ભારતનાં ડાયાબિટિક બાળકોની ચિંતા વિસનગરની બે ડોક્ટર બહેન કરી રહી છે

ઇન્ટરવલ

નવી સવાર -રમેશ તન્ના

ગુજરાત ખરેખર બડભાગી છે કે તેને સમયાંતરે માનવતાવાદી ડોક્ટરો મળતા જ રહ્યા છે. ઉત્તર ગુજરાતના વિસનગરની બે ડોક્ટર બહેન, ડો. સ્મિતાબહેન જોશી અને ડો. શુક્લાબહેન રાવલે ભારતનાં ડાયાબિટિક બાળકો માટે જે કામગીરી કરી છે અને હજી કરી રહ્યાં છે તે જેટલી રસપ્રદ છે એટલી જ પ્રેરક પણ છે.
ગુજરાતમાં ભૂતકાળમાં સર્વોદય પરિવારનાં હરવિલાસબહેને અને ચંદ્રકાંતાબહેને દક્ષિણ ગુજરાતના ધરમપુર વિસ્તારમાં આદિવાસીઓના ઉત્થાન માટે પિંડવળમાં બેસીને જે કામ કર્યું હતું તે નોંધપાત્ર હતું. હવે આપણને આ બે બહેનો મળી છે જે લાખો પરિવારોના અંધકારને ઉલેચવા મથી રહી છે.
ડો. સ્મિતાબહેન જોશીનો પરિવાર ચાર પેઢીથી ડોક્ટર પરિવાર જ છે. તેમના દાદા વાસુદેવ જે. રાવલ ઊંઝાના જાણીતા સેવાભાવી અને માનવતાવાદી ડોક્ટર હતા. તેમણે તબીબી વ્યવસાય લોકસેવા માટે અપનાવ્યો હતો. જે દર્દી પાસે પૈસા આપવાની સગવડ હોય તેની પાસેથી જ પૈસા લેવાના. ગરીબ સાધુ-સંતો વગેરે પાસેથી પૈસા નહીં લેવાના. તેઓ ભૂખ્યાજનોને પોતાના ઘરે જમાડતા.
દુનિયાનો આ એવો પહેલો અને એકમાત્ર ડોક્ટર હશે જે દર્દીને દવાની જેમ જમવાની ચિઠ્ઠી લખી આપતો હોય! જે દર્દીને ભૂખ લાગી હોય અને જમવાની સગવડ ન હોય તેમને ડોક્ટર વાસુદેવભાઈ ચિઠ્ઠી લખી આપતા. એ ચિઠ્ઠી લઈને દર્દી વાસુદેવભાઈના ઘરે જાય અને જમી આવે. પરિવારજનો રસોડું આટોપીને બેઠા હોય ત્યારે પણ કોઈ ચિઠ્ઠી લઈને આવી જાય. પરિવારજનો પ્રેમથી જમાડે જ. ધીમે ધીમે જમનારની સંખ્યા વધી ગઈ. એ પછી તો વાસુદેવભાઈએ સદાવ્રત ખોલ્યું હતું.
એ જમાનામાં ડો. દ્વારકાદાસ જોશી, ડો. વસંત પરીખ અને ડો. વાસુદેવ રાવલની ત્રિપુટી સેવાભાવ માટે ખૂબ જાણીતી હતી. તેમના દ્વારા ભારતના જુદા જુદા વિસ્તારોમાં આરોગ્ય શિબિરો થતી. ડો. સ્મિતાબહેન અને ડો. શુક્લાબહેન નાનપણથી જ આરોગ્ય શિબિરોમાં શરૂઆતમાં સ્વયંસેવક તરીકે અને પછી ડોક્ટર તરીકે સેવા આપવા જતાં. વાસુદેવભાઈના દીકરા અનિલભાઈ (એટલે કે સ્મિતાબહેનના પિતાજી) પણ ડોક્ટર થયા. તેમને અમેરિકામાં વસવાની પૂરતી તક હતી, પણ વાસુદેવભાઈના કહેવાથી તેમણે ભારતમાં જ રહીને ગરીબોની સેવા કરવાનું નક્કી કર્યું. ગ્રીન કાર્ડ સહિતની બધી બાબતોને તેમણે જતી કરી.
