નાગાલેન્ડના પ્રધાન અને ભાજપના રાજ્ય પ્રમુખ તેન્જેન ઈમ્ના આલોંનો જાપાનીઝ સુમો જેવો શારીરિક દેખાવ ચહેરા પર સ્મિત ફરકાવી દે છે અને એમની વાણી – એમના લખાણ ખડખડાટ હસાવી આનંદ કરાવી સમજણ આપે છે
પ્રાસંગિક – હેન્રી શાસ્ત્રી
‘અ વેનસડે’ ફિલ્મમાં આતંકવાદીઓને મુક્ત કરવાની માગણી કરી રહેલા નસીરુદ્દીન શાહ સાથે વાતચીત કરવાના સંદર્ભે ફિલ્મમાં રાજ્યના મુખ્ય પ્રધાન અને પોલીસ કમિશનર (અનુપમ ખેર) વચ્ચે આ પ્રમાણે વાતચીત થાય છે. મુખ્ય પ્રધાન: હમારી તરફ સે કૌન બાત કરેગા? પોલીસ કમિશનર: સર આપ. પ્રધાનશ્રી: કયું? કમિશનર: કયું કી સિર્ફ આપ કે પાસ ઓથોરિટી હૈ ઔર આપ બાત કરના ભી જાનતે હૈં. પ્રધાન: ભાષણ મેં ઔર નેગોશિયેશન મેં ફર્ક હોતા હૈ. યે રેલી નહીં હૈ.
જાહેર સભામાં વિશાળ મેદનીને સંબોધવી અને પોતાના ભાષણથી જનતાને ‘બંદીવાન’ બનાવી દેવાની આવડત અનેક રાજકારણીઓ પાસે હોય છે. આપણા દેશની ભૂમિ ‘કથાકાર’ માટે જાણીતી છે. છાપકામ અને છાપવાની પદ્ધતિ જ્યારે વિકસી નહોતી ત્યારે ચારણ, માણભટ્ટ જેવા લોકો કુશળ કથાકાર હતા. લેખિત અક્ષરની બદલે કથા વાણી સ્વરૂપે એક કાનેથી બીજા કાને વિહાર કરતી. રાજકારણ એક એવું ક્ષેત્ર છે જેમાં ચાર લીટી સરખી રીતે ન લખતા આવડતું હોય તો ચાલી જાય, પણ જો ભાષા માધુર્ય કે ભાષા ચાતુર્યવાળું ભાષણ કરતા ન આવડે તો મનમોહન સિંહ જેવી હાલત થાય. વિદ્વત્તામાં અનેક લોકોને આંટી જનાર ભૂતપૂર્વ વડા પ્રધાન વાક્ચાતુર્યમાં ગળપણ વગરની સત્ત્વશીલ મીઠાઈ જેવા હતા. ભારતીય રાજકારણમાં વક્તાઓનો તો તોટો નથી રહ્યો, પણ રાજકારણે કેટલાક એવા છટાદાર વક્તા આપ્યા છે જે આજે પણ સ્મરણમાં સચવાઈને પડ્યા છે અને આજે પણ એમનું જૂનું ભાષણ સાંભળીએ તો જલસા પડી જાય. આ યાદીમાં પહેલું નામ જવાહરલાલ નહેરુનું આવે. મદ્રાસ સ્ટેટના ભૂતપૂર્વ મુખ્ય પ્રધાન અણ્ણા – સી. એન. અન્નાદુરાઈ અદભુત વક્તા હતા. સુભાષચંદ્ર બોઝની વાણી પાનો ચડાવતી. અનેક લોકો અટલ બિહારી વાજપેયી અત્યાર સુધીના સર્વોત્તમ રાજકીય વક્તા માને છે. દેશના પહેલા ઉપરાષ્ટ્રપતિ ડૉ. સર્વપલ્લી રાધાકૃષ્ણન છટાદાર અંગ્રેજીમાં ભાષણ આપવા માટે જાણીતા હતા. છેલ્લા દસ વર્ષની વાત કરીએ તો વડા પ્રધાન નરેન્દ્ર મોદીની વાક્છટાની નજીક