લોરેન્સ બિશ્નોઈને મળવા બે છોકરી જેલ પહોંચી
આજકાલના યુવાનોને સેલ્ફી લેવાનો ગાંડો ક્રેઝ છે. સેલ્ફી ઉપરાંત કંઇક નોખું કરવાનો, દુનિયાથી અલગ દેખાવવાનું, અલગ અંદાજ રાખવાના ક્રેઝમાં યુવાઓ રત રહે છે, એવા સમયે પંજાબના ભટિંડામાં એક વિચિત્ર ઘટના સામે આવી છે. અહીં બે સગીર છોકરીઓ જેલમાં બંધ એક જાણીતા ગેંગસ્ટરને મળવા માટે તેમના ઘરેથી ભાગી ગઈ હતી. જોકે, બાદમાં બંને યુવતીઓ ભટિંડા સેન્ટ્રલ જેલની બહાર સેલ્ફી લેતા ઝડપાઈ ગઈ હતી. જણાવવામાં આવી રહ્યું છે કે હાલમાં જેલ પ્રશાસને સગીર છોકરીઓને જિલ્લા બાળ સુરક્ષા વિભાગને સોંપી દીધી છે અને પરિવારના સભ્યોને પણ જાણ કરવામાં આવી છે. અધિકૃત સૂત્રોના જણાવ્યા અનુસાર અધિકારીઓએ જણાવ્યું કે બંને સગીર છોકરીઓ ગેંગસ્ટર લોરેન્સ બિશ્નોઈને મળવા માંગતી હતી, જેના માટે તેઓ તેમના ઘરેથી ભાગીને ભટિંડા સેન્ટ્રલ જેલની બહાર પહોંચી ગઇ હતી. ભટિંડાના બાળ સુરક્ષા અધિકારી રવનીત કૌર સિદ્ધુના જણાવ્યા અનુસાર, બંને છોકરીઓ ભટિંડા સેન્ટ્રલ જેલની બહાર સેલ્ફી લઈ રહી હતી અને તેને તેમના મિત્રોમાં શેર કરવા માંગતી હતી. ચાઈલ્ડ પ્રોટેક્શન ઓફિસરનું કહેવું છે કે આ બંને છોકરીઓ સોશિયલ મીડિયા પર લોરેન્સ બિશ્નોઈથી પ્રભાવિત હતી.
‘છોકરીઓએ રેલવે સ્ટેશન પર રાત વિતાવી’ રવનીત કૌર સિદ્ધુએ કહ્યું, ‘સગીર છોકરીઓ તેમના ઘર છોડીને ભટિંડા પહોંચી હતી. બંનેએ ભટિંડા રેલવે સ્ટેશન પર એક રાત પણ વિતાવી હતી. છોકરીઓની પૂછપરછ બાદ અમને ખબર પડી કે ભટિંડા સેન્ટ્રલ જેલની બહાર સેલ્ફી લેવાનો હેતુ તેમને મિત્રોને બતાવવાનો હતો. તેઓ બધા સોશિયલ મીડિયા પર ગેંગસ્ટર લોરેન્સ બિશ્નોઈથી પ્રભાવિત છે. પોલીસે કાયદેસરની કાર્યવાહી કરવાની વાત કરી હતી બીજી તરફ નાયબ પોલીસ અધિક્ષક ગુરપ્રીત સિંહે જણાવ્યું કે સગીર છોકરીઓના સંબંધીઓને બોલાવવામાં આવ્યા છે અને બંને યુવતીઓને મેડિકલ તપાસ બાદ સેફી સેન્ટર મોકલવામાં આવી છે. ગુરપ્રીત સિંહે કહ્યું હતું કે, ‘સમગ્ર મામલાની તપાસ કરવામાં આવી રહી છે. બંને સગીર યુવતીઓના સંબંધીઓને બોલાવવામાં આવ્યા છે. બંને સગીરોનું મેડિકલ કરાવ્યા બાદ તેમને સેફી સેન્ટર મોકલવામાં આવી છે. જો તપાસમાં કંઇ સામે આવશે તો કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે.
લોરેન્સ બિશ્નોઈ ભટિંડા સેન્ટ્રલ જેલમાં બંધ છે. જાણીતો ગેંગસ્ટર લોરેન્સ બિશ્નોઈ હાલમાં પંજાબની ભટિંડા સેન્ટ્રલ જેલમાં બંધ છે. બિશ્નોઈની રાષ્ટ્રીય તપાસ એજન્સી (NIA) દ્વારા ગયા વર્ષે 23 નવેમ્બરે આતંકવાદી હુમલાઓ કરવા માટે યુવાનોની ભરતી કરવાના કથિત કાવતરાના કેસમાં ધરપકડ કરવામાં આવી હતી. આ સિવાય લોરેન્સ બિશ્નોઈ વિરુદ્ધ ગેરકાયદે ખંડણી, ધમકીઓ અને હત્યાનું કાવતરું સહિત ઘણા કેસ નોંધાયેલા છે.