Homeએકસ્ટ્રા અફેરટુ ફિંગર ટેસ્ટ પ્રતિબંધિત, બળાત્કાર પીડિતાઓને વધારે હૂંફ જોઈએ

ટુ ફિંગર ટેસ્ટ પ્રતિબંધિત, બળાત્કાર પીડિતાઓને વધારે હૂંફ જોઈએ

એકસ્ટ્રા અફેર -ભરત ભારદ્વાજ

ગુજરાતના મોરબીમાં ઝૂલતો પુલ તૂટી ગયો તેમાં દોઢસોની આસપાસ લોકોનાં મોત થયાં એ ઘટનાએ મચાવેલા હાહાકારના કારણે સુપ્રીમ કોર્ટે કરેલા એક મહત્ત્વના ફરમાન તરફ લોકોનું ધ્યાન નથી ગયું. સુપ્રીમ કોર્ટે બળાત્કારની ફરિયાદ થાય ત્યારે પીડિતા પર ખરેખર બળાત્કાર થયો છે કે નહીં એ તપાસવા માટે કરાતા ટુ-ફિંગર ટેસ્ટ કરવા પર પ્રતિબંધ મૂક્યો છે.
જસ્ટિસ ડીવાય ચંદ્રચૂડ અને હિમા કોહલીની બૅંચે આ ફરમાન કરતાં ચેતવણી પણ આપી હતી કે આ રીતે ટુ-ફિંગર ટેસ્ટ કરનાર કે કરાવનાર વ્યક્તિઓ ગેરવર્તણૂક માટે દોષિત ગણાશે અને તેમની સામે કાનૂની કાર્યવાહી થશે. સુપ્રીમ કોર્ટે આજે પણ ટુ-ફિંગર ટેસ્ટ થઈ રહ્યો છે એ અંગે નારાજગી પણ વ્યક્ત કરીને મેડીકલ કૉલેજોના અભ્યાસક્રમોમાંથી ટુ ફિંગર ટેસ્ટને હટાવી દેવાનો આદેશ આપ્યો છે.
સુપ્રીમ કોર્ટનો આ ચુકાદો બહુ મોટો છે ને બળાત્કારનો ભોગ બનેલી સ્ત્રી પર તપાસના નામે ગુજારાતા માનસિક બળાત્કારને રોકનારો છે. તેની વાત કરતાં પહેલાં ટુ ફિંગર ટેસ્ટ શું છે તે જાણવું જરૂરી છે. ટુ ફિંગર ટેસ્ટ ડૉક્ટર દ્વારા કરાતી તપાસ છે. ડૉક્ટર ટુ ફિંગર ટેસ્ટ અંતર્ગત બળાત્કારનો ભોગ બનેલી પીડિતાના ગુપ્તાંગમાં એક કે બે આંગળી નાખીને તપાસ કરે છે.
ડૉક્ટર સ્ત્રીના ગુપ્તાંગમાં હાઈમન છે કે નહીં એ પણ તપાસે છે. હાઈમન હોય તો સ્ત્રી વર્જિન છે ને તેના પર બળાત્કાર થયો નથી એવું તારણ કાઢવામાં આવે છે. એ જ રીતે ડૉક્ટરની આંગળી સરળતાથી યુવતીના ગુપ્તાંગમાં અંદર જતી રહે તો પીડિતા સેક્સ્યુઅલી એક્ટિવ હોવાનું માનવામાં આવે છે. સ્ત્રી સેક્સ્યુઅલી એક્ટિવ હોય તો તેના પર બળાત્કાર ના થઈ શકે એવું તારણ કાઢવામાં આવે છે. જસ્ટિસ ચંદ્રચૂડે આ માન્યતાની ઝાટકણી કાઢતાં કહ્યું કે, પીડિતાની સેક્સ્યુઅલ હિસ્ટરીને પુરાવો ના ગણી શકાય ને વાસ્તવમાં તો તેને બળાત્કાર સાથે કંઈ લેવાદેવા જ નથી.
