સુકૃત્યો દ્વારા સન્માર્ગે દોરતા બે લા’જવાબ પ્રસંગો

વાદ પ્રતિવાદ

મુખ્બિરે ઈસ્લામ -અનવર વલિયાણી

દુનિયાના દેશોને માર્ગદર્શન થઇ પડે એવો ઇસ્લામી ખિલાફત (સત્તા, સિંહાસન) નો એ યુગ હતો. અરબસ્તાનના એક રાજયમાં મલિક શાહ સલ્જુકી નામના અત્યંત મોટા ગજાના ન્યાયપ્રિય બાદશાહની હુકૂમત-સત્તા કાયમ હતી. કુવ્વત (શક્તિ, તાકાત) ઉચ્ચ પ્રતિભા અને મહાનતામાં તેમની ગણના શ્રેષ્ઠ સુલતાનો (બાદશાહો)માં થતી હતી.
પરંપરાનુસાર શહેનશાહોના મહેલોમાં બનતું હોય છે એમ એક વેળા શાહ સલ્જુકીના મહેલમાં મહેફિલ સજી હતી. એક અતિ સૌંદર્યવાન યુવતી નાચગાન કરી રહી હતી. બાદશાહ તેના રૂપ પર મોહી પડયા અને તેનો હાથ પકડવા પોતાના હાથ લંબાવ્યા. એ યુવતી માત્ર ખૂબસૂરત જ નહીં પણ બુદ્ધિશાળી પણ હતી. તેણે અંતર જાળવી રાખતા અરજ કરી કે, ‘અય શાહોના શાહ બાદશાહ સલામત! અલ્લાહતઆલાએ આપને ઘણી શાનો સૌકતથી નવાજયા છે. ઘડી બે ઘડી લિઝઝતની પળોને માણવા માટે અઝાબ વહોરવો સહેજ ઉચિત નથી…!’
અઝાબ (સજા)ની વાતથી શાહ સલ્જુકી થરથરી ગયા. શાહ સલ્જુકી પ્રતિભાશાળી અને શક્તિશાળી હોવા છતાં તેમનામાં રબનો ખૌફ ઘણો વસેલો હોવાનું પુરવાર કરતો એક બીજો પ્રસંગ પણ હિદાયત આપનારો બની રહેવા પામશે.
એક વેળા શાહ પાસે બે માણસો દાદ માગતા હાજર થયા. ફરિયાદ કરી કે સરકારી માણસોએ અમારી જાયદાદ (માલો-મિલકત) આંચકી લીધી છે. અમારો હવે કશો આધાર રહ્યો નથી.
શાહ સલ્જુકીને તેઓની વાત સાંભળી લાગ્યું કે જાણે તેઓ કયામતના મેદાનમાં ઊભા છે અને ત્યાં અલ્લાહના દરબારમાં આ જુલ્મની સુનાવણી થવાની છે.
શાહે પેલા બે માણસોને કહ્યું કે, ‘તમારામાંનો એક જણ મારો જમણો હાથ પકડે અને બીજો ડાબો હાથ પકડે. બન્ને જણ મારા હાથ પકડી મને ખેંચતા હોય એ હાલતમાં મારા વઝીર નિઝામુલમુલ્ક તુસી પાસે લઇ ચાલો.’
પેલા બન્ને જણ સુલતાનની આ વાત સાંભળી ગભરાતા અરજ કરી કે ‘આલીજાહ! અમ્ર ગરીબોની એટલી બધી શી વિશાત, કે, આપ જેવા બાદશાહ સલામત સાથે આવી ગુસ્તાખી કરીએ.
પરંતુ જેના રોમેરોમમાં અલ્લાહનો ખૌફ વસેલો હતો, જે ન્યાયના દિવસના માલિકથી સતત ડરતો રહેતો હતો કે, ક્યાંક દુનિયામાં તેનાથી કોઇ અન્યાય થઇ ન જાય, તેના હુકમનું પાલન કરી ન શકવાની હિંમત ભલા કોનામાં હોઇ શકે? પેલા ફરિયાદ લઇને આવેલા બન્ને શખસો બાદશાહને વઝીર નિઝામુલમુલ્ક તુસીના નિવાસસ્થાન તરફ લઇ જવા લાગ્યા.