ફરકી શકે એવો કોઈ રાજકીય નેતા આંખની છાજલી કરીને જોવાથી પણ નજરે નથી પડતો. હા, શશી થરૂર ક્યારેક સુખદ આંચકો આપી જાય છે, પણ ક્યારેક જ. જોકે, ત્રણેક વર્ષ પહેલા નાગાલેન્ડ ભારતીય જનતા પક્ષના એકમના પ્રેસિડેન્ટ બનેલા અને આજની તારીખમાં રાજ્યના પ્રધાનમંડળમાં સ્થાન ધરાવતા તેન્જેન ઈમ્ના આલોં અંગ્રેજી તેમજ હિન્દી ભાષામાં મધમીઠું પણ પ્રભાવી અને ચબરાકિયું ભાષણ આપતા ઉમદા વક્તા તો છે જ, પણ સોશિયલ મીડિયામાં ગળાડૂબ રહેતી પ્રજા ટ્વિટર પર તેમની રજૂઆતની દીવાની છે. શ્રીમાન તેન્જેનની ખાસિયત એ છે કે એમના ભાષણમાં કે ટ્વિટમાં શબ્દરમત હોય છે, પણ એ મોટેભાગે છીછરી નથી હોતી. વાંચો ત્યારે તમારું મોં મલકાય કે ખડખડાટ હસવુંય આવે, પણ પછી એ જ વાતની ગંભીરતા તમને વિચારતા સુધ્ધાં કરી મૂકે. ગયા શુક્રવારે ‘વર્લ્ડ સ્લીપ ડે’ (જાગતિક ઊંઘણશી દિવસ) હતો. એ દિવસે શ્રી તેન્જેનએ સોશિયલ મીડિયા પર એક તસવીર મૂકી જેમાં તેઓ કોઈ કોન્ફરન્સ રૂમમાં કે કોઈનું ભાષણ સાંભળતા અને તેમની આસપાસ અમુક જણ બેઠા બેઠા નીંદર લેતા દેખાય છે. આ તસવીર સાથે તેમણે લખ્યું છે કે ‘હેપ્પી વર્લ્ડ સ્લીપ ડે’ – નિદ્રા દિનની શુભેચ્છાઓ. બે ઘડી માટે ઝીણી આંખો ધરાવતા લોકોની કદર કરીએ. આ લોકોને જોઈ ચોવીસ કલાક જાગતા રહેવું એ કાયમ ઈચ્છાને આધીન નથી હોતું એનો ખ્યાલ આવે છે.’ આ પોસ્ટને થોડા જ કલાકોમાં ૩૫૦૦ લાઈક મળી, ૧૫૦ વાર રીટટ્ટ થઈ અને કેટલાક લોકોએ તો મજેદાર પ્રતિક્રિયા પણ આપી. ફોટોગ્રાફ જોઈ અને લખાણ વાંચ્યા પછી બે ઘડી માટે હસવું આવી જાય, પણ પછી નાગાલેન્ડના લોકોની ઝીણી આંખની ક્યારેક ઉડાડવામાં આવતી ઠેકડી સંદર્ભે તેમના માર્મિક ખુલાસાનો ખ્યાલ આવે છે કે શારીરિક દેખાવ તો જન્મજાત હોય છે, એમાં પસંદગીને અવકાશ નથી હોતો. ટૂંકમાં ઝીણી આંખોની મશ્કરી ન કરવી એ ગર્ભિત ઈશારો છે. આજનો જમાનો સોશિયલ મીડિયામાં પોસ્ટ કરવાનો અને સાથે સાથે ચબરાકિયું બોલવાની આવડતનો પણ છે. જોકે, નાગાલેન્ડના આ પ્રધાન માત્ર ચબરાકિયું નથી બોલતા, છીછરા પાણીમાં છબછબિયાં નથી કરતા. તેમના વિનોદી વાક્યોમાં ગર્ભિત ઈશારો પણ હોય છે જે તેમને ટોળાથી અલગ પાડે છે. એમની કેટલીક મજેદાર ટ્વિટ માણીએ. એનો ભાવાર્થ તો સજાગ વાચકો સમજી જશે.
