Homeઉત્સવસરકારનું ચાર લાખ કરોડનું દેવું ચૂકતે કરવા ગિરધરલાલનો ધાંસુ આઇડિયા !!!

સરકારનું ચાર લાખ કરોડનું દેવું ચૂકતે કરવા ગિરધરલાલનો ધાંસુ આઇડિયા !!!

ઊડતી વાત – ભરત વૈષ્ણવ

તમે બાથરૂમ (જોયું બાથરૂમનું નામ આવે એટલે બધાને રસ પડે. કેમ કે, હમામમાં સબ નંગે હોતા હે. આમાં નવું શું કહ્યું, ગિરધરલાલ ગરબડિયા? ઘણા તો બાથરૂમની બહાર પહેરલ કપડે નંગા હોતા હૈ. ખુદ કો ચંગા બતાતે હૈ ઔર ખુદને પંગા લેનેસે મના કરતે હૈ!!! આ કલ્પનાથી ભલભલા ઉત્તેજિત થઇ જાય છે! અરે, બોસ ગુજરાતી અને અંગ્રેજી ભાષાની હોચપોચ એટલે કે ખીચડીને ગુજલીશ કહેવાય છે. એમ જ ગુજરાતી અને હિન્દીના સંમિશ્રણને ગુજન્દી ન કહેવાય? કહેવાય, ગિરધરલાલ કહેવાય! રણમાં વહાણ હાંકે રાખો ગિરધરલાલ ગરબડીયા!! ચાલો અમે, મા ગુર્જરીને ચરણે શરણે એક નવો શબ્દ અર્પણ કર્યો. કદાચ આટલા યોગદાનના અંતે અજ્ઞાનપીઠ એવોર્ડ પાકા ફળની માફક અમારા ખોળામાં આવી પડે. આટલા માટે જ અમે અખંડ અને અહર્નિશ ખોળો પાથર્યો છે!!! સ્નાન કરતા હો. અલબત પોતપોતાના બાથરૂમમાં હોં કે! બીજે અડપલા કરવા નહીં- સ્વાસ્થ્ય સંબંધી સૂચના પૂરી થઇ!) સ્નાન કરતા સમયે આંખો પર સાબુ બાબુ લગાડેલ હોય, બાકીના શરીરે સાબુ લગાડવાનો હોય ત્યારે સતી દમંયતિના હાથમાંથી મરેલી માછલી સજીવન થઇ છટકી જતી તેમ તમારી હથેળીમાંથી સાબુ સુંદરી વછૂટી જાય ત્યારે હાંફળા ફાંફળા બંધ આંખે સાબુની ગોટીને શોધવા હવાતિયા મારીએ છીએ. આની હજુ સુધી કોઇ ન્યૂઝ ચેનલે લાઇવ સ્ટોરી કરી નથી. પ્રજા કેટલી ઉમદા અને ઉત્તેજક માહિતીથી વંચિત રહે છે, પરંતુ રાજુ રદ્ી સિવાય કોઇએ ખામોશ રહેવાના બદલે સવાલને વાચા આપવાની ભીની જરૂરિયાત છે. નયનને બંધ રાખીને તમને જોયા છે એમ ગાનાર મનહરભાઇ નયનને બંધ રાખી સાબુની ગોટીને બહુ શોધી છે જેવી નજમ કેમ ગાતા નથી?? મા ગુર્જરીની આવી કુસેવા કરવાની? તો પછી માતૃભાષા દિવસની બીબાઢાળ ઉજવણીનો શો અર્થ છે???
બાથરૂમમાં સાબુની ગીલી-ભીની ગોટીને એ પણ બંધ આંખે શોધવાના પુરુષાર્થ (મહિલાના કિસ્સામાં મહિલાર્થ ગણવો!!!) જેવું જ રોજગારી શોધવાનું દુષ્કર કામ છે! જ્યાં તમે રોજગારીનું લટકાવેલ ગાજર જુઓ એટલે રોજગારીનું ગાજર ખાવા ગધેડા, ખચ્ચર, ટટુ, સસલા, શિયાળ, ઊંટ ખડેપગે તૈયાર હોય! એક ગાજર અનેક અરજદારો. બેરોજગારી કયાં પહોંચી છે?? ચપરાશીની નોકરી માટે પીએચડી એટલે દર્દી-દવાખાના વગરના ડૉકટરો સહિત ઘણા ભણેલા ગણેલા પૂરના પાણીની જેમ ધસમસતા ધસી જાય છે. નોકરી આપવાની પ્રક્રિયા લગભગ પંચવર્ષીય યોજના પુરવાર થાય છે!
