દેશની આર્થિક રાજધાની મુંબઈ આમ તો બોલીવૂડ, ઈન્ડસ્ટ્રી, નવી લાઈફ સહિત પોતાના સમુદ્ર કિનારા માટે આખી દુનિયાભરમાં પ્રખ્યાત છે અને જેમ દરેક સિક્કાની બે બાજુ હોય એમ પોતાની ખાસિયતની સાથે સાથે જ મુંબઈ ગંદગી અને રસ્તાની પર ફેંકવામાં આવતા કચરા માટે પણ એટલું જ ફેમસ છે. શહેરના રસ્તા, સમુદ્ર કિનારા પર જોવા મળનારી ગંદગીથી હેરાન પરેશાન તો આપણે બધા જ થઈએ છીએ, પણ એના માટે કંઈક કરવાની વાત આવે તો આપણે બધા જ હથિયાર હેઠા મૂકીને હાથ પર હાથ ધરીને બેસી જઈએ છીએ. પણ આજે જેમ હાથની બધી આંગળીઓ એક સમાન નથી હોતી એમ દરેક વ્યક્તિની માનસિકતા પણ એક સમાન નથી હોતી. આજે આપણે અહીં વાત કરવાના છીએ એવી જ બે બહેનપણીઓ વિશે કે જેણે માત્ર ૧૬ જ વર્ષની ઉંમરમાં એનજીઓ બનાવ્યું છે, જેની મદદથી તેઓ સપનોં કે શહેર મુંબઈની ગંદકી દૂર કરીને તેને સાફ-સુથરી બનાવવાનો પ્રયાસ કરે છે.
દસમા ધોરણમાં ભણતી વખતે જ આ બહેનપણીઓએ એનજીઓ બનાવવાનો નિર્ણય લીધો હતો. લિતિશા બગાડિયા અને સિયા જોશી પોતાના જીવનમાં નક્કી કરેલું લક્ષ્ય હાંસિલ કરવા માગે છે અને તેની સાથે સાથે તેઓ પોતાના અભ્યાસમાં પણ કોઈ કચાસ રાખવા માગતી નથી. આ જ કારણ છે કે તેઓ એનજીઓનું કામકાજ હળી-મળીને કરે છે.
લિતિશા અને સિયા પોતાના આ અનોખા પ્રોજેક્ટ વિશે વાત કરતાં જણાવે છે કે આજે અમે લોકો ૩૧ જણની ટીમ બની ચૂક્યા છીએ અને મુંબઈ, દિલ્હી, ચેન્નઈ, હૈદરાબાદ, અમદાવાદ, નાઈજેરિયા અને ઘાનાના અમારી ઉંમરના લોકો પણ અમારી સાથે જોડાયા છે. લોકડાઉનથી જ અમે લોકો આ પ્રોજેક્ટ પર કામ કરીએ છીએ, પણ બહાર નીકળવા પર મૂકવામાં આવેલા પ્રતિબંધને કારણે એ શક્ય નહીં બની શક્યા. એટલે અમે લોકોએ ઓનલાઈન આની શરૂઆત કરી. આ પ્રોજેક્ટ હેઠળ અમે લોકો પર્યાવરણ, કચરો, ગંદકી જેવી મુંબઈને સતાવી રહેલી સમસ્યાઓ પર ફોકસ કરીએ છીએ. પછી એ હોળી પર પાણી બચાવવાની ઝૂંબેશ હોય કે દિવાળી પર ફટાકડાંને કારણે થતાં પ્રદુષણને રોકવાની વાત હોય. હવે અમને લોકોનો પૂરો સપોર્ટ મળે છે, અને ભવિષ્યમાં પણ આવો જ સપોર્ટ મળતો રહેશે.
બંને બહેનપણીઓએ ગણેશોત્સવમાં સાર્વજનિક મંડળોમાં જઈને ભગવાનને ચઢાવવામાં આવેલા ફૂલ-હાર ભેગા કરીને એક રિસાઈકલિંગ યુનિટને સોંપ્યા હતા. જેને કારણે બે સમસ્યા એક સાથે ઉકેલાઈ. એક તો મુંબઈમાં થનારા કચરાનું પ્રમાણ ઘટ્યું અને બીજું કે નકામા ફૂલ-હારથી અત્તર અને ખાતર પણ બનાવવામાં આવ્યું. આ અત્તર અને ખાતરને વેચીને જે પૈસા મળ્યા એનો ઉપયોગ જરૂરિયાતમંદ લોકો માટે કરવામાં આવ્યો.
સામાન્યપણે આ ઉંમરમાં માતા-પિતા બાળકોને અભ્યાસ પર ધ્યાન કેન્દ્રિત કરવાનું જણાવે છે, પણ લિતિશા અને સિયાના પરિવારજનો તેમને ભણવા માટે પ્રોત્સાહન આપવાની સાથે સાથે જ તેમની આ ઝુંબેશને આગળ વધારવામાં પણ મદદરૂપ થાય છે.
નાની ઉંમરમાં સિયા અને લિતિશાએ આ શહેરને સુંદર બનાવવાનું જે બીડું ઉઠાવ્યું છે તેમાં તેમને સફળતા મળે એવી શુભેચ્છા…