ઝીણી આંખના લાભ
શરૂઆત ઝીણી આંખવાળા ટ્વિટથી જ કરીએ. એમાં આગળ તેમણે જણાવ્યું છે કે ’ અનેક લોકોનું કહેવું છે કે ઈશાન ભારતના લોકોની આંખો ઝીણી હોય છે. અલબત્ત, એ આંખોથી બધું સ્પષ્ટ જોઈ શકાય છે. આંખ ઝીણી હોવાના કેટલાક ફાયદા પણ છે. પહેલો ફાયદો એ કે અંદર ગંદકી ઓછી ઘૂસી શકે છે. બીજો લાભ એ છે કે કોઈ કાર્યક્રમ લાંબો અને
કંટાળાજનક હોય તો અમે થોડી વાર ઊંઘ ખેંચી લઈએ તો કોઈને ખબર પણ ન પડે કે આ ભાઈ સુતા છે કે જાગે છે.’ ફન અને ફિલસૂફીનું કેવું મસ્ત મિશ્રણ.
બંબુ દેને કા નહીં, બંબુ સે પાની પીને કા
૨૧ ફેબ્રુઆરીએ શ્રી તેન્જેનએ ટ્વિટ કર્યું કે ’બંબુ દેને કા નહીં, બંબુ સે પાની પીને કા. હરિત સોના (ગ્રીન ગોલ્ડ) તરીકે ઓળખાતા બંબુ એટલે કે વાંસમાં અસીમિત ક્ષમતા હોય છે અને જો ઇકો ફ્રેન્ડલી – પર્યાવરણને મદદરૂપ થાય એવી ચીજ વસ્તુ બનાવવા માટે જો એનો ઉપયોગ કરવામાં આવે તો પ્રકૃતિ માતા માટે એ ચમત્કાર કરી શકે. બંબુ એટલે કે વાંસની વાસ્તવિક ક્ષમતા વધારવા પ્રયત્નશીલ રહેતા ઈશાન ભારતના ઉદ્યમીઓને શુભેચ્છા અને અભિનંદન.’ આ ટ્વિટમાં શબ્દરમતની મજાક છે તો સાથે એક પ્રયાસને બિરદાવવાની પણ વાત છે. બંબુ દેના એટલે ધમકી આપવી એવો ભાવાર્થ છે. આમ બંબુ શબ્દ સાથે રમત કરી તેમણે આનંદ કરાવ્યો અને અરમાન જગાડ્યા છે. બંબુ શબ્દના ધમકી અર્થની નકારાત્મકતા કોરાણે મૂકી આજીવિકા જેવા સકારાત્મક અર્થની વાત કરી લોકોના દિલ જીતી લીધા.
ફોટો પડાવો, સફાઈ કરો
બોલવામાં ક્યાં પૈસા લાગે છે એવી સમજ ધરાવતા અનેક લોકો સફાઈની સુફિયાણી વાતો બહુ કરતા હોય છે, પણ જો સફાઈ કામ કરવાની વાત આવે તો એ જ લોકો મોઢું મચકોડતા હોય છે. સફાઈ સંદર્ભે તેન્જેન ભાઈનું ટ્વિટ છે જેમાં તેમણે હિન્દી – અંગ્રેજીમાં અત્યંત માર્મિક કટાક્ષ કર્યો છે કે ’બીજું કંઈ નહીં તો ફોટો પડાવવાને બહાને સફાઈ તો કરો. જેટલા વધુ ફોટા પડાવશો એટલી ગંદકી વધુ સાફ થશે. ક્લિક કરો, ક્લીન કરો.’ આમ સ્વચ્છતાના મહત્ત્વના મુદ્દાને કેન્દ્રમાં રાખી નેતાશ્રીએ દેખાડો કરવામાં માનતા લોકોને ચાબખો માર્યો છે. પ્રસિદ્ધિ માટે ૨૪ સેકંડ ઝાડુ હાથમાં પકડનારા લોકો ૨૪ કલાક દરમિયાન ઝાડુ પકડાવી દેવામાં પાવરધા હોય છે એ આપણે જાણીએ છીએ. તસવીર પડાવી ગંદકી સાફ કરવામાં નિમિત્ત બનો એવી રજૂઆત જોરદાર છે.
