શિવસેના પક્ષ પ્રમુખ ઉદ્ધવ ઠાકરે અને મનસે પક્ષ પ્રમુખ રાજ ઠાકરે એક સાથે આવે એવી ચર્ચા રાજકીય વર્તુળમાં થઈ રહી છે. મળતી માહિતી અનુસાર રાજ ઠાકરેના પત્ની શર્મિલા ઠાકરેએ જણાવ્યું હતું કે, જો ત્યાંથી કોઈ ઓફર આવે તો, વિચાર કરવામાં આવશે.
શર્મિલા ઠાકરે હાલમાં પૂણેના પ્રવાસે છે અને આ દરમિયાન મીડિયાએ પૂછ્યું હતું કે આદિત્ય ઠાકરે સ્ટેટ ટૂર કરી રહી છે તેના પર તમે શું પ્રતિક્રિયા આપશો, ત્યારે શર્મિલાએ જણાવ્યું હતું કે, હું શુભેચ્છા આપીશ અને તેમની સફળતાની કામના કરીશ.
નોંધનીય છે કે એકનાથ શિંદેની બળવાખોરી બાદ શિવસેનામાં ફૂટ પડી ગઈ અને સેનાના 55માંથી 40 વિધાનસભ્યો શિંદે જૂથમાં જતા રહ્યા, એટલું જ નહીં 18 સાંસદો પૈકી 12 સાંસદો પણ શિંદે જૂથમાં સામેલ થઈને ભાજપ સાથે ગઠબંધન કરીને સરકાર બનાવી હોવાથી ઉદ્ધવ ઠાકરે એકલા પડી ગયા હોવાનું દેખાઈ રહ્યું છે. કોંગ્રેસ અધ્યક્ષ નાના પટોલેએ પણ અગાઉ જણાવ્યું હતું કે, મહા વિકાસ આઘાડી એ કોઈ સ્થાયી ગઠબંધન નથી. આવા સમયમાં શર્મિલા ઠાકરેએ આપેલા નિવેદનને કારણે રાજકીય વર્તુળમાં ચર્ચા થઈ રહી છે કે ઉદ્ધવ ઠાકરે અને તેના પિતરાઈ ભાઈ રાજ ઠાકરે એક સાથે આવશે કે? જોકે, બંને પક્ષો તરફથી હાલમાં કોઈ સત્તાવાર નિવેદનો જાહેર કરવામાં આવ્યા નથી.

Google search engine