સુપ્રીમના ફરમાન પછી ઉદ્ધવ પાસે આરો નહોતો

એકસ્ટ્રા અફેર

એકસ્ટ્રા અફેર – ભરત ભારદ્વાજ

મહારાષ્ટ્રમાં અંતે ઉદ્ધવ ઠાકરેએ રાજીનામું ધરી દીધું. પોતાની
સરકાર બચાવવા માટેના છેલ્લા હવાતિયા તરીકે ઉધ્ધવ સુપ્રીમ કોર્ટમાં ગયેલા પણ સુપ્રીમ કોર્ટે તેમને માફક આવે એવો ચુકાદો ના આપતાં ઉદ્ધવે મેદાન છોડી દીધું. બુધવારે રાત્રે મુખ્યમંત્રીપદેથી રાજીનામું ધરીને નવરા થઈ ગયા.
ઉદ્ધવનું રાજીનામું રાત્રે આવ્યું તેથી થોડી ઉત્તેજના ફેલાઈ પણ સાવ અનપેક્ષિત નથી. ઉદ્ધવ ઠાકરે સામે બળવો કરનારા એકનાથ શિંદેને ટેકો આપીને શિવસેના, એનસીપી ને કૉંગ્રેસના બનેલા મહાવિકાસ અઘાડીની સરકારને ગબડાવવી કે નહીં એ મુદ્દે લાંબી વિચારણા પછી અંતે ભાજપે મેદાનમાં આવવાનું નક્કી કરી નાખ્યું પછી ઉદ્ધવ પાસે ખુુલ્લા જંગ માટે મેદાનમાં આવ્યા વિના આરો રહ્યો નહોતો.
ભાજપના નેતા દેવેન્દ્ર ફડણવીસે મંગળવાર રાતે રાજ્યપાલ ભગતસિંહ કોશિયારીને મળીને ઉદ્ધવ ઠાકરે સરકાર સામે અવિશ્ર્વાસનો પ્રસ્તાવ લાવવાની માગણી કરી એ વખતે જ નક્કી થઈ ગયેલું કે, ઉદ્ધવે આજે નહીં તો કાલે વાસ્તવિકતાનો સામનો કરવાનો થવાનો છે ને પોતાની પાસે બહુમતી છે એ સાબિત કરવું પડશે.
રાજ્યપાલ ભગતસિંહ કોશિયારી ભાજપના જૂના જોગી છે તેથી ભાજપની માગણીને એ સ્વીકારશે જ તેમાં મીનમેખ નહોતો. આ ધારણા સાચી પડી ને ભાજપે અવિશ્વાસનો પ્રસ્તાવ વિધાનસભામાં લાવવાની માગણી કરી તેના ૧૨ કલાકમાં તો રાજ્યપાલે માગણી મંજૂર પણ કરી નાંખી.
ભગતસિંહ કોશિયારીએ ગુરૂવારે સવારે ૧૧ વાગ્યે વિધાનસભાનું વિશેષ સત્ર બોલાવવાની જાહેરાત કરી નાંખેલી. સાથે સાથે ચોખવટ પણ કરી નાંખી કે, ૩૦ જુલાઈ એટલે કે ગુરુવારના રોજ મહારાષ્ટ્ર વિધાનસભામાં બળાબળનાં પારખાં થશે. વિધાનસભાનું સત્ર સવારે ૧૧ વાગ્યે શરૂ કરીને સાંજે પાંચ વાગ્યા સુધીમાં કોઈ પણ સ્થિતિમાં આખી પ્રક્રિયા આટોપી લેવામાં આવે એવું ફરમાન પણ રાજ્યપાલે કરી નાંખ્યું હતું.
