(અમારા પ્રતિનિધિ તરફથી)
થાણે: થાણે જિલ્લાના અંબરનાથમાં પાઈપલાઈન માટે ખોદવામાં આવેલા પાણી ભરેલા ખાડામાં ડૂબી જવાથી બે બાળકોના મૃત્યુ થયા હોવાનો બનાવ નોંધાયો હતો. પોલીસે બે કૉન્ટ્રેક્ટર વિરુદ્ધ બેદરકારીનો ગુનો નોંધ્યો હતો.
પોલીસના જણાવ્યા મુજબ અંબરનાથમાં ધવલપાડા વિસ્તારમાં બુધવારે છ અને આઠ વર્ષના બાળકો પોતાના ઘરની નજીક રમી રહ્યા હતા. એ દરમિયાન અકસ્માતે વરસાદી પાણીથી ભરેલા ખાડામાં રમતા સમયે પડી ગયા હતા. ફાયરબ્રિગેડે બંને જણને બહાર કાઢ્યા હતા. જોકે હૉસ્પિટલમાં સારવાર પહેલાં જ તેમને મૃત જાહેર કરવામાં આવ્યા હતા.
ઉલ્હાલનગર ડિવિઝનના હિલ લાઈન પોલીસ સ્ટેશનના પોલીસ ઈન્સ્પેક્ટર પી. ડી. કદારકના જણાવ્યા મુજબ મહારાષ્ટ્ર ઈન્ડસ્ટ્રિયલ ડૅવલપમેન્ટ કૉર્પોરેશન (એમઆઈડીસી) દ્વારા આ વિસ્તારમાં પાણીની પાઈપલાઈનનું કામ ચાલી રહ્યું છે, તે માટે અહીં ખાડો ખોદવામાં આવ્યો હતો. આ ખાડો ખુલ્લો જ રાખવામાં આવ્યો હતો. આ દરમિયાન બે દિવસ પહેલા કમોસમી વરસાદને કારણે ખાડામાં પાણી ભરાઈ ગયું હતું.
પોલીસના જણાવ્યા મુજબ એમઆઈડીસીના બે કૉન્ટ્રેક્ટર વિરુદ્ધ ગુનો નોંધવામાં આવ્યો છે. આ દુર્ઘટના બાદ મૃત્યુ પામેલા બાળકોના પરિવાર અને સ્થાનિક રહેવાસીઓએ કૉન્ટ્રેક્ટર વિરુદ્ધ પગલાં લેવાની માગણી સાથે દેખાવો કર્યા હતા.