વેઇટલિફ્ટિંગમાં ભારતને બે ચંદ્રક

દેશ વિદેશ

રમતોત્સવ: ભારતના સંકેત સરગરે પુરુષોની વેઇટલિફ્ટિંગની ૫૫ કિગ્રા. શ્રેણીમાં ભારતને રજત ચંદ્રક અપાવતાં રાષ્ટ્રકુળ રમતોત્સવમાં ભારતનું ખાતું ખૂલ્યું હતું.

લંડન: રાષ્ટ્રકુળ રમતોત્સવ ૨૦૨૨ શરૂ થયાને બીજે દિવસે શનિવારે ભારતનું ખાતું ખૂલ્યું હતું. વેઇટલિફ્ટિંગ સ્પર્ધામાં સંકેત સરગરે દેશને પ્રથમ મેડલ અપાવ્યો હતો. ૨૧ વર્ષના આ ખેલાડીએ પંચાવન કિગ્રા. વેઇટલિફ્ટિંગમાં રજત ચંદ્રક મેળવ્યો હતો. સરગરે ક્લીન એન્ડ જર્કમાં ૧૧૩+૧૩૫ કિગ્રા (કુલ ૨૪૮ કિગ્રા.) વજન ઉપાડ્યું હતું. જ્યારે મલયેશિયાના મોહમ્મદ અનિકે કુલ ૨૪૯ કિગ્રા. વજન ઉપાડી સુવર્ણચંદ્રક મેળવ્યો હતો. સંકેત બાળપણમાં તેના પિતાને ચાની દુકાનમાં મદદ કરતો હતો. ગ્રાહકો માટે પાન પણ બનાવી આપતો હતો. સંઘર્ષથી સિલ્વર સુધી પહોંચનાર સંકેત જેવી જ કહાણી શનિવારે ભારતને બીજો ચંદ્રક અપાવનાર ગુરુરાજ પૂજારીની છે. ગુરુરાજ પૂજારીએ પણ ૬૧ કિગ્રા. વેઇટલિફ્ટિંગમાં કાંસ્ય ચંદ્રક જીત્યો હતો. ગરીબ પરિવારમાંથી આવતા ગુરુરાજના પિતા ટ્રક ડાઇવિંગનું કામ કરે છે.
મહિલા ટેબલ ટેનિસમાં ભારતે મણિકા બત્રાના નેતૃત્વમાં પોતાની જીતની પરંપરા ચાલુ રાખતાં ગ્રૂપ ૨ અંતર્ગત ગુયાના સામે ૩-૦થી મેચ જીતી આગેકૂચ કરી હતી તો બૉક્સિગંમાં ૫૭ કિગ્રા. શ્રેણીમાં ભારતીય બૉક્સર મોહમ્મદ હુસામુદ્દીને સાઉથ આફ્રિકન બૉક્સર સામે મેચ જીતી ક્વાર્ટર ફાઇનલમાં પ્રવેશ કર્યો હતો.
ક્રિકેટ અને હોકી સિવાયની રમતોમાં પાકિસ્તાની ખેલાડીઓ ભારતીય ખેલાડીઓને ટક્કર આપવાની સ્થિતિમાં નથી એ વાત પણ પુરવાર થઇ ગઇ હતી. ભારતે અગાઉ શુક્રવારે પાક ટીમને બેડમિન્ટનમાં ભારતે ૫-૦થી કારમી હાર આપી હતી.
અગાઉ રાષ્ટ્રકુળ રમતોત્સવમાં ગ્રૂપ એ અંતર્ગત શુક્રવારે ભારત અને ઓસ્ટ્રેલિયા મહિલા ક્રિકેટ ટીમો વચ્ચે રમાયેલી ટી-૨૦ મેચમાં ઓસ્ટ્રેલિયા ત્રણ વિકેટથી જીતી ગયું હતું. ભારતના ૨૦ ઓવરમાં આઠ વિકેટના ભોગે ૧૫૪ રન થયા હતા, તેના જવાબમાં ઓસ્ટ્રેલિયાએ ૧૯ ઓવરમાં સાત વિકેટના ભોગે ૧૫૭ રન કરી જીત મેળવી હતી. શેફાલી વર્માના ૪૮ રન અને સ્મૃતિ મન્ધાના સિવાય કોઇ ખેલાડીઓ નોંધનીય રમત બતાવી શક્યા ન હતા. ઓસ્ટ્રેલિયાની બૉલર જોનાસને ચાર ઓવરમાં ૨૨ રન આપીને ભારતની ચાર વિકેટો ખેરવીને તરખાટ મચાવી દીધો હતો તો ભારતની બૉલર રેણુકાસિંહે પણ અઢાર રન આપીને ચાર વિકેટો લઇ ઉત્કૃષ્ટ દેખાવ કર્યો હતો. જોકે, ગ્રેસ હેરિસના ૩૭ અને આશ્લેહ ગાર્ડનરના અણનમ બાવન રન થકી ઓસ્ટ્રેલિયાએ બાજી મારી લીધી હતી.

પ્રતિશાદ આપો

તમારું ઇમેઇલ સરનામું પ્રકાશિત કરવામાં આવશે નહીં.