કચ્છના હરામીનાળામાં સંખ્યાબંધ રાઉન્ડ ફાયરિંગ કરીને બે પાકિસ્તાની ઘૂસણખોરોને ઝડપી પાડવામાં આવ્યા

આપણું ગુજરાત

પગમાં ગોળી વાગતાં બંને પાકિસ્તાનીઓ સારવાર હેઠળ: ૨૫થી વધુ ઘૂસણખોર છુપાયા હોવાની આશંકાથી કચ્છના સંવેદનશીલ વિસ્તારને સીલ કરી, કોમ્બિંગ શરૂ કરાયું

ભુજ: ભારત અને પાકિસ્તાન વચ્ચેની સંવેદનશીલ ક્રીક સીમાએ આવેલા હરમીનાળામાંથી વીતેલા ત્રણ દિવસ દરમ્યાન મેગા સર્ચ ઓપરેશન થકી સરહદી સલામતી દળે કુલ ૯ જેટલી બિનવારસુ પાકિસ્તાની માછીમારી બોટ ઝડપી લીધી હતી, જો કે બોટ પર રહેલા અને સ્પોટ થયેલા કેટલાક પાકિસ્તાની ઘૂસણખોર જવાનોને થાપ આપી, નાસી ગયા હતા અને તેમને પકડવા તેજ બનાવાયેલા આ ઓપરેશન દરમ્યાન ગત શુક્રવારની મોડી સાંજે કચ્છના આ સંવેદનશીલ વિસ્તારમાં ૨૫ જેટલા પાકિસ્તાની ઘૂસણખોર છુપાયા હોવાની શક્યતા હોતાં બીએસએફના જવાનો દ્વારા કોમ્બિંગ હાથ ધરવામાં આવ્યું હતું અને ચેરિયાના ગીચ જંગલોમાં છુપાઈ, રાત્રીના અંધકારમાં પાકિસ્તાન તરફ ભાગી છૂટવાની ફિરાકમાં રહેલા શખ્સોને ભારતના જવાનો જોઈ જતાં ડરી ગયેલા ઘૂસણખોરો ખાવડાના રણ માર્ગે ભાગવા લાગ્યા હતા અને જવાનોએ તેમને પકડવા સંખ્યાબંધ રાઉન્ડ ફાયરિંગ કર્યું હતું જેમાં બે શખસોને પગમાં ગોળી વાગતાં આખરે લાંબી ચાલેલી કાર્યવાહીના અંતે માત્ર બે શખસને ઝડપી શકાયા હતા અને બાકીના હજુ પણ છુપાયા હોવાની દ્રઢ આશંકાના પગલે અહીં સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું છે.
બોર્ડર પીલર નંબર ૧૧૪૨ પાસેથી ઝડપાયેલા પાકિસ્તાની નાગરિકોનું નામ સદામ હુસેન ગુલામ મુસ્તફા અને અલીબક્ષ ખેરમોહમદ હોવાનું અને તેઓ જીરો પોઇન્ટના રહેવાસી હોવાનું સામે આવ્યું છે. બીએસએફએ જણાવ્યું હતું કે, પાકિસ્તાની બોટ ઝડપાયા બાદ ૩૦૦ ચોરસ કિ.મી.થી વધુ વિસ્તારમાં ફેલાયેલા હરામીનાળામાં સર્ચ ઓપરેશનની સાથે ભાગવાના તમામ માર્ગ સીલ કરી સમગ્ર વિસ્તારને કોર્ડન કર્યા બાદ આ બે શખસ ઝડપાયા છે.
એવું માનવામાં આવી રહ્યું છે કે, તાજેતરમાં પકડાયેલી ૯ પાકિસ્તાની બોટમાં ૨૦ થી ૨૫ પાકિસ્તાની માછીમારો ભારતમાં આવ્યા હોઇ શકે જે એજન્સીઓને જોઈને ભાગી ગયા છે. ઝડપાયેલી બોટ સંદર્ભે પંચનામું કરીને કસ્ટમ વિભાગને સોંપવાની કામગીરી પણ હાથ ધરવામાં આવી હતી. ગોળીબારમાં ઘાયલ થયેલા પાકિસ્તાનીઓને સારવાર માટે ખાવડા લઇ જવામાં આવ્યા હોવાનું જાણવા મળ્યું છે.

પ્રતિશાદ આપો

તમારું ઇમેઇલ સરનામું પ્રકાશિત કરવામાં આવશે નહીં.