Mumbai: મહારાષ્ટ્રમાં ઉદ્ધવ ઠાકરેના રાજીનામા બાદ રાજ્યના નવા મુખ્ય પ્રધાન તરીકે એકનાથ શિંદેની વરણી કરવામાં આવી છે ત્યારે નાયબ મુખ્ય પ્રધાન તરીકે દેવેન્દ્ર ફડણવીસની પસંદગી કરવામાં આવી છે. રાજ્યમાં મહાવિકાસ આઘાડી સરકારનું પતન થતાં જ દેવેન્દ્ર ફડણવીસ અને ભાજપના નેતાઓએ આકરા પ્રહારો કર્યા હતાં. મંગળવારે મહિલા પદાધિકારીઓ સાથે એક બેઠકમાં ઉદ્ધવ ઠાકરેએ કહ્યું હતું કે, કાલે વિધાનસભામાં રિક્ષાચાલક (સીએમ એકનાથ શિંદે)ની રિક્ષા વેગવાન ચાલી રહી હતી. તેમાં બ્રેક નહોતો. ત્યાં બેસેલા લોકોને લાગી રહ્યું હતું કે આ રિક્ષાનું એક્સિડેન્ટ ન થઈ જાય.
ઉદ્ધવ ઠાકરેએ વધુ આકરા પ્રહાર કરતાં કહ્યું હતું કે, શિંદેના સામેથી માઈક છીનવાઈ ગયું, આવી રીતે હજુ શું શું છીનવાશે તે ખબર નહીં પડે.
નોંધનીય છે કે ચોથી જુલાઈના રોજ પ્રેસ કોન્ફેરેન્સમાં સીએમ એકનાથ શિંદે મીડિયાના સવાલોના જવાબ આપી રહ્યા હતાં તે વખતે દેવેનન્દ્ર ફડણવીસે તેમની સામેથી માઈક ઉઠાવી લીધું હતું અને પોતે બોલવા લાગ્યા હતાં. સોશિયલ મીડિયા પર આ ઘટના આગ વેગે વાયરલ થઈ રહી છે અને લોકો જાતજાતની કમેન્ટ કરી રહ્યા છે.