વઝીરને સમાચાર મળ્યા કે બાદશાહ આ રીતે તેના રહેઠાણ તરફ આવી રહ્યાં છે, તે અત્યંત બેબાકળો બની ગયો-ઘર બહાર નીકળ્યો. એવામાં બાદશાહ આવી પહોંચ્યા. વઝીર તો ધ્રૂજતો ધ્રૂજતો બાદશાહને નમી પડયો. બાદશાહે કહ્યું, ‘નિઝામુલમુલ્ક! કાલે કયામતના દિને આ માણસો આ રીતે મને અલ્લાહ રબ્બુલ ઇઝઝત સામે રજૂ કરી દેશે તો મારું શું થશે? મારા રાજ્યની જવાબદારી મેં તમને સોંપી છે. તમારા તાબા હેઠળના હાકિમો (કારભારીઓ) બળજબરીથી બીજાઓની મિલકતો આંચકી લે છે. મારામાં એવી શક્તિ નથી કે કાલે કયામતના દિવસે આ બાબતમાં જવાબ આપી શકું? આ લોકોને અત્યારે જ ન્યાય આપો.’
વઝીર નિઝામુલમુલ્કે તપાસ કરી તેઓની માલમિલકત પાછી અપાવી અને જવાબદાર અધિકારીઓ સામે કાર્યવાહી કરી.
આવો હતો મુસ્લિમ શાસકોનો ઇન્સાફ.
વિદિત છે કે દિને ઇસ્લામમાં અલ્લાહનો સંદેશ-પયગામ લઇને આવેલા લગભગ એક લાખ અને ચોવીસ હજાર જેટલા પયગંબરો (સંદેશવાહકો) એ પોતાના પવિત્ર જીવનમાં પ્રેરક કિસ્સાઓ રજૂ કર્યા અને લોકો સુકૃત્યો દ્વારા સન્માર્ગે વળે તે માટે નસીહતો પ્રદાન કરી જેને ‘હદીસે નબવી’ કહેવામાં આવે છે. અન્યાય અને અપરાધોને ડામવા ‘શરિયત’ના (ઇસ્લામી કાયદા-કાનૂનને) નિયમો ઘડયા, તો કયામત સુધી દિન અને દુનિયામાં માર્ગદર્શક બની રહે તેવી ઇલાહી કિતાબ કુરાન મજીદ જેવી અઝિઝમુશ્શાન દોરવણી રસૂલે કરીમ હઝરત મુહંમદ સલ્લલ્લાહો અલૈયહિ સલ્લામ (સ.અ.વ.) દ્વારા દિવ્યવાણી સ્વરૂપે નાઝિલ ફરમાવી જેમને હુકૂમત (સત્તા) નસિબ કરી તેઓ પોતાના શાસનમાં સદા અન્યાયથી ડરતા રહ્યા અને અદનાથી આલાં સૌને ન્યાય મળી રહે તેવું કાર્ય બજાવતા રહ્યા અને ઇસ્લામી શાનોશૌકતને બુલંદ દરજ્જે કાયમ કર્યું.
પરંતુ અફસોસ સાથે એ નોંધવું પડે છે કે આજના બની બેઠેલા શાસનકર્તા હદીસ, શરિયત અને કુરાન કરીમના ફરમાનો, કાનૂનો, આયતોના મનઘડત-મનફાવતા અર્થઘટનો કરી ઉમ્મતને તબાહ અને બરબાદ કરી રહ્યા છે. જગતમાં એક સમયે ઉદાહરણરૂપ બની રહેલો ઇસ્લામ ધર્મ સરમુખત્યારોના કારણે બદનામ બની અંધકાર ભણી ધકેલાતો જઇ રહ્યો છે. ‘વો દિન હવા હુએ, જબ પસીના ગુલ હુઆ કરતા થા’ (એ દિવસો વિતી ગયા જયારે પરસેવામાંથી પણ ગુલાબના ફૂલ જેવી મહેક આવતી હતી). શું એ યુગ ફરી ક્યારેય જોવા નહીં મળે?
