Homeવીકએન્ડઅમેરિકન ડોલરને ખાનગી અને ખુલ્લી ચેલેન્જ!!!

અમેરિકન ડોલરને ખાનગી અને ખુલ્લી ચેલેન્જ!!!

ઊડતી વાત – ભરત વૈષ્ણવ

અમે હરગિજ ડરપોક નથી. અમે અફવા કે હકીકતથી ડરતાં નથી અને મરી ગયા રે ની મરણપોક મૂક્તા નથી. ડોલરનો જ દાખલો લઇ લો. શ્રીમંત પરિવારના બગડેલા નબીરાની જેમ ડોલર સૌને પરેશાન કરે છે. ડોલર કોઇના કહ્યામાં નથી. છતાં, અમે અમારી સ્થાવર કે જંગમ મિલકતમાંથી બેદખલ કરેલ નથી તેમ જ તેની જાહેરખબર પણ આપી નથી. અમે ડોલરની હલચલ કે ચાલચલગતથી ડરતાં નથી. કયોંકિ ડરના મના હૈ!! ભલે ડરના જરૂરી હૈ!! ડોલર તળિયા વિનાના લોટાની જેમ ગબડતો જાય છે. તેના મૂલ્યમાં ગોબા પડે છે. અલબત્ત, અમે મિયાં ફૂસ્કી કે તભા ભટ જેવા ડરપોક નથી. એમ અમે બહાદુર બંકા પણ નથી, શું સમજ્યા? ડોલરે પંચોતેરની સપાટી વટાવી એટલે દિલમાં ફાળ પડેલી. માનો કે ગર્લફ્રેન્ડ બીજા બોય ફ્રેન્ડ સાથે રફૂચકકર થઇ ગઇ હોય!!
આજકાલ કોઇને સ્થગિતતા કે બંધિયારપણું ગમતું નથી. પેટ્રોલે મનચલીની જેમ સો રૂપિયાની મેજીક સપાટીને ટચ કરેલ. અમે તેને ઠપકો સુધ્ધાં આપી શકેલા નહીં.
પેટ્રોલને પગલે ડીઝલબાઇ તેને પગલે ચાલી. આપણે સાક્ષીભાવ કેળવવા સિવાય શું કરી શકીએ?? સિંગતેલ જેવા સિંગતેલે રૂપિયા ત્રણ હજારના મેજીક ફિગરને સ્પર્શ કર્યો તેને ઐતિહાસિક કહેવા સિવાય શું કરી શકીએ?? પરોઠા પર ૧૮% જીએસટી લાગે એટલે પરોઠા ન ખાવાના પારોઠના પગલાં ભરી શકાય?? કદાપિ નહીં. કેમ કે, અમે ડરપોક નથી.
એક ચલણ સામે બીજું ચલણ ગબડે તેના અનેક કારણો હોય છે! એનું સાચું મૂલ્યાંકન-આકલન કરવાની પહેલ કરવી પડશે. એક ડોલરના ત્ર્યાશી રૂપિયા થયા એટલે રૂપિયો ગબડ્યો બબડ્યો નથી. અપિતું, ડોલર રૂપિયા સામે મજબૂત થયો છે!! કેટલું પોઝિટિવ વિશ્ર્લેષણ !!! આવું વિશ્ર્લેષણ સમજદારી વિના સંભવિત નથી કે શક્ય નથી. આપણો રૂપિયો રેસલિંગની રીંગમાં બોર્નવિટા કે પ્રોટિનેકસ પહેરીને લડી રહ્યો છે. રૂપિયો પિટાતો નથી, પણ ડોલર તેને પિટે છે. આમ, કહેવાથી ફૂલણજી ડોલર ફૂલાઇ જશે અને એક દિવસ આપણો રૂપિયો એવો દાવ ખેલશે ત્ર્યાશી ડોલર બરાબર એક રૂપિયો થશે. ચાલો, મુંગેરીલાલ કે શેખચલ્લીની માફક ઇસ્ટમેન કલરમાં સિનેમાસ્કોપ સપના જોવા માંડો!!! હમ હોંગે કામિયાબ એક દિન. મન મેં હૈ વિશ્ર્વાસ હમ હોંગે કામિયાબ એક દિન!!
