ગાંધીનગરમાં બર્થડે પાર્ટી કરી પરત ફરતા બે મિત્રોનું ટ્રેલરની અડફેટે મોત

આપણું ગુજરાત

(અમારા પ્રતિનિધિ તરફથી)
ગાંધીનગર: શહેરના ખ રોડ પર વધુ એક અકસ્માતની ઘટના બની હતી, જેમાં ટ્રેલર ચાલક સ્કૂટરને ટક્કર મારીને ફરાર થઈ ગયો હતો. સ્કૂટર પર સવાર બે મિત્રોનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું. આ મામલે સેકટર- ૭ પોલીસે મૃતક યુવાનનાં ફિંગર પ્રિન્ટથી મોબાઇલ ફોન અનલોક કરી વાલી વારસોને શોધી કાઢ્યા હતા.
સૂત્રોના જણાવ્યા મુજબ ગાંધીનગરમાં સેકટર-૨૯ પાસે શનિવારે સ્કૂલ વાનના ચાલકે બાઇકને ટક્કર મારતાં સાદરાનાં યુવાનનું સ્થળ ઉપર કરુણ મોત નીપજ્યું હતું. ત્યારે વધુ એક ખ રોડ પર ટ્રેલરની ટક્કરથી બાઈક સવાર બે યુવાનનું ઘટનાસ્થળે મોત થયાની ઘટના સેકટર-૭ પોલીસ સ્ટેશનમાં નોંધવામાં આવી હતી, જેમાં ભાર્ગવ ચૌહાન (ઉં.વ. ૨૨) કૉલેજ પૂર્ણ કર્યા પછી સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારીઓ કરી રહ્યો હતો.
જ્યારે તેના મિત્ર જૈનીલસિંહ ચાવલા (ઉં.વ. ૨૨, રહે. સેકટર – ૧૬ છ ટાઈપ) સ્કૂટર લઈને સરગાસણથી અન્ય એક મિત્રની બર્થડે પાર્ટી ઉજવી ઘરે પરત જઈ રહ્યા હતા ત્યારે ખ રોડ પરથી પસાર થતી લેવા પ્રમુખ નગર ચાર રસ્તા પાસે ટ્રેલરના ચાલકે પોતાનું ટ્રેલર પૂરપાટ ઝડપે હંકારીને સ્કૂટરને ટક્કર મારી નાસી ગયો હતો, જ્યારે બન્ને મિત્રો ઉછળીને રોડ પર પટકાયા હતા. અને શરીરે ગંભીર ઈજાઓ થવાથી ઘટના સ્થળ પર જ બન્નેના મોત નિપજ્યા હતા. આ ઘટનાની જાણ થતાં સેકટર-૭ પોલીસ સ્ટેશનની ટીમ સ્થળ ઉપર પહોંચી બન્ને વાલી વારસોને શોધવા જરૂરી હોવાથી પોલીસે સ્થળ પરથી મળેલી કૉલેજ બેગ તપાસી હતી, પણ કોઈ હકીકત જાણવા મળી ન હતી. એટલામાં મોબાઇલ ફોન પણ મળી આવ્યો હતો, પરંતુ ઘણાં પ્રયાસ પછી પણ મોબાઇલનું લોક ખૂલતું ન હતું. આખરે પોલીસને મૃત યુવાનની ફિંગર પ્રિન્ટ વડે મોબાઇલ ફોન ખોલવામાં સફળતા મળી હતી, જેનાં આધારે બન્નેના વાલી વારસોને શોધી કાઢવામાં આવ્યા હતા.

પ્રતિશાદ આપો

તમારું ઇમેઇલ સરનામું પ્રકાશિત કરવામાં આવશે નહીં.