ઉદ્ધવ ઠાકરે ફરી એક વાર બન્યા ભાવુક કુટુંબપ્રમુખ તરીકે કહું છું, ભ્રમ દૂર કરો અને પાછા આવો

આમચી મુંબઈ

મુંબઈ: શિવસેનાના પ્રધાન એકનાથ શિંદએ ૩૪ વિધાનસભ્યો સાથે પક્ષમાં બળવો પોકારવાને કારણે છેલ્લા આઠેક દિવસથી મહારાષ્ટ્રનું રાજકારણ ધૂંધળું થઇ ગયું છે. ભાવુક બનેલા ઉદ્ધવ ઠાકરેએ અનેક ઓફરો આપ્યા પછી પણ બળવાખોર નેતાઓ ટસના મસ થવા રાજી નથી. બળવાખોર નેતાઓને મનાવવા માટે અનેક પ્રયાસો નિરર્થક નીવડ્યા હતા. મંગળવારે આઠમે દિવસે પણ સ્થિતિ જૈસે થે છે ત્યારે ફરી એક વાર મુખ્ય પ્રધાન ભાવુક બન્યા હતા અને તેમણે આસામમાં બેસેલા નેતાઓને કહ્યું હતું કે કુટુંબપ્રમુખ તરીકે તમને કહું છું કે તમે પાછા આવી જાવ.
તમે છેલ્લા ઘણા દિવસથી ગુવાહટીમાં ફસાયા છો. અમારી સામે દરરોજ નવી માહિતી સામે આવી રહી છે. રાજ્યમાં સત્તાનો સંઘર્ષ દિવસે ને દિવસે વધી રહ્યો છે. શિવસેનાનો અંતર્ગત કલહ
સપાટી પર આવ્યો હોવાને કારણે મહાવિકાસ આઘાડી સરકારનું અસ્તિત્વ જોખમાઇ રહ્યું છે. શિવસેનાના સ્ટ્રોંગ નેતા અને મહાવિકાસ આઘાડીના પ્રધાન એકનાથ શિંદેએ અમુક વિધાનસભ્યો સાથે બળવો કર્યો છે. આ તમામ વિધાનસભ્યો આસામના ગુવાહટીની રેડિસન હોટેલમાં ઊતર્યા છે. આવે સમયે ઉદ્ધવ ઠાકરે દ્વારા બળવાખોર વિધાનસભ્યોને વારંવાર અપીલ કરવામાં આવી રહી છે.
આપણે સાથે બેસીને આમાંથી માર્ગ કાઢીશું, શિવસેનાએ તમને જે માન-સન્માન આપ્યું છે એ તમને ક્યાંય પણ મળી નહીં શકે. સામે આવીને બેસશો તો માર્ગ નીકળશે. શિવસેનાના પક્ષપ્રમુખ અને કુટુંબપ્રમુખ તરીકે આજે પણ મને તમારી ચિંતા થાય છે. એક વાર સામસામે આવો તો માર્ગ નીકળશે, એવા ભાવુક સ્વરે મુખ્ય પ્રધાને બળવાખોર નેતાઓને અપીલ કરી હતી.
દરમિયાન સુપ્રીમ કોર્ટે એકનાથ શિંદેના શિવસેનાના ૧૬ બળવાખોર વિધાનસભ્યોને અયોગ્યતાની નોટિસ સંદર્ભે જવાબ આપવા માટે ૧૨મી જુલાઈ સુધીની મુદત આપી છે. આને કારણે રાજકીય નાટક હજી લાંબું ચાલે એવાં ચિહનો દેખાઇ રહ્યાં છે. બીજી બાજુ ભાજપમાં પણ ગણગણાટ શરૂ થઇ ગયો છે. જોકે અમારી ભૂમિકા વેઈટ એન્ડ વોચની છે, એવી પ્રતિક્રિયા ભાજપના નેતાએ આપી હતી. આવામાં હવે આ સત્તાસંઘર્ષ કઇ દિશા તરફ વળશે તેના પર બધાની મીટ મંડાયેલી છે.

 

પ્રતિશાદ આપો

તમારું ઇમેઇલ સરનામું પ્રકાશિત કરવામાં આવશે નહીં.