અત્યાર સુધી ડોલર કાચબાની માફક અંગો સંકોડીને શાંતિથી બેઠો હતો. આઝાદી સમયે એક ડોલરનો વિનિમય દર એક રૂપિયો હતો. આપણે ડોલરનું ઉત્થાન કરવાની યોજના કાર્યાન્વિત કરી છે. હવે ડોલરે અજગરની માફક ફૂંફાડો માર્યો છે રૂપિયા સામે ૬૫-૬૬ સામે શૅરબજારના બુલિયન જેમ હવે ઊંચકાયો છે!! હવે ૮૩ની ઐતિહાસિક ઊંચાઈએ પહોંચ્યો છે. અમેરિકન ડોલર સામે રૂપિયો સાબુ, સોડા, પાઉડર, પાણી વિના વગર ધોકાએ ધોબીપછાડ ધોવાયો છે. આઝાદી સમયે એક ડોલર બરાબર એક રૂપિયો હતો. આજે રૂપિયો હિન્દી ફિલ્મના વિલનના જેમ અમેરિકન ડોલર જેવા હીરોના હાથે ધોવાઈને ત્ર્યાશીની સપાટીએ પહોંચી ગયો!!!
કેટલાક લોકો કાગડા જેવા હોય છે. એમને દેડકાને પરેશાન કરવામાં મજા આવે છે. પછી છોને દેડકાનો જીવ જાય!! એક ડોલરના પંચોતેર, છોંતેર, સિત્તોતેર, અઠ્ઠોતેર, ઓગણ્યા એંશી, એંશી, એક્યાશી, બ્યાસી અને ત્યાસી રૂપિયા થયા તેમાં તેમના દિલના ધબકારા વધી ગયા. ઇસીજીમાં ઉછાળ આવ્યો.
થર્મોમીટરનો પારો થર્મોમીટર તોડીને બહાર આવી જશે તેવું લાગ્યું!! એ સમયે પણ થનગનભૂષણો આપણે કરેલ નિકાસના વધુ રૂપિયા મળશે તે કેલકયુલેટરમાં ગણ્યા વિના કહેવા લાગ્યા!! આપણા એનઆરઆઇ ભારતમાં વધુ રૂપિયા મોકલાવશે એટલે ભારતની ચાંદી હી ચાંદી થઇ જશે. સબ હાલ ચંગા થઇ જશે તેવું ગાઇ વગાડીને કહે છે!! આપણે આયાત માટે વધુ રૂપિયા ચૂકવવા પડશે તેવું છુપાવીને રાષ્ટ્રપ્રેમ દર્શાવી રહ્યા છે, રાષ્ટ્રની સેવા કરી રહ્યા છે!! સ્વદેશી રૂપિયો ડોલર સામે ગબડે છે, સોરી ડોલર મજબૂત થાય છે તો અમારા પેટનું પાણી હલતું નથી, કેમ કે, સુલભ શૌચાલયના ઉપયોગ માટે ડોલરમાં નહીં પણ રૂપિયામાં ચુકવણી કરવાની છે. વનિતા દાતણવાળી પાસેથી ડોલર આપીને નહીં પણ રૂપિયા આપીને દાતણ ખરીદ કરવાના છે!!!
વિક્રમ સંવત ૨૦૭૯નો હજુ હમણા પ્રારંભ થયો છે. ચારેબાજુ અમૃતકાળની ગૌરવવંતી ઉજવણી છે. સર્વત્ર મંગળ મંગળ મંગળ છે. છતાં ખોટું બોલનારા વાતાવરણ બગાડે છે. લોકોને દિલ્હીના પ્રદૂષણની ચિંતા છે! પણ આવા પ્રદૂષણિયા વિદૂષકની ચિંતા નથી. આગામી વરસે ડોલર રૂપિયા સામે ૮૬.૭૦ રૂપિયા થઇને મજબૂત થશે તેવી આગાહી કરી રહ્યા છે!! આવી કાળવાણી કરવાની શી જરૂર હોય!! આપણા લાડિલા કવિ હરીન્દ્ર દવે એક કવિતામાં કહે છે મારીય ડાળખીમાં પાંદડા નથી, મને પાનખરની બીક ન બતાવો!! આપણે ત્યાં મડા-મૃતદેહ પર વીજળી પડે તો મૃતદેહને તસુભાર નુકસાન થયું નથી તેમ કહેવાય છે. ભાવવધારાની એટલી વીજળી આપણા પર ત્રાટકી છે કે વીજળી પણ આપણું કશું બગાડી શકતી નથી. ડોલરને અમારી ખાનગી અને ખુલ્લી ચેલેન્જ છે કે એકવાર એક ડોલર બરાબર સો રૂપિયા થવા દે પછી અમારા ભાયડાનો જપાટો જોજે! તું એક સો એકના આંકડાને અડી શકે તો મને ફટ કહેજે!! ઉ

 

RELATED ARTICLES

Most Popular