એક અલ્લાહ, એક કુરાન અને એક પયગંબર હુઝૂરે અનવર સલ્લલ્લાહો અલૈયહિ વસલ્લમને દિલોજાનથી માનનારો, અનુસરવાવાળો નામે મુસલમાન આજે પરસ્પરની લડાઇમાં ખુવાર થઇ નેસ્તનાબૂદ તો બની નહીં જાયને, એક જાણીતા ઉર્દૂ શાયરની આ પંક્તિ મુજબ:
ન સમજોગે તો મીટ જાઓગે
અય મુસલમાનો
તુમ્હારી દાસ્તાં તક ભી ન
રહેગી દાસ્તાનો મેં….
દિને ઇસ્લામને અનુસરનારા મુસ્લિમોની સંખ્યામાં અમુક અપવાદરૂપ બાદ કરતા મોટાભાગના મુસ્લિમ મોમિનો અમનો શાંતિના હિમાયતી છે અને જે તે દેશની સાથે હળીમળી જઇ, મધમીઠા સંબંધો કેળવી ઇસ્લામનું નામ રોશન કરે છે. થોડી સંખ્યાના લોકો કહેવાતા ‘આલિમોથી’ ગેરમાર્ગે દોરવાઇ જઇ, અર્થોનું મનફાવે તેમ અર્થઘટન કરે છે. તેઓથી સચેત રહેવાનો સમયનો તકાજો છે. દુનિયાના શ્રેષ્ઠ ધર્મો પૈકીનો એક ઇસ્લામ ઇલાહી મઝહબ હોઇ મોમિનો (સાચા મુસલમાનો) જગતમાં પોતાના સારા કર્મો થકી ઇસ્લામને કદી ઝાંખો પડવા દેશે નહીં: એક રહો, નેક રહો. – અમર અલ્લાહવાલા
* * *
ઇસ્લામનું સ્તંભ્: સુલેહ, શાંતિ, સદ્ભાવના, સમર્પણ, સદ્વર્તન
ઇસ્લામે સદ્વર્તનને નેકીનો દરજજો આપ્યો છે. સદાચારમાં બધાથી સારો મોમિન બંદો સૌથી બેહતર એટલે કે શ્રેષ્ઠ હોવાનું ફરમાવવામાં આવેલ છે.
દીને ઇસ્લામના આખરી પયગંબર હઝરત મુહંમદ સલ્લલ્લાહો અલયહે વસલ્લમ (સ.અ.વ.) મે જયારે હઝરત મઆઝ રદ્યિતઆલા અહો (રદ્.િ)ને યમન દેશના શાસક બનાવીને રવાના કર્યા ત્યારે ફરમાવ્યું હતું કે,‘તમારા સદ્વર્તનથી બધી રૈયતને ખુશ રાખજો.’
હુઝૂરે અનવર (સ.અ.વ.)નો મહાન સદ્ગુણ સદ્વર્તન-સદાચરણ જેને ઉર્દૂમાં ‘અખલાક’ કહે છે તે છે.
જેમ સદ્વર્તન-મીઠીવાણી-નેકબોલી જેવા સદ્ગુણોને અખલાક કહેવાય છે તેમ કટ્ટરતા કટ્ટુવાણી-ખરાબ વ્યવહાર જેવી બાબતોને બદ્અખલાક કહેવામાં આવે છે.
રબ તેના બંદામાં સદ્ગુણો જોવા ઇચ્છે છે હવે નિર્ણય બંદાએ લેવાનો છે, કે તે કયા ગુણો અખત્યાર કરવા માગે છે. સદ્ગુણો કે દુગુર્ણો? કટ્ટરતા કે ઉદારપણું? નિખાલસતા કે વેરભાવના! યાદ રહે! ઇસ્લામની બુનિયાદ અમન (શાંતિ)ની ઇમારત પર કાયમ થઇ છે.

પ્રતિશાદ આપો

તમારું ઇમેઇલ સરનામું પ્રકાશિત કરવામાં આવશે નહીં.