આયુધના પ્રકાર: મુક્ત, અમુક્ત, મુક્તામુક્ત તેમ જ યંત્રમુક્ત

ઉત્સવ

ઝબાન સંભાલ કે -હેન્રી શાસ્ત્રી

ફિલ્મ ‘બ્રહ્માસ્ત્ર’ને કારણે જનમાનસમાં શસ્ત્ર – અસ્ત્ર વિશે જાણવાની ઉત્સુકતા વધી છે. ભગવદ્ગોેમંડલ અનુસાર અસ્ત્ર એટલે મંત્ર ભણીને મૂકવામાં આવતું અસ્ત્ર. પ્રાચીન કાળમાં મંત્ર ભણીને અમુક અમુક નામનાં અસ્ત્ર ફેંકવામાં આવતાં અને તે જેવી જાતના હોય તેવી દુશ્મન પર અસર કરતા એવા વર્ણન વાંચવામાં જરૂર આવ્યા હશે. બ્રહ્માસ્ત્ર બ્રહ્માંડનું સૌથી શક્તિશાળી હથિયાર ગણાયું છે. બ્રહ્માસ્ત્ર એક અચૂક શસ્ત્ર હતું, જે પણ લક્ષ્ય પર છોડવામાં આવે તેને તે સંપૂર્ણપણે નષ્ટ કરી દેતું હતું. પૌરાણિક કથા અનુસાર વિશ્ર્વામિત્રએ રામને બ્રહ્માસ્ત્ર આપ્યું હતું. રામાયણ તેમ જ મહાભારતમાં બ્રહ્માસ્ત્રનો ઉપયોગ થયો હોવાનો ઉલ્લેખ છે. મહર્ષિ વેદવ્યાસ લખી ગયા છે કે જ્યાં બ્રહ્માસ્ત્ર છોડવામાં આવે ત્યાં બાર વર્ષ સુધી જીવ-જંતુ, વૃક્ષ- વનસ્પતિ કશું ઉત્પન્ન થઈ શકતું નહોતું. આ સિવાય વરૂણાસ્ત્રથી વરસાદ પડતો, સર્પાસ્ત્રથી શત્રુઓ પર સાપનો ભય ફેલાતો વગેરે વગેરે. શસ્ત્રની ઓળખ પૌરાણિક કાળમાં આયુધ તરીકે પણ હતી. આયુધના ચાર પ્રકાર આપવામાં આવ્યા છે. ચક્ર વગેરે મુક્ત એટલે કે ફેંકવામાં આવતા આયુધો. તલવાર વગેરે અમુક્ત (મુક્ત નહીં) એટલે નહીં ફેંકાતા આયુધો. ગદા અને ભાલો વગેરે મુક્તામુક્ત (મુક્ત + અમુક્તની સંધિ) એટલે ફેંકી શકાય અને હાથમાં પણ રખાય એવાં આયુધો છે. ગોફણ વગેરે યંત્રમુક્ત એટલે યંત્રની મદદથી ફેંકાતાં આયુધો છે. અસ્ત્ર અને શસ્ત્ર વચ્ચેનો ફરક પણ સમજવા જેવો છે. અસ્ત્ર એટલે જે ફેંકવામાં આવે તે મુક્ત, જ્યારે ફેંકવામાં ના આવે એટલે હાથમાં રહે એ અમુક્ત અર્થાત્ શસ્ત્ર છે.
પ્રાચીન ભારતમાં ધનુષ્યબાણનો પ્રચાર વધુ હોવાથી ધનુષ્યના બ્રાહ્મણ, વૈષ્ણવ, પાશુપત વગેરે ઘણા પ્રકારો ધનુર્વેદમાં ગણાવ્યા છે. ત્રણ ઠેકાણે વળાંકવાળું અને સાડા છ હાથ લાંબું શારંગ ધનુષ્ય જે અશ્ર્વદળ અને ગજદળમાં વપરાતું. એક જ વળાંકવાળું, ચાર હાથનું વાંસનું બનેલું ધનુષ્ય રથદળ અને પાયદળ માટે વપરાતું. નવ ગાંઠવાળું વાંસનું ધનુષ્ય કોદંડ કહેવાતું. ધનુષ્યની પણછ શણની અથવા હરણ વગેરે પશુઓનાં આંતરડાંની દોરી એટલે કે તાંતની રહેતી અને કનિષ્ઠિકા આંગળી જેટલી જાડી બાંધવામાં આવતી. બાણના પણ ત્રણ પ્રકાર ધનુર્વેદમાં આપ્યા છે. દૂર સુધી જનારું અને જાડા આગલા ભાગવાળું બાણ સ્ત્રી જાતીય છે. ખૂબ ઊંડે સુધી ખૂંચી જનારું અને જાડા પાછલા ભાગવાળું બાણ પુરૂષ જાતીય છે. જ્યારે એકસરખી જાડાઈવાળા બાણ નપુંસક જાતીય છે. બાણ પર લોખંડનું ફળું જાતજાતના આકારોનું હોવાથી આકારને અનુસરીને તેને વિવિધ નામ આપવામાં આવ્યાં છે. અનેક અસ્ત્ર શસ્ત્રની સૂક્ષ્મ વિગતો ધનુર્વેદમાં જોવા મળે છે.
ધનુષનો અન્ય એક અર્થ છન્નું આંગળનું એક માપ એવો પણ થાય છે. કડિયા, સુથાર, સલાટ વગેરેના ગજ ભરવાથી છન્નું આંગળ માપ થાય તે માપ ધનુષ કહેવાય છે. કોઈ ચોરાશી આંગળનું માપ ગણે છે. એક મત પ્રમાણે તેને વાંભ એટલે ચાર હાથના માપ તરીકે પણ ઓળખવામાં આવે છે. ૪ હાથ = ધનુષ, ૨૦૦૦ ધનુષ = કોશ અને ૪ કોશ = યોજન. યોજન એટલે ચાર ગાઉનું અંતર. (ક્રમશ:)
—————-
weapons idioms

