તુર્કી-સીરિયામાં આવેલા ભૂકંપે સર્જેલી તારાજી બાદ બચાવકાર્ય ચાલી રહ્યું છે. મૃત્યુઆંક 24,000 ને વટાવી ગયો છે. દરમિયાન, રાષ્ટ્રપતિ રેસેપ તૈયપ એર્દોગને જણાવ્યું હતું કે ભૂકંપ પછી અધિકારીઓએ ઝડપી કાર્યવાહી કરવી જોઈતી હતી.
એર્દોગને શુક્રવારે તુર્કીના અદ્યમાન પ્રાંતની મુલાકાત લીધી હતી. ત્યાં તેમણે સ્વીકાર્યું કે સરકારનો પ્રતિસાદ એટલો ઝડપી ન હતો જેટલો હોવો જોઈએ. એર્દોગને કહ્યું, “અમારી પાસે અત્યારે વિશ્વની સૌથી મોટી રાહત અને બચાવ ટીમ છે, પરંતુ એ વાસ્તવિકતા છે કે રાહત અને બચાવ કામગીરી એટલી ઝડપી નથી જેટલી ઝડપથી થવી જોઈએ.
એર્દોગન 14 મેના રોજ યોજાનાર મતદાનમાં ફરીથી ચૂંટણી માટે ઉભા રહેવાના છે. તેમના વિરોધીએ તેમના પર હુમલો કરવા માટે ભૂકંપ પછી રાહત અને બચાવ કાર્યમાં ઢીલને મુદ્દો બનાવ્યો છે. આપત્તિના કારણે ચૂંટણી મોકૂફ થઈ શકે છે.
અહેવાલ મુજબ શિયાળાની કડકડતી ઠંડી વચ્ચે લાખો લોકો બેઘર થઈ ગયા છે અને ખોરાકની અછત સર્જાઈ છે. ભૂકંપ બાદ રાહત અને બચાવ કાર્ય પર બંને દેશોના નેતાઓએ સવાલોનો સામનો કરવો પડી રહ્યો છે. ડઝનબંધ દેશોની ટીમો કાટમાળ નીચે દટાયેલા લોકોને શોધવા માટે દિવસ-રાત કામ કરી રહ્યા છે.
સંયુક્ત રાષ્ટ્રએ જણાવ્યા પ્રમાણે તુર્કી અને સીરિયામાં ઓછામાં ઓછા 8,70,000 લોકોને ગરમ ખોરાકની તાત્કાલિક જરૂર છે. એકલા સીરિયામાં, 5.3 મિલિયન લોકો બેઘર હોઈ શકે છે.