આપણે બાલમંદિરથી કોલેજ સુધી શા માટે ભણીએ છીએ?? આ સવાલમાં શુદ્ધ શાસ્ત્રીય જવાબમાં પડીએ તો સદંભ જવાબ મળે. વ્યક્તિત્વને બૌદ્ધિક ધાર આપવાના બહુઆયામી પ્રયાસને ચરિતાર્થ કરવા અધ્યયન કરવું અતિઆવશ્યક ગંભીર પ્રવૃતિ છે! બોલો, કંઇ સમજણ પડી? મિડિયમ પેસર એક ઓવરમાં છ બાઉન્સર ફેંકે એ સમજી શકાય. પણ સ્પિનર એક ઓવરમાં છ બાઉન્સર ફેંકે એવું ધુપ્પલ છે! અલ્યા, દેવાનુમપ્રિય એટલે કે મૂરખ લોકો માત્ર અને માત્ર નોકરી મેળવવા કોલેજ કરે છે! કોલેજ કરે એટલે ભણે છે એમ નિતાંત માનવું નહીં! આપણે ભણતરને રળતર સાથે જોડી દીધું છે. મતલબ કે લાંબો જોડે ટૂંકો જાય, મરે નહીં તો માંદો થાય!
આપણે છેલ્લાં કેટલાંક વરસોથી શિક્ષણનીતિને નામે ખો, કબડી, સંગીત ખુરશી રમીએ છીએ. નવી શિક્ષણનીતિ જૂની થાય. કેમ ન થાય? પંચોતેર વરસમાં કેટલી નવી-જૂની નવી નવી, નવી નવી ઓર નવી શિક્ષણ નીતિ આવીને ગઇ. શિક્ષણનીતિનું મહિલાના બ્લાઉઝની બાંય જેવું છે. જરૂરત અને ફેશન પ્રમાણે વધારી ઘટાડી શકાય!!
માણસનું મગજ એ શૈતાનનુ કારખાનું કહેવાય છે. શિક્ષણ મંત્રીની ખુરશી પણ કપિલ શર્માના કોમેડી શોને ઝાંખો પાડી દે તેવી સુપર ડૂપર કોમેડી ચેર છે. આપણા માનનીય શિક્ષણમંત્રીને શિક્ષણ સાથે આમ કે ખાસ નિસબત હોતી નથી.અરે દૂર દૂર નાહવા નિચોવવાનો સંબંધ હોતો નથી. માનનીય મંત્રીશ્રીને નવી ખાનગી શાળા, હાઇસ્કૂલ, હાયર સેક્ધડરી, કોલેજ, યુનિવર્સિટી ખોલવા, વર્ગ વધારા, નોનગ્રાંટેડને ગ્રાંટેડ બનાવવા પેરાફેરલ્સની ખરીદીમાં મલાઇ ખાવામાં જ રસ હોય છે! અધ્યાપકોને સિલેબલ્સમાં જમાના પ્રમાણે સુધારા કરવામાં રસ કે વૃતિ હોતી નથી. કૂવામાં પણ નથી અને હવાડામાં પણ નથી. છોકરાને ત્રણ વાર વરસે મળતી ડિગ્રીમાં રસ હોય છે. સિલેબલ્સ ફૂવડ છે. એક મહાનુભાવ બુલબુલની પાંખે બેસીને જેલ બહાર પરિભ્રમણાર્થે નીકળતા હતા આવું બધું રાષ્ટ્રવાદના નામે ભણાવાથી રોજગારી થોડી મળવાની છે? બાલમંદિરના દરવાજેથી શિક્ષણની ફેકટરીમાં દાખલ થતો કાચો માલ કોલેજના દરવાજેથી અનફિનિશ, અર્ધદગ્ધ, નોન સ્કિલ્ડ જ રહે છે. કંપનીની કામની જરૂરત મુજબનો માનવ સંસાધન કર્મચારીના સ્વરૂપમાં મળતો નથી. કેટલાક સિલેબલ્સ પચાસ વરસથી સુધારો કર્યા વિના સંપૂર્ણ સિદતથી ભણાવાય છે. જે કંપનીની આધુનિક જરૂરત સંતોષી શકતા નથી. જેથી યુવાનોને ચપરાશીની પણ નોકરી મળતી નથી. હવે વિચારો કે મારે પ્લમ્બર કે ફિટર થવું છે તો મારે હિન્દી, ભૂગોળ, નાગરિક, ઇતિહાસ, નાગરિકશાસ્ત્રના થોથા ફાડવાની જરૂર છે? આવા લોકોને સીધા આઇટીઆઇમાં દાખલ કરી દો!
