મધ્ય પ્રદેશમાંની દુર્ઘટનામાં બે પાઇલટનો બચાવ, એક શહીદ
વિમાનો અથડાયાં: મધ્ય પ્રદેશના મોરેનામાં કવાયત દરમિયાન હવાઈ દળનાં બે લડાયક વિમાનો ટકરાયાં હતાં. સુ-૩૦એમકેઆઈ અને મિરાજ ૨૦૦૦ વિમાનોની ટક્કર પછી બન્નેના વિખરાયેલા કાટમાળને જોવા સ્થાનિક લોકોનાં ટોળાં ઊમટ્યાં હતાં. બે વિમાનોના ઇજાગ્રસ્ત પાઇલટ્સ જમીન પર પડ્યા હતા. (પીટીઆઈ )
નવી દિલ્હી/મોરેના/ભરતપુર: ભારતીય વાયુસેનાનાં બે યુદ્ધ વિમાન -સુખોઈ ૩૦ અને મિરાજ-૨૦૦૦ વિમાન શનિવારે નિયમિત તાલીમ મિશન દરમિયાન મધ્ય પ્રદેશના મોરેના જિલ્લામાં તૂટી પડ્યાં હોવાના દુ:ખદ સમાચાર જાણવા મળ્યા હતા.
આ અકસ્માતમાં એક પાઇલટનું મોત થયું હતું અને બે પાઇલટ સમયસર ઇજેક્ટ કરીને બચી ગયા હોવાની પ્રાથમિક માહિતી સત્તાવાર સૂત્રોએ આપી હતી. સૂત્રોએ જણાવ્યું હતું કે સવારે ૧૦થી ૧૦.૩૦ વાગ્યાની વચ્ચે ગ્વાલિયરની પાસે બન્ને વિમાન હવામાં ટકરાવાને કારણે આ અકસ્માત થયો હતો, પણ વાયુસેનાના જણાવ્યાં અનુસાર ખરું કારણ કોર્ટ ઓફ ઇન્ક્વાયરી પછી જાણવા મળશે.
અધિકારીઓએ જણાવ્યું હતું કે સુખોઈ વિમાનના બે પાઈલટ સુરક્ષિત રીતે બહાર નીકળી ગયા હતા, પણ મિરાજ-૨૦૦૦ના પાઈલટે જીવ ગુમાવ્યો હતો. ભારતીય વાયુસેનાએ એક નિવેદનમાં જણાવ્યું હતું કે વાયુસેનાનાં બે યુદ્ધ વિમાન શનિવારે સવારે ગ્વાલિયર નજીક અકસ્માતગ્રસ્ત થયાં હતાં. આ વિમાનો નિયમિત ઓપરેશનલ ફ્લાઈંગ ટ્રેનિંગ મિશન પર હતા. અકસ્માતમાં સામેલ બે વિમાનના ત્રણ પાઇલટમાંથી એકને જીવલેણ ઇજાઓ થઇ હતી અને તેમને હોસ્પિટલમાં દાખલ કરાયા છે. અકસ્માતનું કારણ જાણવા માટે તપાસના આદેશ આપવામાં આવ્યા છે.
સંરક્ષણ મંત્રાલયનાં સૂત્રોએ જણાવ્યું હતું કે વાયુસેનાના વડા ઍર ચીફ માર્શલ વી આર ચૌધરીએ સંરક્ષણ પ્રધાન રાજનાથસિંહને ભારતીય વાયુસેનાનાં બે ફાઇટર વિમાન – સુખોઈ અને મિરાજ-૨૦૦૦ વિમાનનાં અક્સ્માત અંગે માહિતી આપી હતી અને તેઓ ઘટનાક્રમ પર નજીકથી નજર રાખી રહ્યા છે.
મધ્ય પ્રદેશના મુખ્ય પ્રધાન શિવરાજસિંહ ચૌહાણે ટ્વિટ કરીને જણાવ્યું હતું કે મોરેનામાં કોલારસ પાસે વાયુસેનાનાં સુખોઈ-૩૦ અને મિરાજ-૨૦૦૦ વિમાનની દુર્ઘટનાના સમાચાર ખૂબ જ દુ:ખદ છે. મેં સ્થાનિક વહીવટીતંત્રને ઝડપી બચાવ અને રાહતકાર્યમાં વાયુસેનાને સહકાર આપવા સૂચના આપી છે. હું ભગવાનને પ્રાર્થના કરું છું કે વિમાનના પાઇલટ સુરક્ષિત રહે.
મોરેના જિલ્લા કલેક્ટર અંકિત અસ્થાનાએ જણાવ્યું હતું કે બે લડાકુ વિમાનોએ ગ્વાલિયર ઍરપોર્ટ પરથી ઉડાન ભરી હતી. ગ્વાલિયર ઍરપોર્ટ વાયુસેનાની છાવણી તરીકે પણ કામ કરે છે.
વિમાનનો કાટમાળ જિલ્લાના પર્વતગઢ વિસ્તારમાં પડ્યો હતો, પણ મધ્ય પ્રદેશની સરહદ નજીક આવેલા રાજસ્થાનના ભરતપુર વિસ્તારમાં પણ કેટલોક કાટમાળ પડ્યો હતો.
અસ્થાનાએ કહ્યું કે બે પાઈલટ દુર્ઘટનામાં બચી ગયા હતા, અન્યના શરીરનાં અંગો પહાડગઢ વિસ્તારમાંથી મળી આવ્યાં હતાં.
ભરતપુરના પોલીસ અધીક્ષક શ્યામ સિંહે શનિવારે સવારે કહ્યું હતું કે એક વિમાન ખુલ્લા મેદાનમાં તૂટી પડ્યું હતું.
જ્યાં વિમાનનો કાટમાળ પડ્યો હતો તે સ્થળે સૌથી પહેલા સ્થાનિકો પહોંચ્યા હતા.
ગ્રામજનોના જણાવ્યા મુજબ, આકાશમાં જ પ્લેનમાં આગ લાગી ગઈ હતી અને જોતજોતાંમાં જ સળગતું ફાઈટર જેટ નીચે પડ્યું હતું. ઘટનાસ્થળ નજીક રેલવે સ્ટેશન પણ છે.
સવારે ભરતપુરના કલેક્ટરે એવું કહ્યું હતું કે ભરતપુરની નજીક ચાર્ટર્ડ પ્લેન ક્રેશ થયું છે, પણ પછી ખબર આવ્યાં હતાં કે મોરનાના બેમાંથી એક વિમાન છેક ભરતપુરમાં જઇને પડ્યું હતું.
સુખોઈ વિમાન ૯૦ કિમી દૂર રાજસ્થાનના ભરતપુરમાં જઈને પડ્યું હતું એ વાતે ઘણાને આશ્ર્ચર્ય થયું હતું.
સૂત્રોના જણાવ્યા મુજબ જોકે, એમાં કશું નવાઈ પામવા જેવું નથી, કારણ કે છાવણીથી દુર્ધટના સ્થળનું અંતર ભલે ૯૦ કિમી હોય હવામાં એ સાવ ઓછું હશે.
વાયુસેનાએ ત્રણેય પાઇલટનાં નામ અને બાકીની માહિતી હજુ સુધી જાહેર નથી કરી.(એજન્સી)