ડો. વાસુદેવભાઈનું સામાજિક દાયિત્ય તેમની બીજી જ નહીં, ત્રીજી અને ચોથી પેઢીમાં પણ ઊતર્યું છે. ચોથી પેઢીમાં થયેલા ડોક્ટરો પણ માનવતાલક્ષી કાર્યો કરી જ રહ્યા છે.
ડો. સ્મિતાબહેન અને ડો. શુક્લાબહેને ડાયાબિટીસથી પીડાતાં બાળકો માટે કામ શરૂ કર્યું તેની પાછળ એક હૃદયસ્પર્શી બનાવ છે. વિસનગરની હોસ્પિટલમાં ડાયાબિટીસથી પીડાતી ચાર વર્ષની દીકરી દાખલ થઈ હતી. તેની જોડે તેની માતા હતી. આંખોમાં આંસુ સાથે તેની માતાએ ડોક્ટરને કહ્યું કે ગયા જન્મમાં અમે એવાં તે કયાં પાપ કર્યાં હશે કે મારી ચાર વર્ષની ફૂલ જેવી છોકરીને દિવસમાં પાંચ પાંચ વખત ઇન્સ્યુલિન આપવું પડે છે. નાની છોકરીએ માનાં આંસુ લૂછતાં કહ્યું કે મા મને દવાની સોય ભોંકાતી નથી, પણ તારાં આંસુ ભોંકાય છે. તું રડીશ નહીં. સ્મિતાબહેન આ દૃશ્ય જોઈને એટલાં બધાં દ્રવ્યી ગયાં, હચમચી ગયાં કે તેમણે મનોમન સંકલ્પ કર્યો કે મારું જીવન ડાયાબિટીસથી પીડાતાં આવાં લાખો બાળકોને સમર્પિત કરીશ.
તેમના આ મિશનમાં તેમનાં સગાં બહેન ડો. શુક્લાબહેન રાવલ પણ જોડાયાં. એ પછી તો પરિવાર પણ જોડાયો. સને ૨૦૧૪થી આ બંને બહેનો આ દિશામાં અસરકારક રીતે કામ કરી રહ્યાં છે. ૨૦મી ફેબ્રુઆરી, ૨૦૧૯થી ૧૪મી માર્ચ, ૨૦૧૯ સુધી તેમણે કાશ્મીરથી ક્ધયાકુમારી સુધી જાતે કાર ચલાવીને ભારતમાં ડાયાબિટીસથી પીડાતાં બાળકોના સંદર્ભમાં લોકોમાં જાગૃતિ આવે તે માટે કામ કર્યું. અનેક સંસ્થાઓમાં પરિસંવાદો યોજ્યા હતા. ૫૦૦ કિલોમીટરની યાત્રામાં ડોક્ટરો, સ્વયંસેવકો, સામાજિક સંસ્થાઓ, પ્રતિનિધિઓને મળીને તેમણે બાળકોમાં થતા ડાયાબિટીસ માટે જાગૃતિ લાવવાનું કામ કર્યું.
આ રોગ ખરેખર તો એક જાતની પરિસ્થિતિ છે. આગોતરા પ્રયાસોથી આ સ્થિતિમાંથી બાળકને બહાર લાવી શકાય છે. લોકોમાં એ માટે જાગૃતિ લાવવાની આવશ્યકતા છે. તેના માટે આગોતરાં પગલાં લેવાય તે જરૂરી છે. તેમણે આ સ્થિતના નિરાકરણ તથા ઉપાયો માટે અનેક વાર્તાલાપો યોજ્યા છે.
એ પછી આવી જ એક યાત્રા તેમણે જૂન, ૨૦૧૯માં અમેરિકામાં કરી. ૪,૦૦૦ સ્થળની યાત્રામાં તેમણે ડાયાબિટીસથી પીડાતાં બાળકો માટેની જાગૃતિનું કામ કર્યું. એ વખતે સાન ફ્રાન્સિસ્કોમાં અમેરિકન ડાયાબિટીસ એસોસિયેશન દ્વારા યોજાયેલા કાર્યક્રમમાં તેમણે ભાગ લીધો હતો. એ પછી તો તેઓ ‘આપી’ નામે ઓળખાતી અમેરિકન એસોસિયેશન ઓફ ફિઝિશિયન ઓફ ઇન્ડિયા નામની સંસ્થા સાથે પણ સંકળાયાં. અમેરિકામાં બધાને એવું હતું કે આ બે બહેનો ડોનેશન લેવા આવી હશે, પણ ના, આ બે બહેનોએ કહ્યું કે અમારે પૈસા નથી જોઈતા. તમારો સહયોગ જોઈએ છે.