અભ્યાસથી જીવન જીવવાનો દૃષ્ટિકોણ ઉન્નત અને વ્યાપક થાય છે એવું ચંદુ ચૌદસ દૃઢપણે માને છે. માય ફૂટ! કંકોડા દૃષ્ટિકોણ? સૌને ખબર છે કે બધા નોકરી અને છોકરી મેળવવાના ઉધામા છે! કોઇ વ્યક્તિ ભણીને વેદિયો થવા ઇચ્છતું
નથી. આપણે ડિમાન્ડ-સપ્લાયને ધ્યાને લીધા સિવાય એન્જિનિયરિંગ કોલેજો ખોલી નાખી. આજે રાજ્યમાં એક, બે, ત્રણ, ચાર નહીં પણ છાંસઠ હજાર, રિપીટ છાંસઠ હજાર બેઠકો પ્રવેશ આપ્યા પછી ખાલી રહીં. ‘ખાલી ડબા ખાલી બોટલ લે લો મેરે યાર, ખાલી સે અબ નફરત ન કરો, ખાલી હે સંસાર’ જેવી નૈરાશ્યપૂર્ણ હાલત છે.
બેરોજગારી અને રોજગારી વચ્ચે ભીષણતમ યુદ્ધ ચાલે છે. નોકરી એટલે સરકારી નોકરી એવી આપણી છાપ છે! બાકીના બધા ઘાસ કાપે છે? અલબત, ઘાસ કાપવું એ પણ રોજગાર છે. પકોડાપ્રેમી પ્રધાન સેવકે બરાબર કહ્યું છે કે પકોડા તળવા એ સ્વરોજગાર છે!! માની લો કે, એકસો પાંત્રીસ કરોડની વસ્તી પકોડા તળશે તો કોના પકોડા વહેંચાશે? આઇઆઇએમમાંથી એમબીએ થઈ ચાયવાલા બનારસ ચાની આવકમાંથી મર્સીડીજ બેન્જ કાર ખરીદ કરે એટલે બધા ચાયવાલા હેપી હેપી એમ ન કહી શકાય. એક ચાવાળો પ્રધાનમંત્રી બને એટલે બધા ચાવાળાની બલ્લે બલ્લે ન થાય! વરસો પહેલાં નોકરીની જાહેર ખબર પ્રસિદ્ધ થાય કે હજારો- લાખો યુવાનો નોકરી મેળવવા અરજી કરતા હતા! આજે હાલત ઘણી બધી બગડી છે. યુપીમાં ચપરાશીની નોકરી માટે એમબીબીએસ, પીએચડી, એમબીએ સહિત લાખો લોકોએ અરજીની પેટીઓ છલકાવી દીધેલી! હમણાં મધ્ય પ્રદેશમાં ૩૭.૮ લાખ નોંધાયેલા બેરોજગાર પૈકી શુકનના ચાંલ્લા રૂપે માત્ર ને માત્ર એકવીસને ઢંગની કહી શકાય તેવી નોકરી આપવામાં આવેલ.
સરકાર બેરોજગારીના ઘોડાપૂરને ખાળવા રોજગાર મેળા જેવા કોજવે બનાવે છે, પરંતુ બેરોજગારીના પ્રચંડ પૂર સામે નિર્થરક અને બેઅસરદાર પૂરવાર થાય છે!! કોલેજો પણ લાસ્ટ યરના સ્ટુડન્ટ માટે કેમ્પસ પ્લેસમેન્ટ કરે છે. જો કે, એમાં પાસ કલાસ કે સેક્ધડ પાસ કલાકને કોઇ પ્લેસમેન્ટ આપતું નથી. થોડાં વરસ પહેલાં એમ ફાર્મ થનાર કેન્ડિડેટને વાર્ષિક ચોર્યાંશી હજાર પગાર ઓફર કરેલ. મહિનાના સાત હજાર. એના કરતાં તો ચપરાશી વધુ પગાર મળતો હોય છે!
