‘આરોપીને ફાંસી આપો, આજે તેણે અમને માર્યા છે, કાલે બીજાને મારી નાખશે’ – ટેલર કન્હૈયાલાલની પત્નીએ કરી વિનંતી

ટૉપ ન્યૂઝ દેશ વિદેશ

નુપુર શર્માના સમર્થનમાં સોશિયલ મીડિયા પર પોસ્ટ કરવાને કારણે મોતને ઘાટ ઉતારવામાં આવેલા દરજી કન્હૈયાલાલ સાહુનો મૃતદેહ ઉદયપુરમાં ઘરની બહાર નીકળતાની સાથે જ તેની પત્ની યશોદા રડી પડી હતી. તેણે તેના પતિની હત્યા કરનાર આરોપીને ફાંસીની માંગ કરી હતી. તેણે કહ્યું કે, આરોપીને ફાંસી આપો, આજે તેણે અમને માર્યા છે, કાલે બીજાને મારી નાખશે. બીજી તરફ કન્હૈયા લાલની ભત્રીજીએ કહ્યું કે આજે અમારા ઘરેથી મારા મામાની હત્યા કરવામાં આવી છે, કાલે કોઈ બીજાના ઘરેથી મારી નાખવામાં આવશે. તેમણે કોઈપણ રીતે આરોપીઓને ફાંસીની સજા આપવાની વાત કરી હતી.
કન્હૈયાલાલ સાહુની પત્ની યશોદાએ જણાવ્યું કે તેમના પતિને છેલ્લા 10-15 દિવસથી ધમકીઓ મળી રહી હતી. આ લોકો ફોન પર અને દુકાન પર આવીને જ ધમકી આપતા હતા. દુકાનમાં લેડિઝ કામ નથી કરતી તેથી તે દુકાન પર જતી નથી. તેના પતિને સતત જાનથી મારી નાખવાની ધમકીઓ મળી રહી હોવા છતાં ફરિયાદ બાદ પણ પોલીસે કોઈ કાર્યવાહી કરી નહોતી
યશોદાએ જણાવ્યું હતું કે મારા પતિએ ધમકી આપતાં લોકોને જણાવ્યું પણ હતું કે કોઈ 11 વર્ષના બાળકે તેને ભૂલથી પોસ્ટ કરી દીધી હતી. જોકે, આ બાળક કોણ છે એની તેમને પણ જાણ નહોતી. તેમનો મોબાઇલ ઘરમાં અને દુકાનમાં એક બાજુ પડ્યો જ રહેતો હતો. કોઇ અન્ય વ્યક્તિએ તેમનો મોબાઇલ ચલાવ્યો હોય અને આવી પોસ્ટ નાખી હોય એવી શંકા પણ યશોદાએ વ્યક્ત કરી હતી.
મૃતક ટેલરની પત્ની યશોદાએ જણાવ્યું હતું કે તેમના લગ્નને લગભગ 22 વર્ષ થયા હતા. તેમના પરિવારમાં બે પુત્ર ચાર ભાભી, સાસુ અને ભત્રીજા છે. મૃતક ટેલર ઘરની એકમાત્ર કમાનાર વ્યક્તિ હતો. તેમની દુકાન પણ ભાડાની છે. તેના બંને પુત્ર કોલેજનો અભ્યાસ કરી રહ્યા છે, જેનો ખર્ચો હવે કોણ ઉઠાવશે એની ચિંતા છે.
ટેલરની પત્નીએ પતિ માટે ન્યાયની માગણી કરી છે. તે લોકો સાથે પણ એવું જ કરો જે મારા પતિ સાથે થયું હતું, એમ યશોદાએ જણાવ્યું હતું.
નોંધનીય છે કે મંગળવારે મોડી રાત્રે પરિવારજનો પોસ્ટમોર્ટમ માટે સંમત થયા હતા. બીજી તરફ, રાજ્ય સરકારે મૃતક ટેલરના પરિવારના બે સભ્યોને નોકરી અને રૂ. 31 લાખનું વળતર આપવાની જાહેરાત કરી છે. હત્યાની તપાસ માટે 4 સભ્યોની SITની રચના કરવામાં આવી છે.

પ્રતિશાદ આપો

તમારું ઇમેઇલ સરનામું પ્રકાશિત કરવામાં આવશે નહીં.