ઉદયપુરમાં દરજીની હત્યાને ઇસ્લામિક જાણકારો અને સંસ્થાઓએ વખોડી કાઢી, જાણો કોણે શું કહ્યું

ટૉપ ન્યૂઝ દેશ વિદેશ

ઉદયપુરમાં દરજી કન્હૈયા લાલાની નિર્મમ હત્યાના પડઘા સમગ્ર દેશમાં પડી રહ્યા છે. હત્યાકાંડને કારણે સમગ્ર ઉદયપુરમાં તણાવનો માહોલ પ્રવર્તી રહ્યો હતો. આવી સ્થિતિમાં સાવચેતીના ભાગરૂપે સુરક્ષા વ્યવસ્થા વધુ કડક કરવામાં આવી હતી. પકડાયેલા બંને આરોપીઓની આઈએસઆઈએસ જેવા આતંકવાદી સંગઠનો સાથે સંપર્ક હોવાનું બહાર આવતા આ મામલાની તપાસ NIAને સોંપવામાં આવી છે.
ઇસ્લામના નામ પર થયેલી આ હત્યાને ઇસ્લામના જાણકારો અને મુસ્લિમ સંગઠનો વખોડી કાઢી છે અને આ કૃત્યને ઇસ્લામ વિરોધી ગણાવ્યું છે. અજમેર દરગાહના દીવાન જૈનુલ આબેદિન અલી ખાને આ ઘટનાની નિંદા કરતા કહ્યું કે, ‘ભારતના મુસ્લિમો દેશમાં ક્યારેય તાલિબાનીકરણની માનસિકતા સામે આવવા નહીં દે. કોઈપણ ધર્મ માનવતા વિરુદ્ધ હિંસાને પ્રોત્સાહન આપતો નથી. ખાસ કરીને ઇસ્લામ ધર્મના તમામ ઉપદેશો શાંતિના પાઠ ભણાવે છે. ઈન્ટરનેટ પર સામે આવેલા આ વીડિયોમાં કેટલાક અનૈતિક માનસિકતા ધરાવતા લોકો એક ગરીબ માણસ પર નિર્દયતાથી હુમલો કર્યો જે ઇસ્લામિક વિશ્વમાં પાપ માનવામાં આવે છે. હું આ કૃત્યની નિંદા કરું છું અને સરકારને વિનંતી કરું છું કે તેઓ આરોપીઓ સામે કડક પગલાં લે.’
જમીયત ઉલેમા-એ-હિંદના મહાસચિવ મૌલાના હલસિમુદ્દીન કાસમીએ ઉદયપુરમાં થયેલી ઘાતકી હત્યાની ઘટનાને વખોડી કાઢીને આ ઘટનાને દેશના કાયદા વિરુદ્ધ અને ધર્મ વિરુદ્ધ ગણાવી હતી. તેમણે કહ્યું છે કે ‘જેણે પણ આ ઘટનાને અંજામ આપ્યો છે તેને કોઈપણ રીતે યોગ્ય ઠેરવી શકાય નહીં, તે દેશના કાયદા અને આપણા ધર્મની વિરુદ્ધ છે. આપણા દેશમાં કાયદો વ્યવસ્થા છે, કાયદો હાથમાં લેવાનો કોઈને અધિકાર નથી.’ આ સાથે મૌલાના હકીમુદ્દીન કાસમીએ દેશના તમામ નાગરિકોને પોતાની લાગણીઓ પર સંયમ રાખવા અને દેશમાં શાંતિ જાળવવા અપીલ કરી હતી.
ઓલ ઈન્ડિયા મજલિસ-એ-ઈત્તેહાદ ઉલ મુસ્લિમીન (AIMIM)ના પ્રમુખ અસદુદ્દીન ઓવૈસીએ પણ આ ઘટનાની નિંદા કરતા કહ્યું હતું કે, ‘ઉદયપુરમાં થયેલી ઘાતકી હત્યા નિંદનીય છે. આવી હત્યાનો બચાવ કોઈ કરી શકે તેમ નથી. અમારા પક્ષનો મૂળભૂત વિચાર જ એ છે કે કોઈને પણ કાયદો પોતાના હાથમાં લેવાનો અધિકાર નથી. અમે હંમેશા હિંસાનો વિરોધ કર્યો છે. અમારી સરકાર પાસે માંગ છે કે તેઓ દોષિતો સામે કડક કાર્યવાહી કરે. કાયદાનું શાસન જાળવવું જોઈએ.’

“>

આ ઘટના વિષે બરેલીના મૌલાના તૌકીર રઝાએ કહ્યું કે, ‘ઉદયપુરમાં બનેલી ભયાનક ઘટનાથી મન ખૂબ જ વ્યથિત છે. કંઈ કહેવા માટે શબ્દો નથી. આવી કોઈ પણ ઘટના ન માત્ર કાયદાની દૃષ્ટિએ પણ ઈસ્લામની દૃષ્ટિએ પણ જધન્ય છે. ધાર્મિક દ્વેષ કોઈ પણ સંજોગોમાં સ્વીકાર્ય નથી. આપણા દેશનો ધર્મ કે બંધારણ આપણને કાયદો પોતાના હાથમાં લેવાની મંજૂરી આપતું નથી.’

પ્રતિશાદ આપો

તમારું ઇમેઇલ સરનામું પ્રકાશિત કરવામાં આવશે નહીં.