ટીવી ઈન્ડસ્ટ્રીનો પ્રખ્યાત ચહેરો એવો અંકિતા લોખંડે નાના પડદેથી મોટા પડદે સુધી પોતાની એક અલાયદી જગ્યા બનાવી છે. અંકિતા ટેલિવિઝન ઈન્ડસ્ટ્રીનો એક વેલનોન ફેસ છે અને તે સોશિયલ મીડિયા પર ખૂબ જ એક્ટિવ હોય છે. દર થોડાક સમયે સોશિયલ મીડિયા પર ફોટો અને વીડિયો પોસ્ટ કરીને તે તેના ફેન્સના સંપર્કમાં રહે છે.
હાલમાં અંકિતા ફરી ચર્ચામાં આવી છે તેનું કારણ છે તેની શોર્ટ ફિલ્મ. આ સિવાય અંકિતા તેની પ્રેગ્નન્સીને કારણે પણ ચર્ચામાં છે. દરમિયાન અંકિતાએ હવે આ બાબતે ટિપ્પણી કરી છે. અંકિતાએ 14મી ડિસેમ્બર, 2021ના વિક્કી જૈન સાથે લગ્ન કર્યા હતા અને હવે અંકિતાએ એક ઈન્ટરવ્યુમાં પોતાની પ્રેગ્નન્સી વિશે કમેન્ટ કરી છે.
અંકિતાએ આ બાબતે કમેન્ટ કરતાં જણાવ્યું હતું કે આ પહેલાં માત્ર લગ્ન, ત્યાર બાદ પ્રેગ્નન્સી અને એ પછી છુટાછેડાના સમાચારો આવી રહ્યા હતા, પરંતુ મને એનાથી ખાસ કોઈ ફરક નથી પડતો. લોકો આ બાબતે ચર્ચા કરશે, પણ લોકો જ્યાં સુધી સારી વાતો પર ચર્ચા કરે છે ત્યાં સુધી બધું જ ઠીક છે. પણ જેવું લોકો એવું કંઈક બોલે છે કે જેને કારણે તકલીફ થાય તો એની અસર મારા પર પણ થાય છે. લોકો મારી પ્રેગ્નન્સી વિશે વાત કરે છે અને એને કારણે હું ખુશ છું, કારણ કે એક દિવસ હું ચોક્કસ જ પ્રેગ્નન્ટ હોઈશ અને હું લોકોને ગર્વથી આ સમાચાર આપીશ.
અંકિતાએ પતિ વિક્કી જૈન વિશે વાત કરતાં જણાવ્યું હતું કે વિક્કીએ મને મારી કારકિર્દી દરમિયાન ખૂબ જ સાથ આપ્યો છે. એ ખૂબ જ સમજદાર પતિ છે અને એથી પણ પહેલાં એ મારો મિત્ર છે. મને મારું કામ ગમે છે, એ વાતની એને જાણ છે. અમે લોકો કામ વિશે ચર્ચા કરીએ છીએ, એને મારી પસંદ-નાપસંદ બધું ખબર છે. એને મારા અભિનય અને પ્રતિભા પર ખૂબ જ વિશ્વાસ છે.