મહિલાએ ગળા ફાંસો ખાધો… પછી છોકરાએ બિલ્ડીંગ પરથી કૂદકો માર્યો
દેશની આર્થિક રાજધાની મુંબઈમાં એક હૃદયદ્રાવક ઘટના સામે આવી છે. એક જ બિલ્ડીંગમાં 24 કલાકમાં અકુદરતી મૃત્યુની બે ઘટનાએ સમગ્ર વિસ્તારમાં સનસનાટી મચાવી દીધી છે. મુંબઈના ઉપનગર કાંદિવલીમાં એક ઈમારતમાં 18 વર્ષના છોકરા અને 56 વર્ષની એક મહિલાએ અલગ-અલગ ઘટના અને સમયે આત્મહત્યા કરી હતી. બંને ઘટનાઓ બાદ બિલ્ડીંગ સહિત વિસ્તારના લોકો આઘાતમાં છે. પોલીસે બુધવારે બંને ઘટના અંગે માહિતી આપી હતી. પોલીસ અધિકારીએ જણાવ્યું કે આત્મહત્યા કરનાર મહિલા તેની પુત્રીને સંતાન ન થવાથી ચિંતિત હતી. મહિલાએ મંગળવારે પોતાના ફ્લેટમાં ગળેફાંસો ખાઈ લીધો હતો. એવું કહેવામાં આવ્યું છે કે તેમની પુત્રી માતા બની શકી નથી. એટલા માટે તે લાંબા સમયથી પરેશાન હતી અને ઘણા તણાવમાં રહેતી હતી. દીકરીને સાસરામાં ભારે ત્રાસ સહન કરવો પડશે એ વિચારે માતા દિનરાત પરેશાન રહેતી હતી.માતાની આત્મહત્યા બાદ પુત્રી આઘાતમાં છે.
આ જ બિલ્ડિંગમાં આત્મહત્યાની બીજી ઘટનામાં બુધવારે 18 વર્ષના એક છોકરાએ બિલ્ડિંગ પરથી નીચે કૂદી આત્મહત્યા કરી હતી. તેનું ઘટનાસ્થળે જ મૃત્યુ થયું હતું. મળતી માહિતી મુજબ છોકરાના પિતાએ તેને અભ્યાસ ન કરવા બદલ ઠપકો આપ્યો હતો. આનાથી ગુસ્સે થઈને છોકરાએ ઈમારત પરથી સીધી મોતની છલાંગ જ લગાવી દીધી હતી. આ પછી બિલ્ડિંગના ગાર્ડ અને લોકોએ પોલીસને જાણ કરી હતી. માહિતી મળતા જ પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી. પોલીસે મૃતદેહનું પંચનામું કરી લાશને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપી હતી. એક અધિકારીએ જણાવ્યું કે પોલીસે અકસ્માત મોતનો કેસ નોંધ્યો છે અને વધુ તપાસ ચાલુ છે.