હમણા એક યુવાને એક સ્ટાર્ટઅપ શરૂ કરેલ. ‘મેક ઇન ઇન્ડિયા’ કે ‘ઇનોવેશન નામ’. જે નામ આપવું હોય તે આપો. તમે કોઇ જગ્યા માટે અરજી કરો એટલે તે પોસ્ટ તમને મળે તેની કોઇ ગેરંટી ખરી? તમે એલિમિનેશન, મેઇન, ઇન્ટરવ્યુના તબક્કા પસાર કરો પણ નોકરીનો ઓર્ડર તમને જ મળશે તેની કોઇ ખાતરી છે ખરી? તમે સિલેકટ ન થાવ તો સમસમી જાવ છો. પેલા યુવાને પરીક્ષા બરીક્ષા આપ્યા સિવાય ફોજદાર બનવાની સેલ્ફ મોટિવેટેડ સ્કિમ અપનાવી! કોઇ સેવાભાવી લેભાગુ પરગજુ ડામીસને માત્ર ચાલીસ લાખ રૂપિયા સળગાવ્યા. સળગાવ્યા એટલે વાંચ્યાર્થમાં નહીં, પરંતુ લક્ષ્યાર્થમાં કોઇને આપ્યા. ફોજદારના લિસ્ટમાં ત્રીજા નંબરે ગોઠવાઇ ગયો. તેની ટ્રેનિંગ પણ ચાલુ થઇ ગઇ. બીજા ઉમેદવારો ફિઝિકલ ટેસ્ટ, નાનીમોટી પરીક્ષા પાસ કરીને ફોજદાર બનેલા. સ્વનિયુકત ફોજદાર ટ્રેનિંગમાં કાયદેસરના ફોજદાર જેટલું પરફોર્મ કરતો હતો. અસલી નોટ અને જાલી નોટ વચ્ચે તત્વત: ખાસ ફેરફાર હોતો નથી. તે પ્રમાણે અસલી ફોજદાર અને નકલી ફોજદાર તાલીમમાં બરાબરને બળિયા પુરવાર થયા. કોઇને શક સુધ્ધાં ન આવ્યો કે નકલી હીરો એ કોહીનૂર નથી! તાલીમના ત્રણ મહિના સંપન્ન થયા. તકલીફ પેલા હરામખોરોએ કરી. પગારબિલ બનાવનારને શેફર્ડ શ્વાન જેવી સ્કેમની ગંધ આવી અને ભાંડાફોડ થયો! સ્વનિયુકત ફોજદારને ચાલીસ લાખનું માતબર રોકાણ કર્યા પછી કદાચ દોઢ લાખ પગાર-સ્ટાઇપેન્ડ ત્રણ મહિના માટે મળ્યું. રૂપિયા ચાલીસ લાખના મૂડીરોકાણ સામે વળતર કંઇ ન કહેવાય! ખાયા પિયા કુછ નહીં ને ગિલાસ તોડા બારહ! પોલીસની ભરતીમાં મેટ્રિક, બાયોમેટ્રિક, ફિઝિકલ વેરીફિકેશન વગેરે કોઠા હોવા છતાં મોરલો કળા કરે એ કેવી કમાલ કહેવાય?? ચોર કોટવાલને દંડે એવી કહેવત છે . આ કિસ્સામાં કોટવાલ નકલી કોટવાલને દંડે તેવું થયું.
નકલી ફોજદાર જેલ હવાલે થયો. એક સ્ટાર્ટઅપનો કરૂણાંત આવ્યો.
સરકારે આ ઘટના પર ગૌર કરીને સરકારના તમામ હોદ્દા રૂપિયા લઇને ભરવા જોઇએ. ફોજદારની પોસ્ટના ચાલીસ લાખ રૂપિયા મળતા હોય તો ચીફ સેક્રેટેરીની પોસ્ટના તો કેટલા કરોડ સરકારને મળે? પીઆઇના પચાસ લાખ, ડીવાયએસપીના કરોડ, એસપીના દસ કરોડ, કલેક્ટરના પચાસ કરોડ, હોમ સેક્રેટરીના પાંચસો કરોડ, રેવન્યુ સેક્રેટરીના હજાર કરોડ રૂપિયા અને ચીફ સેક્રેટરીના દસ હજાર કરોડ મળે! કોન્સ્ટેબલના દસ લાખ લેખે સરકારને કેટલા મળે! સરકારનું ચાર લાખ કરોડનું દેવું તો સરકારી હોદ્દાની હરાજીની રકમમાંથી જ દેવું ચુકવી શકાય!!!
સરકાર માઇ બાપ. લો કરો કંકુના !!!

ભરત વૈષ્ણવ

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here
Captcha verification failed!
CAPTCHA user score failed. Please contact us!
RELATED ARTICLES

Most Popular