ઓપિનિયન-સી. એ. પ્રકાશ દેસાઇ
ભારતના ગુજરાત રાજ્યમાં અને દિલ્હીમાં એમસીડીમાં ચૂંટણી હોવાના કારણે રાજકીય પાર્ટીઓ ભ્રષ્ટાચાર, વિકાસ, વિકાસનો અભાવ અને મફતની લહાણીઓ કરી રહી છે કોઇ પક્ષ જણાવતો નથી કે મફત માટે નાણાં ક્યાંથી આવશે. આપણે પણ આ બધી વાતો છોડીને હાલમાં બનેલા બે બનાવો ઉપર વાત કરીએ.
સોફામાં રૂપિયા: સાઉથ આફ્રિકાના પ્રેસિડન્ટ સિરિલ રામાફોસાના ગેમ ફાર્મ હાઉસમાં બે ચોરોએ સિક્યોરિટી તોડીને બારીમાંથી કૂદી ચોરી કરવા પ્રવેશ્યા અને ચારે તરફ તોડ ફોડ કરી પણ કંઇ હાથ નહીં લાગ્યું. અંતમાં એક ચોરને વિચાર આવ્યો કે ડ્રોઇંગરૂમમાં જે સોફા છે તેમાં કંઇક અજુગતું લાગે છે તેથી સોફાને ચાકુથી ચીરી નાખતા તેઓની કિસ્મતનું તાળું ખૂલી ગયું. સોફામાં હતી ૫ લાખ યુએસ ડૉલરની નોટો. ચોરોતો તેમનું કામ પતાવી નીકળી ગયા પણ કહેવાય છે ને ચોરની મા કોઠીમાં મોં છુપાવી રડે તેમ પ્રેસિડન્ટ જાણે કાંઇ બન્યુ જ નથી તેમ આ બનાવની અવગણના કરીને પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નહીં નોંધાવી.
૨૦૨૪માં સાઉથ આફ્રિકામાં ઇલેકશન થયું છે તેથી પ્રેસિડન્ટ રામાફોસાને કોઇ પણ રીતે હરાવા માટે વિરોધપક્ષો ચાન્સ શોધી રહ્યાં હતા. તેમાં આ બે વર્ષ પહેલા પ્રેસિડન્ટના ફાર્મહાઉસમાં થયેલી ચોરી અને તેમાં સોફામાંથી મળેલા ૫ લાખ ડૉલરની વાત તેમના કાને પહોંચી ગઇ પછી તો જોઇએ શું? ભ્રષ્ટાચાર નાબૂદીના નારા સાથે ઇલેકશન જીતેલા રામાફોસાની આ ઘટના બહાર આવ્યા પહેલા છાપ સારી હોવાના કારણે ૨૦૨૪ તેમની જીત નિશ્ર્ચિત ગણાતી હતી પણ હવે આ બનાવ બહાર આવ્યા પછી ઇકવેશન બદલાઇ ગયુંં છે. રામાફોસા ઉપર આક્ષેપ છે કે તેણે ચોરોનો પત્તો લગાવીને તેઓને કીડનેપ કર્યાં હતા અને ચોરોને મોટી રકમ ચૂકવીને તેઓની આઇડેન્ટીટી છૂપાવીને મો બંધ રાખવાની ફરજ પાડી હતી.
રામાફોસાએ એક સ્ટેટમેન્ટમાં જણાવેલું કે તે ૩૦ નવેમ્બરના પ્રેસ કોન્ફરન્સ કરીને બધી છણાવટ કરશે પણ તેણે લાસ્ટ મોમેન્ટે આ પ્રેસ કોન્ફરન્સ કેન્સલ કરેલ છે. જેે ભ્રષ્ટાચાર નાબૂદીના નારા સાથે સત્તામાં આવેલ તે ભ્રષ્ટાચારના આક્ષેપોના કારણે તેના ઉપર રાજીનામું આપવાનું દબાણ થઇ રહ્યું છે.
