તુ ઈસ તરહા સે મેરી ઝિંદગી મે શામિલ હૈઃ આ શબ્દોમાં છુપાયેલી છે બે મિત્રોની જિંદગી
એક મિત્ર જે દિવસે દુનિયામાં પગ મૂકે અને તેના 75 વર્ષ બાદ બીજો મિત્ર એ જ દિવસે ફાની દુનિયા છોડી જાય. અને એ મિત્રના જન્મદિવસના બે દિવસ પહેલા બીજો મિત્ર દુનિયા છોડી જાય. અને પાછા બન્ને કોઈ લંગોટીયા યાર નહીં. વ્યવસાયને લીધે બનેલા મિત્ર. ઊખાણા જેવી લાગતી આ હકીકત આપણા દેશમાં જ બની છે. આજે ગઝલ કિંગ જગજીત સિંહનો જન્મદિવસ છે ત્યારે આજે તમે સાંભળેલી તેની ઘણી જાણીતી ગઝલ જેમની કલમથી નીતરી હતી તે શાયર નિદા ફાઝલીની મરણતિથિ. આઠમી ફેબ્રુઆરી-2016ના રોજ નિદા ફાઝલી દુનિયા છોડી ગયા. તો નિદાનો જન્મ 12મી ઓક્ટોબર, 1938માં થયો હતો જ્યારે જગજીત સિંહે 10મી ઓક્ટોબર,2011ના રોજ દમ તોડ્યો.
1964-65માં મધ્યપ્રદેશમાં રહેતો એક પરિવાર ભારત છોડી પાકિસ્તાન જવાની તૈયારીમાં હતો. પણ ઘરના સભ્ય મુખ્તદા હુસૈનથી ઘર, ઘરના આંગણે લાગેલો લિંમડો, ગલી મહોલ્લો, મૂલ્ક છૂટતો ન હતો. તેણે અહીં રહેવાની જીદ પકડી તો પરિવારે પરવા ન કરી ને પરિવાર દેશ છોડી જતો રહ્યો. ગુસ્સામાં તેણે પરિવારે આપેલું નામ બદલી નિદા કરી નાખ્યું કે ફાઝલી ક્યાંકથી જોડી દીધું. નિદાએટલે અવાજ-પુકાર. નિદાને મુંબઈ પુકારતું હશે તે મુંબઈ આવ્યો ને ગીત-વાર્તા લખી પેટ ભરવા માંડ્યો. આ જ અરસામાં રાજસ્થાનથી પણ એક નવજવાન મુંબઈ આવ્યો ને સંગીતજગતમાં પોતાનું નામ ગાજતુ કરવા કામે લાગ્યો. જગજીતે ક્યાંક પોતાની અવાજમાં ગાયું ‘तारों में चमक फूलों में रंगत न रहेगी, कुछ भी न रहेगा, जो मोहब्बत न रहेगी.’ જે નિદાએ લખ્યું હતું. બસ તે બાદ જગજીત નિદાની નિદા બની ગયા. 1994માં આવેલો તેમનો આલ્બમ ઈનસાઈટ ભારે લોકપ્રિય થયો. ચાંદ સે ફૂલ સે યા મેરી ઝુબાં સે સુનીયે…, ગરજ બરસ પ્યાસી ધરતી પર…, મુંહ કી બાત સુને હર કોઈ, દિલ કા દર્દ ન જાને કોઈ…જેવી ગઝલોના મોતી બન્નેએ સંગીતજગતને આપ્યા. નિદાની કલમમાં દર્દ અને માનવીય જીવનની ઝાંખી હતી જ્યારે આ દર્દને લોકોના હૃદય સુધી પહોંચાડવાનો મખમલી અવાજ હતો જગજીત પાસે. આ આલ્મબમ ઉપરાંત હોશવાલો કો ખબર ક્યા, હર તરફ હર જગહ બેસૂમાર આદમી, અપની મરઝી સે કહા અપની સફર કે હમ હૈ જેવી યાદગાર ગઝલો આ જોડીએ આપી છે.
નિદા ફાઝલીની કલમથી નીકળેલી અન્ય કરામતોમાં તુ ઈસ તરહા સે મેરી ઝિંદગી મેં શામિલ હૈ, કભી કિસીકો મુક્કમલ જહા નહીં મિલતા, સફર મેં ધૂપ તો હોગી જેવા ગીતો છે, તો તેમની શાયરીનો ખજાનો લખવા દિવસો વીતી જાય તેમ છે. એકબે શાયરી સાથે તેમને યાદ કરી લઈએ
ઘર સે મસ્જિદ હૈ બહોત દૂર ચલો યૂં કર લે
કિસી રોતે હુએ બચ્ચે કો હંસાયા જાયે
કે પછી
ઉસકે દુશ્મન હૈ બહોત આદમી અચ્છા હોગા
વો ભી મેરી હી તરહ શહેર મે તન્હા હોગા….