ઉદ્ધવ ઠાકરેએ સંજય રાઉતને મળવાની માંગી પરવાનગી, જેલ પ્રશાસને કહ્યું- કોર્ટની પરવાનગી લો

આમચી મુંબઈ ટૉપ ન્યૂઝ

મહારાષ્ટ્રમાં શિવસેના પ્રમુખ ઉદ્ધવ ઠાકરેએ સંજય રાઉતને મળવા માટે મુંબઈની આર્થર રોડ જેલમાંથી પરવાનગી માંગી હતી. જેલ ઓથોરિટીએ તેમને પરવાનગી આપવાનો ઇનકાર કર્યો હતો. જેલ ઓથોરિટીએ તેમને જણાવ્યું હતું કે, ‘તમારે કોર્ટમાંથી પરવાનગી લેવી પડશે અને જેલરના રૂમમાં મીટિંગ બિલકુલ થઈ શકે નહીં. જેમ સામાન્ય કેદીઓ જેલ બહારના લોકોને મળે છે, તેવી જ રીતે તેમણે મળવાનું રહેશે, પરંતુ તેના માટે પણ કોર્ટની પરવાનગી જરૂરી છે.’

જેલના સૂત્રોએ જણાવ્યું હતું કે તેમને ઉદ્ધવ ઠાકરે તરફથી લેખિતમાં કોઇ અરજી મળી નથી. ઉદ્ધવ ઠાકરે વતી કોઇએ જેલ ઑથોરિટીને ફોન કરીને જણાવ્યું હતું કે ઉદ્ધવ ઠાકરે સંજય રાઉતને એસપીના કાર્યાલયમાં મળવા માગે છે. જેલ સુપરિન્ટેન્ડન્ટે તેમને જણાવ્યું હતું કે જેમ સામાન્ય લોકો કેદીઓને મળે છે, એવી જ રીતે ઠાકરે પણ રાઉતને મળી શકશે, પણ એ માટે તેમણે કોર્ટની પરવાનગી લેવી પડશે. આમ કહીને જેલ અધિકારીએ ઉદ્ધવ ઠાકરેને સંજય રાઉતને મળવા દીધા ન હતા.

જેલના સૂત્રોએ જણાવ્યું હતું કે ઉદ્ધવ ઠાકરેના નજીકના સહયોગીએ જેલ પ્રશાસનને અનૌપચારિક રીતે (ઓફ રેકોર્ડ અથવા પરવાનગી વિના) જેલમાં જેલરની કેબિનમાં ઠાકરેને સંજય રાઉતને મળવા દેવાની પરવાનગી માંગી હતી. જેલ પ્રશાસને કહ્યું કે જો ઉદ્ધવ ઠાકરે સંજય રાઉતને મળવા ઈચ્છે છે તો તેમણે કોર્ટની સત્તાવાર પરવાનગી લેવી પડશે. જેલ મેન્યુઅલ મુજબ, માત્ર લોહીના સંબંધવાળા વ્યક્તિને જ કેદીને મળવાની મંજૂરી આપી શકાય છે.

ઉદ્ધવ ઠાકરેના નજીકના મિત્રોએ જણાવ્યું હતું કે, ઉદ્ધવ ઠાકરે હવે સંજય રાઉતને મળવા માટે પરવાનગી લેવા કોર્ટમાં અરજી કરી શકે છે અને તેમને સત્તાવાર રીતે મળવાની પરવાનગી માંગી શકે છે.

પ્રતિશાદ આપો

તમારું ઇમેઇલ સરનામું પ્રકાશિત કરવામાં આવશે નહીં.