આ બંને બહેનોનો એક જ હેતુ છે કે જે બાળકો ડાયાબિટીસથી પીડાઈ રહ્યાં છે તેમને સમયસર પૂરતી અને યોગ્ય સારવાર મળે. અમેરિકામાં આવાં બાળકોની સંખ્યા સૌથી વધારે છે. બીજા નંબરે ભારત આવે છે. ખરેખર આવાં બાળકો કેટલાં છે તેનો પણ ચોક્કસ આંકડો આપણી પાસે નથી.
ભારત સરકારના આરોગ્ય વિભાગ સાથે બંને બહેનો સતત સંપર્કમાં છે. પોતાના પૈસે બંને બહેનો અત્યાર સુધી લગભગ ૨૫ વખત નવી દિલ્હી જઈ આવી છે. સરકાર એટલે સરકાર. વહીવટી અધિકારીઓ નિયમોમાં માને. પ્રેમ, સંવેદના કે કરુણા સાથે તેમને સહેજે ના બને. આ બન્ને બહેનો આખો આખો દિવસ જે તે અધિકારીની ચેમ્બરની બહાર બેસીને પોતાનો વારો આવે તેની રાહ જુએ. એક વખત તો આખો દિવસ જમ્યા વિના બેસી રહ્યાં તો સાંજે સ્મિતાબહેનને ચક્કર આવી ગયાં. જોકે સારું કામ કરવાનું હોય તે એમ ને એમ નથી થતું. અનેક અંતરાયો અને પડાકારોનો સામનો કરવો જ પડે છે. બન્ને બહેનો મજબૂત છે.
ભારત સરકારના આરોગ્ય મંત્રાલય દ્વારા આરબીએસએ નામનો એક ઉત્તમ કાર્યક્રમ ચાલે છે. તેમાં ૩૦ રોગોનો સમાવેશ થયો છે. આ બંને બહેનો બાળકોમાં થતા ડાયાબિટીસ રોગનો તેમાં સમાવેશ કરાવવા મથી રહી છે. આ ઉપરાંત તેઓ ઈચ્છે છે કે ભારત સરકાર દ્વારા એવી નીતિ બનાવવામાં આવે કે સરકાર પોતે આવાં બાળકોની સઘન તપાસ કરે અને તેને સારવાર આપે. એ માટે પણ આ બંને બહેનો કેન્દ્રીય આરોગ્યમંત્રી મનસુખ માંડવિયા સાથે સતત સંપર્કમાં રહીને પ્રયાસ કરે છે.
લોકડાઉનમાં આ બંને બહેનોએ અભૂતપૂર્વ કાર્ય કર્યું હતું. ગુજરાતનાં આવાં બાળકોને તેમણે પોતાના પૈસે દવાઓ તથા મેડિકલ કિટ એનાયત કરી હતી.
બંને બહેનોનાં હૃદય પ્રેમ અને સંવેદનાથી ભરેલાં છે. તેઓ એવી ઈચ્છા રાખે છે કે ભારતનું એક પણ બાળક ડાયાબિટીસ રોગથી પીડાતું ન હોવું જોઈએ અને જે બાળકોને ડાયાબિટીસ થયો છે એમને સમયસર અને યોગ્ય સારવાર મળવી જ જોઈએ. તેઓ ભારતમાં એવી સ્થિતિનું નિર્માણ કરવા માગે છે.
ખરેખર ડો. સ્મિતાબહેન અને ડો. શુક્લાબહેન માટે ગૌરવ થાય તેવું કાર્ય તેઓ કરી રહ્યાં છે.
***
છાંયડો
સ્ત્રીશક્તિ જ્યારે સંવેદના સાથે કાર્યરત થાય છે ત્યારે માનવતા મહોરી ઊઠે છે.

પ્રતિશાદ આપો

તમારું ઇમેઇલ સરનામું પ્રકાશિત કરવામાં આવશે નહીં.