ઉદ્ધવને વધુ એક ફટકો, શિંદે જૂથે જમાવ્યો થાણે મ્યુનિસિપલ કોર્પોરેશન પર કબજો

આમચી મુંબઈ ટૉપ ન્યૂઝ

મહારાષ્ટ્રના મુખ્ય પ્રધાન એકનાથ શિંદેએ ઉદ્ધવ ઠાકરેને વધુ એક ઝટકો આપ્યો છે. વિધાનસભા બાદ ઉદ્ધવ ઠાકરેને થાણે મ્યુનિસિપલ કોર્પોરેશન (ટીએમસી)માં પણ મોટો આંચકો લાગ્યો છે. ટીએમસીમાં શિવસેનાના 67 કોર્પોરેટર (નગરસેવક)માંથી 66 કોર્પોરેટર્સે શિંદે જૂથ સાથે હાથ મિલાવ્યો છે. જાણકારી અનુસાર આ તમામ 67 નગરસેવકોએ બુધવારે શિંદેની મુલાકાત લીધી હતી.
રાજ્યમાં આવેલા રાજકીય ભૂકંપ બાદ શિવસેનાના પ્રમુખ ઉદ્ધવ ઠાકરેને સત્તા ગુમાવવાનો વારો આવ્યો હતો. એમની જગ્યાએ એકનાથ શિંદે મહારાષ્ટ્રના નવા મુખ્યપ્રધાન બની ચૂક્યા છે. ઉદ્ધવ ઠાકરે પર હવે તેમની પાર્ટીને બચાવવાનું દબાણ છે, કારણ કે શિંદે જૂથ સતત પાર્ટી પર તેની પકડ મજબૂત બનાવી રહ્યો છે.
દરમિયાન સાંસદોને શિંદે જૂથમાં સામેલ થતા રોકવા માટે શિવસેના સતર્ક થઇ ગઇ છે. શિવસેનાએ રાજન વિચારેને સાંસદ ભાવના ગવલીની જગ્યાએ લોકસભામાં પાર્ટીના ચીફ વ્હીપ બનાવ્યા છે. શિવસેનાના સાંસદ સંજય રાઉતે આ અંગે જાણકારી આપી હતી. દાવો કરવામાં આવી રહ્યો છે કે શિવસેનાના 12 સાંસદ એકનાથ શિંદે જૂથમાં સામેલ થવાની તૈયારી કરી રહ્યા છે.

પ્રતિશાદ આપો

તમારું ઇમેઇલ સરનામું પ્રકાશિત કરવામાં આવશે નહીં.