(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: મુંબઈ પોલીસની વિશેષ શાખાએ દક્ષિણ મુંબઈમાં પ્રતિબંધિત ગુટકા-પાનમસાલા વેચતી બે દુકાન અને ચાર ગોદામ પર કાર્યવાહી કરી પચીસ લાખનો સામાન જપ્ત કર્યો હતો. આ કાર્યવાહીમાં પોલીસે બે દુકાનમાલિક સહિત સાત જણની ધરપકડ કરી હતી.
પકડાયેલા આરોપીઓની ઓળખ અબુ સલીમ શમીમ અહમદ ખાન (47), અઝીમ અહમદ ખાન (53), અખિલેશ મુશ્તાક શેખ (34), મોહમ્મદ સાહરીક અઝીઝ ખાન (20), મોહમ્મદ આરીફ મોહમ્મદ ખાન (21), ફરહાન ઉર્ફે લાલા કાદર (34) અને ફઈમ અહમદ ખાન (32) તરીકે થઈ હતી. તેમની વિરુદ્ધ ડોંગરી પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધવામાં આવ્યો હતો.
સરકાર દ્વારા પ્રતિબંધ લાદવામાં આવ્યા છતાં દક્ષિણ મુંબઈમાં ખૂલેઆમ ગુટકા-પાનમસાલા વેચાતા હોવાની માહિતી પોલીસને મળી હતી. માહિતીને આધારે પોલીસે ગુરુવારે ડોંગરી, ઉમરખાડી અને નળબજાર વિસ્તારમાં આવેલી બે દુકાન અને ચાર ગોદામ પર રેઈડ કરી હતી.
તપાસમાં પોલીસને જાણવા મળ્યું હતું કે દુકાનદારોએ આ ગોદામમાં ગુટકાનો સંગ્રહ કરી રાખ્યો હતો. અંદાજે પચીસ લાખની કિંમતના ગુટકા-પાનમસાલા જપ્ત કરાયા હતા. એ સિવાય બે દુકાન અને ચાર ગોદામને પણ સીલ કરવામાં આવી હતી.