પેટ્રોલ-ડીઝલના ભાવમાં પ્રતિ લીટર 35 રૂપિયાનો વધારો
બે ટંક રોટી માટે વલખી રહેલા પાકિસ્તાનના લોકો સામે વધુ એક સંકટ ઊભું થયું છે. શાહબાઝ સરકારે પેટ્રોલ અને ડીઝલના ભાવમાં વધારો કરીને લોકોની મુશ્કેલીઓ વધારી દીધી છે.
પાકિસ્તાનની સરકારે પેટ્રોલ અને ડીઝલના ભાવમાં ધરખમ વધારો કર્યો છે. આ અચાનક વધારાથી લોકો પરેશાન જોવા મળી રહ્યા છે. પાકિસ્તાનના નાણા પ્રધાન ઇશાક ડારે રવિવારે સવારે ટેલિવિઝન સંબોધનમાં પેટ્રોલ અને ડીઝલના ભાવમાં લિટર દીઠ રૂ. 35નો વધારો કરવાની જાહેરાત કરી હતી. આ વધારા બાદ બાઇક અને કાર ચલાવવામાં પણ લોકોને મુશ્કેલીનો સામનો કરવો પડ્યો છે. લોકોને પોતાના વાહનો ઘરે રાખવાની ફરજ પડી છે.
સવારે 10:50 વાગ્યે શરૂ થયેલા તેમના સંબોધનમાં ડારે પેટ્રોલ અને ડીઝલના ભાવમાં સુધારા વિશે ચર્ચા કરી હતી. તેમણે કહ્યું હતું કે આ વધેલી કિંમત આજે સવારે 11 વાગ્યાથી લાગુ થશે. તેમણે કહ્યું કે પેટ્રોલ અને ડીઝલના ભાવમાં 50 રૂપિયાના વધારાને લઈને સોશિયલ મીડિયા પર અટકળો ચાલી રહી છે, પરંતુ હું જણાવવા માંગુ છું કે અમે કિંમતમાં 35 રૂપિયા પ્રતિ લીટરનો વધારો કર્યો છે. પેટ્રોલ અને ડીઝલના ભાવમાં 35 રૂપિયા પ્રતિ લીટરનો વધારો અને કેરોસીન તેલ અને લાઇટ ડીઝલના ભાવમાં 18-18 રૂપિયાનો વધારો કરવામાં આવ્યો છે.
ભાવ વધારા બાદ પાકિસ્તાનમાં પેટ્રોલના ભાવ રૂ. 249.80 પ્રતિ લિટર, હાઇ-સ્પીડ ડીઝલઃ રૂ. 262.80 પ્રતિ લિટર, કેરોસીન રૂ. 189.83 પ્રતિ લિટર અને લાઇટ ડીઝલ 187 રૂપિયા પ્રતિ લિટર થઇ ગયા છે. હાલમાં ભારતમાં પેટ્રોલ અને ડીઝલની કિંમત 100 રૂપિયા પ્રતિ લીટર ચાલી રહી છે જ્યારે પાકિસ્તાનમાં તે 250 રૂપિયા પ્રતિ લિટર થઈ ગઈ છે. બીજી તરફ જો બંને દેશોની સરખામણી કરવામાં આવે તો પાકિસ્તાનમાં પેટ્રોલ અને ડીઝલની કિંમત ભારત કરતા અઢી ગણી વધારે છે.