શિવસેનાએ રાબેતા મુજબ જ રાજ્યપાલના આદેશ પ્રમાણે કકળાટ કરી નાંખેલો. શિવસેનાએ બળાબળનાં પારખાં કરવાના રાજ્યપાલના આદેશને ગેરબંધારણીય ગણાવીને તેને પડકારેલો પણ સુપ્રીમ કોર્ટે તેનું પડીકું કરી નાંખીને ગુરૂવારે જ વિશ્ર્વાસનો મત લેવા ફરમાન કરતાં ઉદ્ધવ પાસે લડી લેવા સિવાય કોઈ આરો રહ્યો નહોતો. ઉદ્ધવ જે રીતે હાકલાપડકારા કરતા હતા એ જોતાં લાગતું હતું કે, એ છેલ્લી ઘડી લગી લડી લેશે પણ તેના બદલે એ પાણીમાં બેસી ગયા. સુપ્રીમના આદેશના પગલે વિશ્ર્વાસનો મત લીધા વિના છૂટકો ના રહેતાં રાજીનામું ધરીને મેદાન છોડી દીધું.
સુપ્રીમ કોર્ટ આ ફરમાન કરશે એ નક્કી જ હતું કેમ કે ૨૦૧૮માં કર્ણાટકમાં થયેલા ભવાડા વખતે સુપ્રીમ કોર્ટે ભાજપના યેદુરપ્પાના મામલે આ જ વલણ લીધેલું. કર્ણાટકમાં ભાજપના વજુભાઈ વાળા રાજ્યપાલ હતા. વિધાનસભાની ચૂંટણીમાં કોઈ પક્ષને સ્પષ્ટ બહુમતી નહોતી મળી પણ ભાજપ સૌથી મોટા પક્ષ તરીકે ઉભરેલો પણ કૉંગ્રેસ-જેડીએસએ પહેલાં જ જોડાણની જાહેરાત કરીને સરકાર રચવા દાવો કરી નાંખેલો.
વજુભાઈએ કૉંગ્રેસ-જેડીએસ પાસે ભાજપ કરતાં વધારે ધારાસભ્યો હોવા છતાં ભાજપને સરકાર રચવા નોતરૂં આપીને યેદુરપ્પાને મુખ્યમંત્રી બનાવી દીધેલા. કૉંગ્રેસ-જેડીએસએ તેની સામે સુપ્રીમ કોર્ટમાં અરજી કરીને આક્ષેપ મૂકેલો કે, રાજ્યપાલે બંધારણીય જોગવાઈ અને સુપ્રીમ કોર્ટે આપેલા ચુકાદાનો ભંગ કર્યો છે.
સુપ્રીમ કોર્ટે બીજી લપ્પનછપ્પનમા પડ્યા વિના યેદુરપ્પાને તાત્કાલિક એટલે કે બીજા જ દિવસે વિશ્ર્વાસનો મત લેવા કહેલું. ભાજપે પણ આ રીતે ઘડિયાં લગ્ન લેવાં પડશે એવું નહોતું ધાર્યું તેથી ભાજપને તડજોડનો સમય ના મળ્યો તેમાં યેદુરપ્પા ત્રણ દિવસમાં ઘરભેગા થઈ ગયા હતા.
મહારાષ્ટ્રમાં તેને મળતી આવતી સ્થિતિ હતી તેથી સુપ્રીમ કોર્ટ આ ચુકાદો આપશે એ નક્કી હતું. શિવસેનાને પણ વાતની ખબર હશે પણ મરતા ક્યા ના કરતા એ હિસાબે શિવસેનાએ પોતાની તાકાતનાં પારખાં ના થાય એ માટે છેલ્લો પાસો ફેંકી દીધેલો. સુપ્રીમ કોર્ટે શિવસેનાની વાતોમાં આવ્યા વિના બંધારણીય જોગવાઈ પ્રમાણે રાજ્યપાલના ફરમાનને માન્ય રાખી દીધું તેમાં ઉદ્ધવનો ખેલ પૂરો થઈ ગયો.
