કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહ હાલ મુંબઈમાં છે. લાલબાગ ચા રાજાના દર્શન કર્યા બાદ તેઓ ફિલ્મ દિગ્દર્શક રોહિત શેટ્ટીને મળ્યા હતાં, જેને લઈને રાજકીય વર્તુળમાં જાત જાતની ચર્ચાઓ થઈ રહી છે. આ દરમિયાન શાહે શિવસેના પ્રમુખ ઉદ્ધવ ઠાકરે પર આક્રમક અંદાજમાં પ્રહારો કર્યા હતાં. તેમણે કહ્યું હતું કે, ઉદ્ધવ ઠાકરેએ ભાજપ સાથે જ નહીં પરંતુ તેની વિચારધારાઓ સાથે પણ દગો કર્યો છે.

મહારાષ્ટ્રની જનતાના જનાદેશનું પણ અપમાન કર્યું છે. ઉદ્ધવ ઠાકરેની પાર્ટીના નાના કદનું કારણ પણ તેઓ પોતે અને સત્તા માટેનો લોભ છે. રાજકારણમાં છેતરપિંડી કરનારાઓને સજા થવી જોઈએ. ઉદ્ધવ ઠાકરેને તેની જગ્યા દેખાડવામાં આવશે.

આજે હું ફરીથી કહેવા માંગુ છું કે અમે ક્યારેય ઉદ્ધવ ઠાકરેને મુખ્યમંત્રી પદનું વચન આપ્યું ન હતું. અમે એવા લોકો છીએ જેઓ છાતી ઠોકીને રાજનીતિ કરીએ છીએ, બંધ રૂમમાં નહીં. ઉદ્ધવ ઠાકરે ખ્યાલી પુલાવ રાંધતા હતા.

નોંધનીય છે કે BMCની ચૂંટણી નજીક આવી રહી છે ત્યારે આ અંગેની ચર્ચા કરવા માટે અમિત શાહ નાયબ મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસ સાથે સરકારી બંગલા મેઘદૂતમાં પહોંચ્યા હતાં, જ્યાં દરમિયાન ભાજપના સાંસદો અને વિધાનસભ્યો તથા વરિષ્ઠ નેતાઓ પણ ઉપસ્થિત રહ્યા હતાં.

અમિત શાહે જણાવ્યું હતું કે, વડા પ્રધાન નરેન્દ્ર મોદીના માર્ગદર્શન હેઠળ BMC ચૂંટણીમાં ભાજપ અને અસલી શિવસેના ગઠબંધનનું લક્ષ્ય 150 સીટ જીતવાનું હોવું જોઈએ. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં BMCમાં ભાજપની જીત નિશ્ચિત છે. વિચારધારા સાથે દગો કરનારી ઉદ્ધવ પાર્ટીની સાથે નથી.

YouTube player
Google search engine