દાદરમાં મધરાતે શિવસેનાનાં બે જૂથ વચ્ચે અથડામણ: પાંચની ધરપકડ

આમચી મુંબઈ ટૉપ ન્યૂઝ

શિંદે જૂથના વિધાનસભ્યએ ગોળીબાર કર્યાનો આક્ષેપ: પ્રભાદેવી વિસ્તારમાં તંગદિલીભર્યું વાતાવરણ
(અમય ખરાડે)

(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: દાદરના પ્રભાદેવી વિસ્તારમાં શિવસેનાના ઉદ્ધવ ઠાકરે અને એકનાથ શિંદે જૂથ વચ્ચે મધરાતે અથડામણ થતાં વાતાવરણમાં તંગદિલી ફેલાઈ ગઈ હતી. શિંદે જૂથના વિધાનસભ્ય સદા સરવણકરે દાદર પોલીસ સ્ટેશન નજીક ગોળીબાર કર્યો હોવાનો આક્ષેપ થયો હતો. આ પ્રકરણે દાદર પોલીસે બે એફઆઈઆર નોંધી પાંચ શિવસૈનિકની ધરપકડ કરી હતી.
સૂત્રોના જણાવ્યા મુજબ ઘટના શનિવારની મધરાતે ૧૨.૩૦ વાગ્યાની આસપાસ ન્યૂ પ્રભાદેવી વિસ્તારમાં બની હતી. ગણેશવિસર્જનના દિવસે એકબીજા સામે સૂત્રોચ્ચાર બાદ બન્ને જૂથ સામસામે આવી ગયા હતા. તે સમયે પોલીસે મધ્યસ્થી કરીને મામલો થાળે પાડ્યો હતો, પરંતુ શનિવારે મધરાતે શિંદે જૂથના શાખાપ્રમુખ સંતોષ તેલવણેની મારપીટ સાથે મામલો ગરમાયો હતો. બન્ને જૂથના કાર્યકરો પોલીસ સ્ટેશને પહોંચ્યા હતા.
આ પ્રકરણે સંતોષ તેલવણેએ નોંધાવેલી ફરિયાદ બાદ દાદર પોલીસે મહેશ સાવંત સહિત પાંચ શિવસૈનિકની ધરપકડ કરી હતી. ધરપકડ કરાયેલાઓને પછીથી પોલીસ સ્ટેશનમાં જ જામીન અપાયા હતા.
અધિકારીના જણાવ્યા મુજબ તેમની વિરુદ્ધ ભારતીય દંડ સંહિતાની કલમ ૩૨૩, ૩૨૪, ૫૦૪ અને ૫૦૬ હેઠળ ગુનો નોંધવામાં આવ્યો હતો.
રાજ્યના ભૂતપૂર્વ મુખ્ય પ્રધાન ઉદ્ધવ ઠાકરેના સમર્થક એવા શિવસેનાના સાંસદ અરવિંદ સાવંતે જાહેરમાં ગોળીબાર કરવા પ્રકરણે શિંદે જૂથના વિધાનસભ્ય સદા સરવણકર વિરુદ્ધ આર્મ્સ ઍક્ટ હેઠળ કાર્યવાહીની માગણી કરી હતી. પોલીસ સ્ટેશન નજીક સરવણકરે તેમની પિસ્તોલમાંથી જમીન પર એક રાઉન્ડ ફાયર કર્યું હોવાનો આક્ષેપ તેમણે કર્યો હતો.
આ પ્રકરણે દાદર પોલીસે સરવણકર અને અન્યો વિરુદ્ધ આર્મ્સ ઍક્ટની જોગવાઈ અને ભારતીય દંડ સંહિતાની સુસંગત કલમો હેઠળ બીજો એફઆઈઆર નોંધ્યો હતો. ડેપ્યુટી પોલીસ કમિશનર પ્રણય અશોકે જણાવ્યું હતું કે મધરાતે બે જૂથ વચ્ચે થયેલી અથડામણ બાદ શરૂઆતમાં એક એફઆઈઆર નોંધવામાં આવ્યો હતો. જોકે બાદમાં દંગલ અને આર્મ્સ ઍક્ટ હેઠળ પણ બીજો એફઆઈઆર નોંધવામાં આવ્યો હતો.
સૂત્રોના જણાવ્યા મુજબ દાદર અને માહિમ વિસ્તારમાં સદા સરવણકર અને સમાધાન સરવણકરને શુભેચ્છા આપતાં પોસ્ટર્સ શિવસૈનિકોએ ફાડ્યાં હોવાનો આક્ષેપ શિંદે જૂથ દ્વારા કરાયો હતો તો સોશિયલ મીડિયા પર શિંદે જૂથ દ્વારા અશ્ર્લીલ ટિપ્પણી કરવામાં આવી હોવાનો આરોપ બીજા જૂથે કર્યો હતો.
દરમિયાન ગોળીબારમાં લાઈસન્સવાળી પિસ્તોલનો ઉપયોગ કરાયો હતો કે કેમ તેની તપાસ પોલીસ કરી રહી છે. જોકે સરવણકરે ગોળીબાર કર્યાની વાતને રદિયો આપ્યો હતો અને વિરોધીઓ દ્વારા પોતાની છબિ ખરડવાનો પ્રયાસ કરાઈ રહ્યો હોવાનો દાવો કરાયો હતો. તેમણે એમ પણ કહ્યું હતું કે પોલીસ દ્વારા પૂછરછ માટે બોલાવવામાં આવશે તો તેે પૂર્ણ સહકાર આપશે.
———
વિવાદ વકરવાનું કારણ?
મુંબઈ: દાદરમાં શિવસેનાનાં બે જૂથ વચ્ચે વિવાદની શરૂઆત ગણેશવિસર્જનના દિવસથી થઈ હતી. પ્રભાદેવી ચોકમાં સરવણકર સમર્થક અને બીજા જૂથના શિવસૈનિકોએ સ્વાગત મંડપ સામસામે ઊભા કર્યા હતા. ગણપતિ વિસર્જન માટે પ્રભાદેવી ચોક ખાતેથી પસાર થનારાં ગણેશભક્તોના સ્વાગત માટે આ મંડપ બનાવવામાં આવ્યા હતા. આ સમયે બન્ને તરફના સમર્થકો એકબીજાને કથિત રીતે ઉશ્કેરી રહ્યા હતા. વિસર્જન સરઘસમાં ડાન્સ કરતી વખતે પણ એકબીજાને ખીજવતા હતા, જેને કારણે વાતાવરણ ગરમાયું હતું. સૂત્રોચ્ચાર કરી બન્ને જૂથના કાર્યકરો સામસામે આવી ગયા હતા. જોકે પોલીસે સમયસર મધ્યસ્થી કરીને મામલો શાંત પાડ્યો હતો. તે સમયે અથડામણ ટળી હોવા છતાં સોશિયલ મીડિયા પર એકબીજા સામે ટીકા કરવામાં આવી રહી હતી. આને કારણે મામલો વધી ગયો અને શનિવારે મધરાતે પ્રભાદેવીના નાગોસયાજીની વાડી સ્થિત શાખા સામે સંતોષ તેલવણેની મારપીટ કરવામાં આવી હતી.

પ્રતિશાદ આપો

તમારું ઇમેઇલ સરનામું પ્રકાશિત કરવામાં આવશે નહીં.