તુર્કીમાં ફરી એકવાર ભૂકંપના જોરદાર આંચકા અનુભવાયા હતા. રિક્ટર સ્કેલ પર તીવ્રતા 6.4 અને 5.3 માપવામાં આવી હતી. યુરોપિયન મેડિટેરેનિયન સિસ્મોલોજીકલ સેન્ટર (EMSC) એ માહિતી આપી હતી કે તુર્કી-સીરિયા સરહદ વિસ્તારમાં બે કિમી (1.2 માઇલ) ની ઊંડાઈએ ભૂકંપ આવ્યો હતો.
તુર્કીના દક્ષિણી પ્રાંત હાટેમાં સોમવારે બે વખત ભૂકંપના આંચકા અનુભવાયા હતા. તુર્કીના ગૃહપ્રધાન સુલેમાન સોયલુએ જણાવ્યું કે તાજેતરના ભૂકંપમાં ત્રણ લોકોના મોત થયા છે અને 213 લોકો ઘાયલ થયા છે. ભૂકંપના આંચકા બાદ લોકો ઘરની બહાર આવી ગયા હતા અને ચારેતરફ અરાજકતાનો માહોલ જોવા મળ્યો હતો. તાજેતરના ભૂકંપના આંચકાથી ઘણી ઇમારતોને નુકસાન પહોંચ્યું છે.
તુર્કીના હાટે પ્રાંતમાં આવેલા 6.4 અને 5.8 તીવ્રતાના ભૂકંપના આંચકા પડોશી લેબનોનની રાજધાની બેરૂતમાં પણ અનુભવાયા હતા.
સ્થાનિક સમય અનુસાર લગભગ સોમવારે રાત્રે 10.04 કલાકે 6.4ની તીવ્રતા ધરાવતો ભૂકંપ આવ્યો હતો, જ્યારે ત્રણ મિનિટ પછી 5.8ની તીવ્રતાનો બીજો ભૂકંપ આવ્યો હતો, જેનું કેન્દ્ર હટાયના સમંદગમાં હતું.
આ પહેલા 6 ફેબ્રુઆરીના રોજ તુર્કી અને પડોશી સીરિયામાં આવેલા વિનાશક ભૂકંપથી ભારે તારાજી સર્જાઈ છે. રિક્ટર સ્કેલ પર તેની તીવ્રતા 7.8 માપવામાં આવી હતી. એકાદ-બે દિવસ બાદ પણ અનેક વખત હળવા આંચકા અનુભવાયા હતા. આ ભૂકંપમાં મૃત્યુઆંક 41,000ને વટાવી ગયો છે. આવી સ્થિતિમાં ફરી એકવાર આ આંચકાએ ચિંતા વધારી દીધી છે.