સાઉથ આફ્રિકાના તવંગર લોકોમાંના એક રામાફોસાએ પક્ષમાં સફાઇમાં જણાવેલ છે કે તેના ફાલા ફાલા ફાર્મ હાઉસની રોબરીમાં સોફામાંથી મળેલા ૫,૮૦,૦૦૦ અમેરિકન ડૉલર્સ તો સુદાનના એક ખેડૂતને વેંચેલી ભેંસોના પૈસા છે!! આના ઉપરાંત તે સફાઇમાં એમ પણ કહે છે કે ફાર્મ હાઉસમાં થયેલી ચોરી તેણે તેના સિક્યોરિટી ગાર્ડને જણાવી હતી. તેથી પોલીસમાં ફરિયાદ કરવાની તેની જવાબદારી નહોતી. પણ સવાલ એ છે કે ૫,૮૦,૦૦૦ ડૉલર જેટલી મોટી રકમ કેટલી ભેંસોના વેચાણ માટે રોકડામાં લેવાની જરૂર શું હતી અને જો લીધા તો તેને સોફામાં છુપાવવાની જરૂર શું કામ હતી? એવી પણ માહિતી બહાર આવેલી છે કે ચોરીની ઘટના પછી રામાફોસાએ નામિબિયાના પ્રેસિડન્ટની ચોરીનો ભેદ ઉકેલવા માટે મદદ લીધેલી તે પણ બધાથી છૂપાવેલ છે. હવે સવાલ એ થાય છે કે આવા કેટલા સોફામાં પૈસા સંતાડેલા હશે? કે આ તો પાશેરમાં પહેલી પુણી છે? પૈસાવાળાની પૈસાની ભૂખ દેશના ભોગે અને આ છે સિક્કાની એક બાજુ.
તવંગરો વધારે ટેક્સ ચુકવવા માંગે છે: એક તરફ સાઉથ આફ્રિકાના તવંગર લોકોમાંના એક તેના પ્રેસિડન્ટ ભ્રષ્ટાચારની ૫ લાખ ડૉલરની રકમ સોફામાં છુપાવે છે ત્યારે બીજી બાજુ યુનાઇટેડ કિંગડમના પેન્શનર્સઓએ સરકારને જણાવેલ છે કે આ વખતના વિન્ટરમાં તેઓને ફુએલ સપોર્ટ સબસિડીની જરૂર નથી તેઓ ફૂલ રકમ ચૂકવવા સક્ષમ છે. વિકસિત દેશોમાંથી ૧૦૦ જેટલા મિલિયોનર્સએ લાગતી વળગતી સરકારોને ઓપન લેટર લખીને જણાવેલ છે કે તેઓ સરકારને પૈસા પાત્ર લોકો ઉપર વધારે ટેક્સ લાદવા વિનંતી કરે છે જેથી સરકારને મદદ કરી શકાય. આ ઓપન લેટર સાઇન કરવામાં બ્લેક રોકના મેનેજિંગ ડિરેક્ટર મોરીસ પર્લ અને વેન્ચર કેપિટાલીસ્ટ નીક હેન્યુઅરનો પણ સમાવેશ થાય છે. ૨૦૧૦માં સ્થપાયેલા પેટ્રોટીક મિલિયોનર્સ નામના અમેરિકન ગ્રૂપે જણાવેલ છે કે આપણે વધારે ટેક્સ ચૂકવવાની જરૂર છે અને જણાવેલ છે કે એક બિલિયોનર્સ અને મિલિયોનર્સ માત્ર બીજા બિલિયોનર્સ અને મિલિયોનર્સની વાત જ સાંભળશે અને જો તેઓ ના સાંભળે તો તેના પત્ની અને સંતાનોને વાત કરીને સમજાવશું કે આપણે લોકોએ સામેથી સરકારને વાત કરીને વધારે ટેક્સ ભરવો જોઇએ.
આમ આપણે એક બીજાને તેના દેશોમાં સરકારને પૈસાપાત્ર લોકો ઉપર વધારે ટેક્સ લગાવીને તે નાણાં દેશના વિકાસમાં વાપરવાની જરૂર છે તેવી મુહીમ ચલાવશું કેમ કે એક સમય હતો કે અમેરિકાના રોકફેલર પાસે એટલા પૈસા હતા કે તે આખા અમેરિકાનું દેવુ ચૂકવવા સમર્થ હતા પણ અત્યારે એક વ્યક્તિથી એ શકય નથી. તેથી બધાએ સાથે મળીને સરકારને સપોર્ટ કરવાની જરૂર છે અને આ છે સિક્કાની બીજી બાજુ. રામાફોસાની ઘટના ફરી એકવાર પ્રુવ કરે છે કે ‘પોલિટિક્સ હેવ નો રિલેશન ટુ મોરલ.’