અંગ્રેજીમાં શસ્ત્ર – હથિયાર માટેWEAPON – ARMSજેવા શબ્દો અસ્તિત્વ ધરાવે છે. અલબત્ત આ શબ્દ કાન ઉપર પડતાની સાથે મારામારી, યુદ્ધ કે વિનાશ – નિકંદનના વિચાર પહેલા આવે. હા, શસ્ત્ર – વેપનનો સંબંધ એની સાથે છે એની ના નહીં, પણ વેપન સંબંધી રૂઢિપ્રયોગો અંગ્રેજી ભાષામાં વિશિષ્ટ અર્થ ધારણ કરે છે. આવો એની મજા માણીએ. Arrow in a Quiver નો  શબ્દાર્થ ભાથામાં રહેલું બાણ એવો થાય, પણ એના ભાવાર્થને બંનેમાંથી કોઈ સાથે નિસ્બત નથી. વ્યક્તિ પાસે એકથી વધુ વિકલ્પો હોય એ માટે આ પ્રયોગ વપરાય છે. Prashant has a job interview later this week, but he still has not cancelled other opportunities since he wants to have an arrow in the quiver.. આ અઠવાડિયે પ્રશાંત નોકરીનો ઈન્ટરવ્યૂ આપવાનો છે, પણ અન્ય તક પર તેણે ચોકડી નથી મારી દીધી, કારણ કે એ વિકલ્પ ખુલ્લા રાખવા માગે છે.At Daggers Drawn એટલે સાદી ભાષામાં તલવાર તાણવી. કોઈ કારણસર બે વ્યક્તિ કે જૂથ એકબીજા પર રોષે ભરાઈ બાંયો ચડાવી હોય એ એનો ભાવાર્થ છે.In Indian societies Mother- in-law and daughter-in-law love each other but still remain frequently at daggers drawn.. ભારતીય સમાજમાં સાસુ – પુત્રવધૂને એકબીજા માટે ખૂબ હેત હોય પણ તેમ છતાં એકબીજા સામે માથું ભેરવવા પણ તૈયાર હોય. Two strings to one’s bow એટલે ધનુષ – કામઠું અને પણછની વાત નથી. કોઈ કામ કે હેતુ સિદ્ધ કરવા માટે એકથી વધુ રસ્તો હોય એ દર્શાવવા આ રૂઢિપ્રયોગ વપરાય છે.Nikita knew she would reach the venue on time because she had two strings to his bow. નિકિતાને ખાતરી હતી કે પોતે કાર્યક્રમના સ્થળ પર સમયસર પહોંચી જશે, કારણ કે તેની પાસે એકથી વધુ રસ્તા ઉપલબ્ધ હતા. Smoking Gun પ્રયોગને ધુમાડા કે બંદૂક સાથે કોઈ લેવાદેવા નથી. અસલી ગુનેગારને ઓળખી કાઢવા જોરદાર પુરાવો કે માહિતી હાથવગો હોવાની વાત છે. The lost murder weapon will be the smoking gun in that case. હત્યા કરેલું શસ્ત્ર ખોવાઈ ગયું છે જે મળી આવશે ત્યારે સજ્જડ પુરાવો સાબિત થશે.

