Homeદેશ વિદેશમહારાષ્ટ્રમાં ફ્લૂથી બે મૃત્યુ થતાં તંત્ર સાબદું

મહારાષ્ટ્રમાં ફ્લૂથી બે મૃત્યુ થતાં તંત્ર સાબદું

ગિરદીમાં માસ્ક પહેરવા સલાહ અપાઈ: માર્ગદર્શિકા બહાર પડાશે

મુંબઈ: મહારાષ્ટ્રમાં કહેવાતા ઇન્ફ્લુએન્ઝા (ફ્લૂ)થી બે જણનાં મૃત્યુ થયાં હતાં. મુંબઈ, પુણે, નાગપુર, થાણે, ઔરંગાબાદ, સાંગલી, કોલ્હાપુરમાં ફ્લૂના દરદીઓ નોંધાયા હતા અને કોવિડ-૧૯ના દરદીઓની સંખ્યામાં ફરી વધારો થયો હતો. એ સંજોગોમાં રાજ્ય સરકારે જનતાને ગિરદીમાં માસ્ક પહેરવાની અને શારીરિક અંતર જાળવવાની ફરી સલાહ આપી હતી. આ ઉપરાંત ઑક્સિજનના પુરવઠા અંગે સમીક્ષા કરાઈ હતી. રાજ્યમાં એચ-વન-એન-વન વાઇરસના ઇન્ફેક્શનના ૩૦૩ અને એચ-થ્રી-એન-ટુ વાઇરસના ઇન્ફેક્શનના ૫૮ કેસ નોંધાયા છે. મંગળવારે રાજ્યમાં કોવિડ-૧૯ના ૧૫૫ નવા કેસ નોંધાયા હતા. પુણે સર્કલમાં કોરાના ઇન્ફેક્શનથી બે જણનાં મૃત્યુને પગલે રોગચાળાના દિવસોથી અત્યાર સુધીનો કોરોનાનો મરણાંક ૧,૪૮,૪૨૬ પર પહોંચ્યો હતો.
મહારાષ્ટ્રના રાજ્ય કક્ષાના આરોગ્ય પ્રધાન તાનાજી સાવંતે બુધવારે વિધાનસભામાં જણાવ્યું હતું કે ફ્લૂથી જે બે જણનાં મૃત્યુ થયાં છે, તેમાં એક ૭૪ વર્ષના નાગરિક એચ-થ્રી-એન-ટુ સબટાઇપના ઇન્ફેક્શનથી અને અન્ય ૨૩ વર્ષીય દરદીને ઇન્ફ્લુએન્ઝાના એચ-થ્રી-એન-ટુ અને એચ-વન-એન-વન એમ બન્ને વાઇરસ તેમ જ કોવિડ-૧૯ વાઇરસના ઈન્ફેક્શનથી મૃત્યુ પામ્યાં હતાં. રાજ્યમાં ઇન્ફ્લુએન્ઝા ઇન્ફેક્શનના ૩૬૧ કેસ નોંધાતા તંત્ર સાબદું કરાયું છે. લોકોએ ભીડભર્યા વિસ્તારોમાં માસ્ક પહેરવાની અને ફિઝિકલ ડિસ્ટન્સ રાખવાની જરૂર છે. આ બાબતે મુખ્ય પ્રધાન એકનાથ શિંદે જોડે ચર્ચા કર્યા બાદ જનતા માટે આરોગ્ય વિષયક સજાગતા માટે માર્ગદર્શક સૂચનાઓ બહાર પાડવામાં આવશે.
ઇન્ફ્લુએન્ઝાથી અહમદનગરનો ૨૩ વર્ષનો ફર્સ્ટ યર એમબીબીએસનો વિદ્યાર્થી મૃત્યુ પામ્યો છે. એ વિદ્યાર્થીના કોવિડ-૧૯, એચ-વન-એન-વન અને એચ-થ્રી-એન-ટુના ટેસ્ટના રિપોર્ટ્સ પોઝિટિવ હતા. ઇન્ફ્લુએન્ઝા એચ-વન-એન-વન અને એચ-થ્રી-એન-ટુ એમ બે વાઇરસના ઇન્ફેક્શનથી થાય છે. ઇન્ફ્લુએન્ઝામાં દરદીને તાવ, કફ, ગળામાં ખરાબી થાય છે અને ન્યુમોનિયા થવાની શક્યતા રહે છે. ડૉક્ટરની સલાહથી ટૅમીફ્લૂ ગોળી લેવાય તો ૪૮થી ૭૨ કલાકમાં તાવ ઓછો થવા માંડે છે. (એજન્સી)

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here
Captcha verification failed!
CAPTCHA user score failed. Please contact us!
RELATED ARTICLES

Most Popular