(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: સાકીનાકામાં સોમવારે વહેલી સવારે ઈલેક્ટ્રિક અને હાર્ડવેરની દુકાનમાં ભીષણ આગ ફાટી નીકળી હતી. આગ બાદ દુકાનનું આખું માળખું તૂટી પડ્યું હતું, જેને કારણે દુકાનમાં પ્રવેશવાનો ભાગ બંધ થઈ જતા ફાયરબ્રિગેડે જેસીબીથી દુકાનની આગળનો હિસ્સો તોડી પાડ્યો હતો અને આગ બુઝાવવાની કામગીરી હાથ ધરી હતી. આઠેક કલાકની જહેમત બાદ નિયંત્રણમાં આવેલી આગમાં બેનાં મૃત્યુ થયાં હતાં. વહેલી સવારના લગભગ ૨.૧૮ વાગ્યાની આસપાસ સાકીનાકા પરિસરમાં મેટ્રો સ્ટેશન પાસે રહેલી હાર્ડવેરની દુકાનમાં ભીષણ આગ લાગી હતી. ફાયરબ્રિગેડે તુરંત ઘટના સ્થળે પહોંચીને આગ બુઝાવવાની કામગીરી હાથ ધરી હતી. ૨.૧૮ વાગે લાગેલી આગ પર અડધા કલાકમાં નિયંત્રણ મેળવવામાં સફળતા મળી હતી, પરંતુ ત્યારબાદ પાંચ વાગે ફરી આગ ફાટી નીકળી હતી, તેનાથી પરિસરમાં ગભરાટ વ્યાપી ગયો હતો. આગનું ચોક્કસ કારણ જાણી શકાયું નહોતું.
સાકીનાકા મેટ્રો સ્ટેશન પાસે ૪૦ બાય ૫૦ ચોરસ ફૂટની જગ્યામાં રહેલી રાજશ્રી ઈલેક્ટ્રિક ઍન્ડ હાર્ડવેરની દુકાનમાં રવિવારના મધરાત ૨.૧૮વાગે આગ લાગી હતી. આગ ઈલેક્ટ્રિક વાયરિંગ, ઈલેક્ટ્રિક ઈન્સ્ટોલેશન સહિત મોટા પ્રમાણમાં હાર્ડવેરના સામાનમાં ફેલાઈ ગઈ હતી. દુકાન ગ્રાઉન્ડ પ્લસ બે માળમાં બંધાયેલી હતી.
ફાયર બ્રિગેડના જણાવ્યા મુજબ આગ લાગ્યા બાદ ગ્રાઉન્ડ પ્લસ ઉપરના માળિયા સહિતનું બાધકામ તૂટી પડતા આગ બુઝાવવા માટે ફાયરબિગ્રેડ અંદર પ્રવેશી શકી નહોતી. તેથી પાલિકાની ટીમ સાથે દુકાનનો આગળનો ભાગ જેસીબીની મદદથી તોડી પાડીને આગ બુઝાવવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી.
સ્થાનિક ભૂતપૂર્વ નગરસેવકના કહેવા મુજબ દુકાનમાં કામ કરનારા પાંચ લોકો દુકાનમાં જ અંદર સૂતા હતા. આગ લાગી ત્યારે તેમાંથી ત્રણ બહાર નીકળવામાં સફળ રહ્યા હતા, પરંતુ બે જણ અંદર દુકાનનો ઉપરના માળાનો ભાગ અને અંદર રહેલો સામાન નીચે પડતાં અંદર ફસાઈ ગયા હતા. દુકાનની આગળની તરફ બારી પર પર નામનું બોર્ડ લાગ્યું હોવાથી તે બંધ હતી. તેથી આગ બુઝાવવાની કામગીરીમાં વિલંબ થયો હતો. દુકાનનો આગળનો ભાગ તોડીને ફાયરબ્રિગેડ અંદર પ્રવેશી હતી અને ત્યારબાદ અંદર ફસાઈ ગયેલા બે લોકોને શોધીને બહાર કાઢ્યા હતા. જખમીઓને ઘાટકોપરની રાજાવાડી હૉસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા. જોકે ડૉકટરોએ તેમને મૃત જાહેર કર્યા હતા. મૃતકોમાં ૨૨ વર્ષનો રાકેશ ગુપ્તા અને ૨૩ વર્ષના રમેશ દેવસિયાનો સમાવેશ થાય છે. પાલિકાના ‘એલ’વોર્ડના આસિસ્ટન્ટ મ્યુનિસિપલ કમિશનર માધવ શિંદેના જણાવ્યા મુજબ દુકાનનું બાંધકામ બહુ જૂનું હતું અને તેમાં પાછું દુકાનમાં મોટા પ્રમાણમાં હાર્ડવેરનો સ્ટોક ભરીને રાખ્યો હતો. દુકાનનો માલિક મુંબઈથી બહારગામ હોવાનું જણાયું હતું.