આ પ્રકારનો ટેસ્ટ પીડિતાના સ્વમાન અને ગરિમાને ખતમ કરનારો તો છે જ પણ અવૈજ્ઞાનિક પણ છે. મેડિકલ નિષ્ણાતોનું માનવું છે કે, આ પ્રકારના ટેસ્ટથી બળાત્કાર થયો છે કે નહીં તે જાણવું મુશ્કેલ છે. આઘાતજનક વાત એ છે કે, મેડિકલ નિષ્ણાતો જેને અવૈજ્ઞાનિક અને અયોગ્ય ગણાવે છે એ ટેસ્ટ વિશે મેડિકલના વિદ્યાર્થીઓને ભણાવાય છે. સુપ્રીમ કોર્ટે આરોગ્ય મંત્રાલયને અભ્યાસક્રમની સમીક્ષા કરવા કહ્યું છે કે જેથી ભવિષ્યના ડૉકટરો આ અવૈજ્ઞાનિક પરીક્ષણની ભલામણ ન કરે.
સુપ્રીમ કોર્ટે કેન્દ્ર અને રાજ્ય સરકારોને આદેશ આપ્યો છે કે, ટુ ફિંગર ટેસ્ટને લગતી માર્ગદર્શિકા તમામ સરકારી અને ખાનગી હૉસ્પિટલો સુધી પહોંચવી જોઈએ. આરોગ્ય કર્મચારીઓને વર્કશોપ દ્વારા પીડિતાના બીજા ટેસ્ટ કરવા માટે તાલીમ આપવાનો પણ આદેશ અપાયો છે. આ ઉપરાંત, મેડિકલ કોર્સીસા સીલેબસની સમીક્ષા કરવાનું કહેવામાં આવ્યું કે જેથી ભવિષ્યના ડૉકટરો આ પરીક્ષણની ભલામણ ન કરે.
આપણે ત્યાં બળાત્કારની ઘટનાઓમાં સતત વધારો થઈ રહ્યો છે. બળત્કારનું પ્રમાણ અત્યંત ગંભીરરીતે વધી રહ્યું છે એ ચિંતાનો વિષય છે પણ ચોખલિયાવેડાના કારણે આ મુદ્દે બહુ ચર્ચા થતી નથી. બળાત્કારનો ભોગ બનેલી સ્ત્રીઓને સંવેદના અને હૂંફની જરૂર હોય છે પણ આપણે ચોખલિયાવેડા કરીને આ મુદ્દે ચર્ચા સુદ્ધાં કરતા નથી. આપણે પીડિતાની પિડા સમજવા જ તૈયાર નથી હોતા. તેના કારણે ટુ ફિંગર ટેસ્ટ જેવા વાહિયાત ટેસ્ટ ચાલે છે. બળાત્કાર પીડિતાની તપાસ કરવાની આ અવૈજ્ઞાનિક રીતથી બળાત્કારનો ભોગ બનેલી પીડિત મહિલાને પોતાની સાથે બનેલી ઘટનાની ફરીથી યાદ આવે છે અને માનસિક યાતના ભોગવવી પડે છે એ વાત જ કોઈ સમજવા તૈયાર નથી.
કમનસીબી એ છે કે, હાઈ કોર્ટમાં બેઠેલા ન્યાયાધિશો આ પ્રકારની સંવેદનશીલતા બતાવી શકતા નથી. ટુ ફિંગર ટેસ્ટના આધારે જ રેપ-હત્યાના એક કેસમાં હાઈ કોર્ટે આ ટેસ્ટના આધારે મુક્ત કરી દીધો હતો. સુપ્રીમ કોર્ટે તેલંગાણા હાઈ કોર્ટના ચુકાદા સામે થયેલી અપીલમાં બળાત્કાર અને હત્યાના આરોપીની મુક્તિના હાઈ કોર્ટના આદેશને રદ કરીને આરોપીને આજીવન કેદની સજા સંભળાવી છે.