———–
लंकेची पार्वती म्हणजे काय?
દરેક ભાષામાં કેટલીક કહેવતો – રૂઢિપ્રયોગો એવા હોય છે કે જેના શબ્દાર્થ અને ભાવાર્થમાં કોઈ મેળ જ ન બેસે. એની પાછળની કથા જાણ્યા પછી હકીકતનો ખ્યાલ આવે. लंकेची पार्वती આવો જ એક પ્રયોગ છે. અલંકાર વિનાની સ્ત્રી માટે આ રૂઢિપ્રયોગ વપરાય છે. કૈલાસ પર્વત નિવાસી શિવજીના પાર્વતીનું નામ લંકા સાથે કેમ જોડાયું એ પાછળ એક પૌરાણિક કથા છે. લક્ષ્મી દેવીનો રાજાશાહી વૈભવ જોઈ સાદાઈથી રહેતા પાર્વતીનું મન ખાટું થઈ ગયું. તેમણે શિવજીને ફરિયાદ કરી કે લક્ષ્મીજી જેવો વૈભવ તેમની પાસે પણ હોવો જોઈએ. ભોલેનાથે સમજાવી કહ્યું કે પોતે વૈરાગી જીવ છે, પાર્વતી દિવ્ય શક્તિ ધરાવે છે અને આદરનું સ્થાન ધરાવે છે.
જોકે, પાર્વતીએ જીદ ન છોડી અને શિવજીએ નમતું જોખી વચન આપ્યું કે ‘બીજા કોઈ પાસે નહીં હોય એવો વૈભવ તને મળશે.’ શિવજીએ વિશ્ર્વકર્મા પાસે સોનાની લંકા બનાવડાવી અને એનો ઝગમગાટ જોઈ પાર્વતી રાજીના રેડ થઈ ગયા. પાર્વતીના નગર પ્રવેશ વખતે પૂજા માટે વિશ્રવા નામના પંડિતને બોલાવ્યો. વિશ્રવાએ પ્રસન્ન થયેલા શિવજી પાસે રાવણે દક્ષિણા પેટે સોનાની લંકા જ માંગી લીધી એ જાણી પાર્વતીનું સ્વપ્ન રગદોળાઈ ગયું. તેમણે વિશ્રવાને શ્રાપ આપ્યો કે ’એક દિવસ આ સોનાનું નગર રાખ થઈ જશે.’ એટલું બોલી પાર્વતીએ દાગીના સહિત બધો વૈભવ વિશ્રવા પંડિતને દાન કરી દીધો અને નિર્ધન બની ગયાં. આ વિશ્રવા પંડિત રાવણના પિતા. કાળક્રમે રાવણે સીતાનું હરણ કર્યું ત્યારે રામ તેમની સુધી પહોંચી શકે એ માટે માર્ગમાં એક એક કરી પોતાના બધા ઘરેણાં ઉતારી નાખ્યા અને લંકા પહોંચ્યા ત્યારે સીતાજી પાસે સ્ત્રીધન કહેવાતું એક પણ ઘરેણું નહોતું. એના પરથીलंकेची पार्वती રૂઢિપ્રયોગ અસ્તિત્વમાં આવ્યો. પછી હનુમાનજીએ લંકા દહન કર્યું અને પાર્વતીનો શ્રાપ સાચો ઠર્યો.
———-
अक्ल की कहावतें-मुहावरे
હિન્દી ભાષામાં અનેક શબ્દ એવા છે જે જોયા – વાંચ્યા પછી તરત તમને એને ગુજરાતીમાં શું કહેવાય એનો તરત ખ્યાલ આવી જાય. ગજબનું સામ્ય હોય છે એમાં. આપણે ગુજરાતીમાં અક્કલ કહીએ છીએ જે હિન્દીમાં અકલ તરીકે ઓળખાય છે. આજે આપણે અક્કલની હિન્દી કહેવતો – રૂઢિપ્રયોગો વિશે જાણીએ. अक्ल की रोटी खाना એટલે બુદ્ધિશાળી હોવું, દિમાગનો ઉપયોગ કરી નિર્વાહ કરવો.अक्ल की रोटी खाना विद्वान की पहचान ह. વિદ્વાન વ્યક્તિ બુદ્ધિનો ઉપયોગ કરવાને પ્રાધાન્ય આપે છે. એનાથી વિપરીત અર્થ ધરાવતો પ્રયોગ છે अक्ल चरने जाना એટલે યોગ્ય સમયે અક્કલનો ઉપયોગ ન કરવો. अच्छी तयारी करने के बावजूद इंटरव्यु देते समय मनोज की अक्ल चरने गई और वो सवालों का ठीक से जवाब दे नहीं पाया. સારી તૈયારી કરી હોવા છતાં ઈન્ટરવ્યૂ વખતે મનોજ અક્કલનો ઉપયોગ કરી પૂછવામાં આવેલા સવાલોનો સરખો જવાબ ન આપી શક્યો. મૂર્ખાઈના પ્રદર્શન માટે પણ આ રૂઢિપ્રયોગ વપરાય છે. અક્કલ ચરવા ગઈ’તી એવું માતૃભાષામાં કહેવાય જ છે ને.
એવો જ અર્થ ધરાવતો બીજો પ્રયોગ છે अक्ल का दुश्मन. અન્ય એક પ્રયોગ છે अक्ल पर पत्थर पडना જેનો અર્થ થાય છે બુદ્ધિ ભ્રષ્ટ થવી. विद्वान औ़र वीर होकर भी रावण की अक्ल पर पत्थर ही पड गा था कि उसने राम की पत्नी का अपहरण किया। વીર અને વિદ્વાન હોવા છતાં રાવણની બુદ્ધિ ભ્રષ્ટ થઈ અને તેણે સીતાનું હરણ કર્યું. अक्ल के पीछे लट्ठ लिए फिरना. જેનો અર્થ દરેક વખતે મૂર્ખાઈનું પ્રદર્શન કરવું એવો થાય છે.

પ્રતિશાદ આપો

તમારું ઇમેઇલ સરનામું પ્રકાશિત કરવામાં આવશે નહીં.