રસ્સીખેંચ અને રાજકારણ
રાજકારણમાં રમાતી રમત પર પણ તેમનું ટ્વિટ નિશાન તાકે છે. દોરડા ખેંચ (ટગ ઓફ વોર) રમતમાં પોતે સહભાગી થઈ એની શ્રી તેન્જેનએ મૂકેલી એક તસવીર હસાવતી કટાક્ષયુક્ત ફોટોલાઇનને કારણે જલસા કરાવી ગઈ. ફોટોગ્રાફ સાથે તેમણે લખ્યું હતું કે ’આવા સ્ટંટ માત્ર આવડત ધરાવતા પ્રોફેશનલ્સ જ કરતા હોય છે. જો નજીકમાં ફોટોગ્રાફર ન હોય તો આ પરફોર્મન્સની નકલ નહીં કરતા.’ પછી ચોખવટ કરે છે કે ’આ તસવીરને નાગાલેન્ડની વિધાનસભા ચૂંટણી સાથે કોઈ નિસ્બત નથી.’ આમ આ ટ્વિટ તમારા ચહેરા પર પહેલા સ્મિત રેલવે છે અને પછી રાજકારણ કેવી રમત છે એનું કડવું સત્ય સાનમાં સમજાવી દે છે. નાગાલેન્ડના પ્રધાનની આ જ તો કમલ છે, સાનમાં સમજાવી દેવાની.
કુંવારાઓને વધાવી લો
શ્રી તેન્જેન જાત પર પણ હસી લેતા અચકાતા નથી. કોઈ કેળાની છાલ પર લપસી પડે એ જોઈને હસવું એ નિર્દયતા છે જ્યારે જાત પર હસવું એ જાતવાન હોવાની નિશાની છે. આ સંદર્ભે ભાજપના નેતાએ ત્રણ જણ પકડીને ઊભા છે એવી મસમોટી બંદૂક સાથેની તસવીર શેર કરી છે અને લખ્યું છે કે ’સાઈઝ (કદ) પણ મહત્ત્વ ધરાવે છે. આખરે કોઈ એવી વસ્તુ તો મળી જે મારા શરીરને તોલે આવી શકે.’ આમ તેમણે પોતાની જ સ્થૂળ કાયા પર વિનોદ કર્યો છે. વેલેન્ટાઈન ડે નિમિત્તે આપેલા મેસેજમાં જણાવ્યું છે કે ’સ્વતંત્રતા બધાના નસીબમાં નથી હોતી. કુંવારાઓને વધાવી લો.’ મિસ્ટર તેન્જેન કુંવારા છે.
વિટામિન વિ
આ લેખ લખ્યા પછી તેન્જેન ભાઈને તોલે આવે એવી એક લાઈન: ‘કહેવાય છે કે હસે તેનું ઘર વસે તો પછી ખૂબ હસતા ને હસાવતા શ્રીમાન તેન્જેન ઈમ્ના આલોંનું ઘર કેમ નહીં વસ્યું હોય?’ મજા પડી ને! આવા રાજકારણી હોય તો સંસદમાં પણ હાસ્યની છોળો ઊડતી રહે અને બેફામ નિવેદનો અને આક્ષેપબાજીના વાતાવરણમાં રહેતા સંસદ સભ્યોને વિટામિન વિ (વિનોદ) મળતું રહે જે ગુણકારી છે એ બાબતે સર્વ પક્ષીય સમજૂતી સધાશે એમાં બેમત નથી, શું કયો છો?