બળાત્કારની ઘટનાઓમાં આપણે સંવેદનશીલતા નથી બતાવી શકતા તેનો વધુ એક પુરાવો એ છે કે, સુપ્રીમ કોર્ટે ૨૦૧૩માં ટુ ફિંગર ટેસ્ટને ગેરકાનૂની ગણાવીને પ્રતિબંધ મૂકતાં કહ્યું હતું કે આ રીતનો ટેસ્ટ કરવો જોઈએ નહીં કેમ કે, આ ટેસ્ટથી મહિલાને તેની સાથે થયેલા બળાત્કાર વખતે થયેલી પીડાની યાદ તાજી થાય છે. સુપ્રીમ કોર્ટે એ વખતેજ આદેશ આપ્યો હતો કે, બળાત્કાર પીડિતાની તપાસ માટે એક નવી ગાઇડલાઇન બનાવવામાં આવે. આ ઉપરાંત ફોરેન્સિક અને મેડીકલ તપાસ એવી ન હોવી જોઇએ કે મહિલાને અપમાનિત થયાની કોઇ લાગણી જોવા મળે. આ સ્પષ્ટ આદેશ છતાં ટુ ફિંગર ટેસ્ટ ચાલતા રહ્યા ને તેના આધારે ચુકાદા પણ અપાતા ગયા.
બીજી આઘાતજનક વાત એ છે કે, દુનિયાના મોટા ભાગના દેશોમાં ટુ ફિંગર ટેસ્ટ પર પ્રતિબંધ છે. ખુદ વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશન (ઠઇંઘ) ટુ-ફિંગર ટેસ્ટને અનૈતિક ગણાવી ચૂક્યું છે. ડબલ્યુએચઓએ કહ્યું હતું કે બળાત્કારના મામલામાં માત્ર હાઈમનની તપાસથી જ બધું બહાર આવતું નથી. ટુ-ફિંગર ટેસ્ટ માનવાધિકારનું ઉલ્લંઘન તેમજ પીડિતાની પીડાનું કારણ બની શકે છે. ડબલ્યુએચઓએ તો ટુ ફિંગર ટેસ્ટને સેક્સ્યુઅલ વાયોલન્સ કે એટેક એટલે કે જાતીય હિંસા સાથે સરખાવ્યો છે.
સુપ્રીમ કોર્ટના ચુકાદા પછી આ દેશમાં સ્થિતિ બદલાય એવી આશા રાખીએ. સાથે સાથે સુપ્રીમ કોર્ટ બળાત્કાર પીડિતાઓ પર શારીરિક બળાત્કાર પછીના માનસિક બળાત્કારમાંથી મુક્તિ અપાવવા કેટલાક નિર્ણયો લે એ જરૂરી છે. બળાત્કાર અત્યંત ગંભીર અપરાધ છે ને તેનો ભોગ બનેલી સ્ત્રીઓએ આખી જીંદગી માનસિક યાતના ભોગવવી પડે છે. ટુ ફિંગર ટેસ્ટ આ માનસિક યાતનાનો નાનકડો ભાગ છે. એ સિવાય બીજી ઘણી યાતનાઓ ભોગવવી પડે છે. પોલીસ તપાસમાં પૂછાતા સવાલો, કોર્ટમાં કેસ દરમિયાન થતા હલકા સવાલો વગેરેના કારણે શું વીતે તેની આપણે કલ્પના પણ ના કરી શકીએ. સુપ્રીમ કોર્ટ એ વિશે પણ વિચારે ને બળાત્કારના કેસોના ખટલા બીજા કરતાં અલગ રીતે ચાલે એ માટેની ગાઈડલાઈન આપે એવી આશા રાખીએ.

RELATED ARTICLES

Most Popular