રાજકોટમાં નકલી નોટો સાથે એન્જિનિયરિંગના બે વિદ્યાર્થી ઝડપાયા: સુરતના શખસની શોધખોળ

આપણું ગુજરાત

(અમારા પ્રતિનિધિ તરફથી)
રાજકોટ: શહેરના કાલાવડ રોડ પરથી પોલીસે એન્જિનિયરિંગના વિદ્યાર્થીને રૂ. ૫૦ હજારની નકલી નોટ સાથે ઝડપી પાડ્યા હતા. નોટ સાથે ઝડપાયેલા વિદ્યાર્થીએ અન્ય રૂ. ૫૦ હજારની નકલી નોટ સુરત રહેતા તેના પિતરાઇને આપી હોય તેને પકડવા પોલીસની એક ટીમ સુરત દોડી ગઇ હતી.
સૂત્રોના જણાવ્યા મુજબ રાજકોટ શહેરના કાલાવડ રોડ પર પ્રેમમંદિરની બાજુમાં આવેલા એક મકાનમાં ભાડેથી રહેતા અને એન્જિનિયરિંગનો અભ્યાસ કરતાં કિશન પાંચાણી પાસે રૂ. ૫૦૦ના દરની ભારતીય ચલણની બોગસ નોટ હોવાની માહિતી મળતાં પોલીસની ટીમ સ્થળ પર પહોંચી કિશનને સકંજામાં લઇ તલાશી લેતા તેની પાસેથી ૫૦૦ના દરની ૧૦૦ નંગ નોટ મળી આવી હતી. પોલીસે પૂછપરછ કરતા તેણે બાયોટેક્નોલોજીનો અભ્યાસ કરતાં અને વિસાવદરમાં જૂના બસ સ્ટેશન પાસે રહેતા આવેશ અનવર ભોર પાસેથી ખરીદ્યાની કબૂલાત કરતા પોલીસની ટીમ વિસાવદર રવાના થઇ હતી અને આવેશને ઝડપી લઇ પૂછપરછ કરતા તેણે સવા વર્ષ પૂર્વે કિશનને રૂ. ૪૦ હજારમાં ૧ લાખની ૫૦૦ના દરની નોટ આપ્યાની કબૂલાત આપી હતી અને આ નકલી નોટનો જથ્થો વિસાવદરમાં જ રહેતા હર્ષ રેણુકા પાસેથી મેળવ્યાનું જણાવ્યું હતું. પોલીસ વિસાવદરમાં હર્ષના ઘરે પહોંચી હતી, પરંતુ હર્ષે એકાદ વર્ષ પહેલા જ આપઘાત કરી લીધાનું ખૂલ્યું હતું. પોલીસ સૂત્રોએ જણાવ્યું હતું કે, કિશને રૂ. ૫૦ હજારની નકલી નોટ સુરત રહેતા તેના પિતરાઇ સંજય હરેશ પાંચાણીને આપી હતી અને પોતાની પાસે રહેલી નકલી નોટ વટાવવા જતાં ઝડપાઇ જશે તેવો ભય લાગતા રાખી મૂકી હતી. કિશન અને આવેશ સહિતનાઓએ અત્યાર સુધીમાં કેટલી નોટ બજારમાં વહેતી મૂકી હતી, અન્ય કોઇને આપી હતી કે કેમ તે સહિતના મુદ્દે તપાસ કરવા પોલીસે આરોપીઓને રિમાન્ડ પર લેવાની કાર્યવાહી હાથ ધરી હતી.

પ્રતિશાદ આપો

તમારું ઇમેઇલ સરનામું પ્રકાશિત કરવામાં આવશે નહીં.