ગુજરાતી કિશોરીના બે હત્યારા પાલનપુરમાં ઝડપાયા

આમચી મુંબઈ

કિશોરીની માતા અને ભાઈએ કરેલી મારપીટનો બદલો વાળવા આરોપીએ ઘાતકી પગલું ભર્યું – હત્યા બાદ બન્ને મિત્ર વૈષ્ણોદેવી, રાજસ્થાન અને વડોદરામાં ફરતા હતા
—-
(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: અંધેરીની ગુજરાતી કિશોરી વંશિકા રાઠોડની કરપીણ હત્યા કર્યા બાદ મૃતદેહને બૅગમાં ભરી નાયગાંવ ખાતે ફેંકી દેવાના લગભગ અઠવાડિયા પછી વાલિવ પોલીસ અને ક્રાઈમ બ્રાન્ચે બે યુવકને ગુજરાતના પાલનપુર ખાતેથી પકડી પાડ્યા હતા. કિશોરીનો પીછો કરવા બદલ માતા અને ભાઈએ કરેલી મારપીટનો બદલો લેવા આરોપીએ ઘાતકી પગલું ભર્યું હોવાનું પ્રાથમિક તપાસમાં સામે આવ્યું હતું. હત્યા બાદ બન્ને મિત્ર વૈષ્ણોદેવી, રાજસ્થાન, વડોદરા અને સુરતમાં વિવિધ ઠેકાણે ફરવા ગયા હતા.
મીરા-ભાયંદર વસઈ-વિરાર કમિશનરેટની વાલિવ પોલીસે ધરપકડ કરેલા બન્ને આરોપીની ઓળખ સંતોષ મકવાણા (૨૧) અને વિશાલ અનભવને (૨૧) તરીકે થઈ હતી. હત્યાકાંડનો મુખ્ય આરોપી મકવાણા જૂહુ વિસ્તારમાં રહેતો હોઈ તે ૧૫ વર્ષની કિશોરી વંશિકાનો છેલ્લા બે મહિનાથી પીછો કરતો હતો.
પોલીસના જણાવ્યા મુજબ મકવાણા અને ખારના નિર્મલ નગર ખાતે રહેતો તેનો મિત્ર વિશાલ અનભવને સંબંધિત વિસ્તારની અનેક છોકરીઓનો પીછો કરતા હતા અને તેમની સાથે મિત્રતા કરવાનો પ્રયાસ કરતા હતા. બન્ને આરોપી પહેલી વાર જુલાઈમાં સ્કૂલ ખૂલ્યા બાદ નવમા ધોરણની વિદ્યાર્થિની વંશિકાને મળ્યા હતા. પછી બન્ને તેનો પીછો કરવા લાગ્યા હતા. ૨૧ જુલાઈએ તો મુખ્ય આરોપી મકવાણા કિશોરીનો પીછો કરતાં કરતાં તેની સ્કૂલ સુધી પહોંચી ગયો હતો. તે સમયે સ્કૂલ ટીચરે તેને પકડી પાડ્યો હતો. પોતે વંશિકાનો ભાઈ હોવાનું આરોપીએ ટીચરને કહ્યું હતું. પછી ટીચરને ધક્કો મારી તે ત્યાંથી ભાગી છૂટ્યો હતો.
આ બાબતે સ્કૂલ ટીચરે વંશિકાના વડીલોને જાણ કરી હતી. ત્યાર બાદ વંશિકાની પાછળ પાછળ સ્કૂલમાં તેની માતા ભાવનાબહેન પણ ગયાં હતાં. વંશિકાનો પીછો કરનારા મકવાણાને તેમણે પકડી પાડ્યો હતો. તેને અંધેરી પોલીસ સ્ટેશને લઈ જવાયો હતો. પોલીસે મકવાણાના વડીલોને પોલીસ સ્ટેશને બોલાવ્યા હતા. તે સમયે અંધેરી પોલીસે વંશિકા અને ભાવનાબહેનનાં નિવેદન નોંધી વધુ તપાસ માટે ફરિયાદ વિલેપાર્લે પોલીસ સ્ટેશનમાં ટ્રાન્સફર કરી હતી. જોકે ભાવનાબહેને એફઆઈઆર નોંધાવવાનો ઇનકાર કરતાં પોલીસે મકવાણાને ચેતવણી આપીને છોડી દીધો હતો.
પોલીસ તપાસમાં જણાયું હતું કે પીછો કરતાં પકડાયેલા મકવાણાને વંશિકાની માતા અને ભાઈએ લાફા માર્યા હતા. આ મારપીટથી આરોપી ગિન્નાયો હતો અને તેણે મિત્ર વિશાલની મદદથી વંશિકાની હત્યાની યોજના ઘડી કાઢી હતી. આ માટે તે છરી પણ ખરીદી લાવ્યા હતા.
પોલીસ અધિકારીએ જણાવ્યું હતું કે ૨૫ ઑગસ્ટે બન્ને આરોપી કિશોરીને મળ્યા હતા અને મામલાની પતાવટ કરવાને બહાને તેને જૂહુના ઘરમાં લઈ ગયા હતા, જ્યાં છરીના ૧૫થી વધુ ઘા ઝીંકી તેની હત્યા કરવામાં આવી હતી. હત્યા બાદ તેના મૃતદેહને બૅગમાં ભરવામાં આવ્યો હતો. ટ્રેનમાં નાયગાંવ રેલવે સ્ટેશને લઈ ગયા પછી ઝાડીઝાંખરાંમાં મૃતદેહને ફેંકવામાં આવ્યો હતો.
બીજી બાજુ, સ્કૂલમાં જવા નીકળેલી વંશિકા પાછી ન ફરતાં પરિવારે તેની મિસિંગ ફરિયાદ અંધેરી પોલીસ સ્ટેશનમાં નોંધાવી હતી. પોલીસે અપહરણનો ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી. દરમિયાન બીજે દિવસે ૨૬ ઑગસ્ટે વાલિવ પોલીસને તેનો મૃતદેહ મળી આવ્યો હતો. પોલીસે રેલવે સ્ટેશન પરના સીસીટીવી કૅમેરાનાં ફૂટેજ તપાસી બન્ને આરોપીને ઓળખી કાઢ્યા હતા.પોલીસના જણાવ્યા મુજબ હત્યા પછી બન્ને આરોપી વૈષ્ણોદેવી, રાજસ્થાન, વડોદરા અને સુરતમાં વિવિધ ઠેકાણે ફરી રહ્યા હતા. શુક્રવારે બન્ને મિત્ર આરોપી વિશાલના પાલનપુર શહેરમાં આવેલા નિવાસસ્થાને પહોંચ્યા હોવાની માહિતી પોલીસને મળી હતી. સ્થાનિક પોલીસની મદદથી બન્નેને તાબામાં લેવાયા હતા. પકડાયેલા બન્ને આરોપીને વાલિવ પોલીસ સ્ટેશન લાવી વધુ પૂછપરછ કરવામાં આવી રહી છે. ઉ

પ્રતિશાદ આપો

તમારું ઇમેઇલ સરનામું પ્રકાશિત કરવામાં આવશે નહીં.