જળ એ જીવન છે અને જળ વિના જીવન શક્ય જ નથી. તેમ છતાં આપણામાંથી ઘણા લોકો પાણીની કિંમત સમજ્યા વિના તેને વેડફતાં હોય છે. પણ તેમ છતાં આ દુનિયામાં એક જગ્યા એવી છે કે જ્યાં પાણીના વેડફાટને ગુનો માનવામાં આવે છે અને ત્યાં એક ટીપું પાણી વેડફનારને પણ ગુનેગાર માનવામાં આવે છે. આવો જોઈએ કઈ છે આ જગ્યા અને કેમ ત્યાં પાણી માટે આવો કડક કાયદો છે. ટ્યુનિશિયામાં પાણીને લઈને બહુ મોટી બબાલ છે અને ભયંકર દુષ્કાળના કારણે અહીં આ સ્થિતિ સર્જાઈ છે.
પાણીની અછતને ધ્યાનમાં લઈને અહીં અનેક પ્રકારના નિયંત્રણો લાદવામાં આવ્યા છે, એટલું જ નહીં આ નિયમોનું પાલન ન કરનારાઓને જેલની સજા કરવાની જોગવાઈ પણ અહીંના કાયદામાં કરવામાં આવી છે. ટ્યુનિશિયામાં, લોકો સિંચાઈ અને ખેતી માટે પીવાના પાણીનો ઉપયોગ કરી શકશે નહીં, એટલું જ નહીં જાહેર સ્થળોએ પણ લોકો કાર સાફ કરવા માટે પાણીનો ઉપયોગ કરી શકશે નહીં.
એક અહેવાલ અનુસાર ટ્યુનિશિયાની રાજ્યની પાણી વિતરણ કંપની સોનેડે (SONEDE) દ્વારા રાત્રે પાણીકાપની જાહેરાત કરવામાં આવે છે. રાત્રે સાત કલાક સુધી પાણી પુરવઠો નહીં પૂરો પાડવામાં આવે. શુક્રવારે આ નિર્ણય વિશેની માહિતી આપતા સોનેડેએ જણાવ્યું હતું કે આ જાહેરાત થયા બાદથી જ દરરોજ રાત્રે 9 વાગ્યાથી સવાર સુધી પાણી નહીં આવે. અત્રે ઉલ્લેખનીય છે કે ટ્યુનિશિયામાં સતત ચાર વર્ષથી ઓછો વરસાદ પડી રહ્યો છે અને એને કારણે અહીં રેકોર્ડબ્રેક દુકાળ પડી રહ્યો છે.
ટ્યુનિશિયામાં પડી રહેલાં દુકાળ માટે ક્લાઈમેટ ચેન્જને જવાબદાર માનવામાં આવી રહ્યું છે. એટલું જ નહીં પણ અહીં પાણીના વપરાશ અંગે નવા નિયમો બનાવવામાં આવ્યા છે અને આ નિયમોનો ભંગ કરનારને દંડ તેમ જ જેલની સજા કરવાની જોગવાઈ કરવામાં આવી છે.
મંત્રાલય દ્વારા આપવામાં આવેલી માહિતી અનુસાર વર્ષોથી પડી રહેલાં દુકાળ અને જળાશયોમાં પાણીના પુરવઠાને ધ્યાનમાં લેતાં ટ્યુનિશિયા પર મોટું જળસંકટ તોળાઈ રહ્યું છે. આ નવા નિર્ણયથી દેશમાં સામાજિક તણાવ વધવાની શક્યતા વધી ગઈ છે. દેશના નાગરિકો પહેલાંથી જ નબળી પબ્લિક સર્વિસ, સતત વધી રહેલી મોંઘવારી અને નબળા અર્થતંત્રથી પીડાઈ રહ્યા છે.
દુકાળને કારણે ટ્યુનિશિયામાં અનાજની કટોકટી સર્જાઈ છે. ટ્યુનિશિયન ફેડરેશન ફોર એગ્રીકલ્ચર એન્ડ ફિશરીઝે જણાવ્યું હતું કે વરસાદના અભાવે હજારો હેક્ટર ખેતીની જમીન બંજર રહી શકે છે. પ્રવક્તા અનીસ ખરબેજે મીડિયાને જણાવ્યું કે અનાજની મોસમ વિનાશક રહેશે. દેશમાં અંદાજિત ઉપજ આગામી વર્ષના પાક માટે બિયારણ આપવા માટે પૂરતી નહીં હોય…