તૂર્કેયમાં આવેલા વિનાશક ભૂકંપમાં અત્યાર સુધી 25 હજારથી વધુ લોકોના મૃત્યુ થઈ ચૂક્યા છે અને 85 હજારથી પણ વધુ લોકોને ઈજા પહોંચી છે. આ ભૂકંપમાં ભારતીયો પણ ફસાયેલા અને લાપતા હોવાની માહિતી વિદેશ ખાતા દ્વારા આપવામાં આવી હતી. હવે એ લાપતા ભારતીયના પરિવારના મનમાં આશા જન્માવે આવે એવા સમાચાર તૂર્કેયથી આવી રહ્યા છે.
ભારતીય વિદેશ મંત્રાલયના અધિકારી દ્વારા આપવામાં આવેલી માહિતી અનુસાર ઉત્તરાખંડના પૌડી ગઢવાલના રહેવાસી વિજય કુમાર લાપતા છે અને બચાવ કાર્ય કરનારી ટીમને હોટેલના કાટમાળમાંથી તેમનો પાસપોર્ટ અને સામાન મળી આવ્યો છે. પરંતુ તેમના કોઈ પણ સગડ રેસક્યુ ટીમને મળ્યા નથી. અધિકારીઓએ વધુમાં એવું પણ જણાવ્યું હતું કે અમે લોકોએ અમારી શોધનો વિસ્તાર વધારી દીધો છે અને આસપાસની હોસ્પિટલમાં તપાસ કરાઈ રહી છે.
વિજય કુમાર બેંગ્લોરની એક કંપનીમાં નોકરી કરે છે અને તેઓ તૂર્કેયમાં એક ફોર સ્ટાર હોટેલમાં તેમના સહકર્મચારી સાથે રોકાયા હતા. હજી તેમના સાથી કર્મચારીની પણ હજી શોધ કરી શકાઈ નહોતી. અત્રે ઉલ્લેખનીય છે કે સોમવારે જ્યારે ભૂકંપ આવ્યો ત્યારે કુમાર હોટેલના રૂમમાં ઊંઘી રહ્યા હતા.
કાટમાળમાંથી સામાન અને પાસપોર્ટ મળી આવતા ભારતમાં કુમારના પરિવાર અને મિત્રોમાં આ સમાચારને પગલે આશા જાગી ઉઠી છે. બુધવાર અને ગુરુવાર સુધી કુમારની કોઈ ભાળ નહીં મળતાં પરિવાર અને મિત્રો ચિંતામાં પડી ગયા હતા. શુક્રવારે જ્યારે હોટેલમાં કાટમાળમાંથી સામાન અને પાસપોર્ટ મળી આવતા અને મૃતદેહ ન મળ્યો હોવાના સમાચાર આવતા કુમારના પરિવાર અને મિત્રોના મનમાં એક આશા જાગી ઉઠી છે અને તેઓ કુમાર પાછા ફરે એની રાહ જોઈ રહ્યા છે.