મુંબઈઃ ટીવી અભિનેત્રી તુનિષા શર્મા આત્મહત્યા પ્રકરણમાં શિજાનની મુશ્કેલીઓ વધતી દેખાઈ રહી છે. આજે તેનમી જામીનની અરજી પર સુનાવણી થઈ અને કોર્ટે શિજાનની જામીનની અરજી પર સ્ટે મૂકીને આગામી સુનાવણી માટે 9મી જાન્યુઆરીની તારીખ આપી છે. તુનિષાની આત્મહત્યા માટે મુંબઈ પોલીસે તેના બોયફ્રેન્ડ શિજાન ખાનની ધરપકડ કરી હતી. હાલમાં શિજાન જ્યુડિશિયલ કસ્ટડીમાં છે. તેની ઉપર તુનિષાને આત્મહત્યા કરવા માટે ઉશ્કેરવાનો આક્ષેપ મૂકવામાં આવ્યો છે.
શિજાનના વકીલે આ મામલે જણાવ્યું હતું કે શિજાન નિર્દોષ છે. પોલીસની અકાર્યક્ષમતાનો ફટકો શિજાન અને તેના પરિવારને પડ્યો છે. પણ અમને ન્યાય વ્યવસ્થા પર પૂરેપૂરે વિશ્વાસ છે. મોડે મોડે પણ સત્યનો વિજય થશે. પોલીસ તંત્ર તેની નિષ્ફળતા છુપાવવા માટે શિજાનને ત્રાસ આપી રહ્યું છે, તેઓ પોતાના પાવરનો ખોટી રીતે ઉપયોગ કરી રહ્યા છે. શિજાન 14 દિવસની જ્યુડિશિયલ કસ્ટડીમાં છે.
અત્રે ઉલ્લેખનીય છે કે 24મી ડિસેમ્બરના તુનિષા શર્માએ સેટ પર જ આત્મહત્યા કરી હતી અને તેની માતાએ શિજાન પર પોતાની દીકરીને આત્મહત્યા કરવા માટે ઉશ્કેરવાનો આક્ષેપ કર્યો હતો. પોલીસે શિજાન સામે ગુનો નોંધીને 25મી ડિસેમ્બરે તેની ધરપકડ કરી હતી.