ભાજપ અવિશ્ર્વાસનો પ્રસ્તાવ લાવતા ગુવાહાટીમાં શિવસેનાના ધારાસભ્યો સાથે અઠવાડિયાથી ધામા નાંખીને પડેલા બાગી નેતા એકનાથ શિંદેએ પણ મુંબઈ આવવા રવાના થવાનું એલાન કરી નાખ્યું હતું. શિંદેએ બુધવારે જ મુંબઈ આવવાનું એલાન કરેલું પણ પછી પ્લાન ચેઈન્જ કરીને બળવાખોર ધારાસભ્યોને પહેલાં ગુવાહાટીથી ગોવા લવાશે અને પછી ગુરુવારે વહેલી સવારે મુંબઈ લવાશે એવું નક્કી કર્યું.
ગોવાની ફાઈવ સ્ટાર હોટલમાં ૭૧ રૂમ પણ બૂક કરી દેવાયા હતા એ જોતાં બળવાખોર ધારાસભ્યો સવારે ૧૧ વાગ્યે વિધાનસભાનું સત્ર શરૂ થાય એ પહેલાં જ મુંબઈમાં પધરામણી કરશે એવો તખ્તો ગોઠવાયેલો. તેના કારણે શિવસેનાના ધારાસભ્યોને પોતાની તરફ ખેંચવાની ઉદ્ધવની રહીસહી આશા પર પણ પાણી ફરી વળેલું.
મહારાષ્ટ્રમાં જે સંજોગો હતા એ જોતાં ઉદ્ધવ ઠાકરે સરકાર પાસે બહુમતી નહોતી એ સ્પષ્ટ હતું. શિવસેનાના ૫૫ ધારાસભ્યોમાંથી ૪૦ ધારાસભ્યો પોતાની સાથે હોવાનો એકનાથ શિંદેનો દાવો છે. આ ૪૦ ધારાસભ્યો અવિશ્ર્વાસના પ્રસ્તાવની તરફેણમાં એટલે કે ઉદ્ધવ સરકારની વિરુદ્ધ મતદાન કરે તો ઉદ્ધવ સરકાર ઘરભેગી થઈ જાય તેમાં શંકા નહોતી.
આપણે ત્યાં પક્ષપલટા વિરોધી કાયદો અમલમાં છે તેના કારણે શિંદે જૂથ માટે અવિશ્ર્વાસના પ્રસ્તાવની તરફેણમાં મતદાન કરવુ અઘરું હતું પણ ભાજપ તેના પડખે હતો તેથી કશું અશક્ય નહોતું. ઉદ્ધવ પણ આ વાત જાણતા જ હશે તેથી તેમણે વિધાનસભામાં હારીને બેઆબરૂ થવાના બદલે સત્તા જ છોડી દેવાનું નક્કી કર્યું.
ઉદ્ધવની વિદાય સાથે હવે વિધાનસભામાં વિશ્ર્વાસના મતનો મતલબ રહ્યો નથી. હવે સવાલ મહારાષ્ટ્રમાં શું થશે તેનો છે. અત્યારે જે શક્યતા છે એ જોતાં તો દેવેન્દ્ર ફડણવીસ સરકાર રચે ને એકનાથ શિંદે તેમને ટેકો આપીને સરકારમાં જોડાય એવી શકયતા વધારે છે પણ રાજકારણમાં ગમે તે બની શકે.
શિંદે ભાજપ સાથે મળીને સરકાર રચવા થનગની રહ્યા છે એ સાચું પણ આ સરકારના વડા તરીકે ભાજપના નેતા હોય એવું જ તેમના મનમાં હોય એ જરૂરી નથી. એ પોતે પણ મુખ્યમંત્રી બનવા થનગનતા હોય એવું બને. એ સંજોગોમાં એ નવો દાવ ખેલે ને મહારાષ્ટ્રના રાજકારણમાં નવો ડ્રામા ભજવાય એવું પણ બને. ઉ

પ્રતિશાદ આપો

તમારું ઇમેઇલ સરનામું પ્રકાશિત કરવામાં આવશે નહીં.