણ ગામ રાજ્યની બહાર નહીં જાય. અમારી સરકારની એ જવાબદારી છે, એવું મુખ્ય પ્રધાન એકનાથ શિંદેએ જણાવ્યું હતું. દરમિયાન મુખ્ય પ્રધાને અચાનક જ બુધવારે શિરડી જઇને સાંઈ સમાધિનાં દર્શન કર્યાં હતાં.
——
કેન્દ્રએ દરમિયાનગીરી કરવી જરૂરી છે: અજિત પવાર
સીમાવિવાદ અંગે એનસીપીના નેતા અને વિરોધી પક્ષના નેતા અજિત પવારે ગુરુવારે પત્રકારો સાથે વાતચીત કરતાં કહ્યું હતું કે કર્ણાટકમાં ભાજપની સરકાર છે અને આવા પ્રકારના વક્તવ્યને મહારાષ્ટ્ર સહન નહીં કરે. આ પ્રકરણમાં હવે કેન્દ્ર સરકારે દરમિયાનગીરી કરવાની જરૂર છે. કોઇ પણ કારણ વિના કર્ણાટકના મુખ્ય પ્રધાન શા માટે આવો પ્રસાર કરી રહ્યા છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here
Captcha verification failed!
CAPTCHA user score failed. Please contact us!
RELATED ARTICLES

Most Popular