અંતિમસંસ્કાર માટે શીજાનની માતા અને બહેન પણ પહોંચ્યા
મુંબઈઃ વસઈ નજીકના ફિલ્મ સ્ટુડિયોમાં ટીવી સિરિયલની અભિનેત્રી તુનીષા શર્માએ આત્મહત્યા કર્યાના ત્રણ દિવસ બાદ મંગળવારે મીરા રોડ ખાતેના ગોડદેવ સ્મશાનભૂમિમાં અંતિમસંસ્કાર કરવામાં આવ્યા હતા, જ્યાં તુનીષાના મામાએ તેની અંતિમસંસ્કાર વિધિ પૂરી કરી હતી.
મંગળવારે બપોરના ત્રણ વાગ્યે તનીષાના ઘરેથી લઈને એમ્બ્યુલન્સ મારફત તેના મૃતદેહને મીરા રોડ ખાતેના સ્મશાનઘાટમાં અંતિમવિધિ માટે લઈ જવામાં આવ્યો હતો.
અંતિમ સંસ્કારમાં તેના દોસ્ત અને ટીવી ઈન્ડસ્ટ્રીઝની અનેક જાણીતા અભિનેતા-અભિનેત્રીઓ પહોંચી હતી, જેમાં નારંગ,સિધાર્થ નિગમ, વિશાલ જેઠવા અને કંવલ ઢિલ્લોએ તુનીષાના પરિવાર પ્રત્યે સંવેદના વ્યક્ત કરી હતી. અંતિમસંસ્કાર માટે અવનીત કૌર અને રીમ શેખ પણ સ્મશાન ભૂમિએ ગયા હતા. એ વખતે શીજાન ખાન તેની માતા-બહેન સાથે સ્મશાને ગયો હતો.
તુનીષાની માતાએ શીજાન પર છેતરપિંડી કરી હોવાનો આરોપ મૂક્યો હતો. શીજાન પર એફઆઈઆર કરવામાં આવ્યા પછી તેની પોલીસે ધરપકડ કરી હતી.
વારંવાર શીજાન નિવેદન બદલી રહ્યો છેઃ પોલીસનો ખુલાસો
તુનીષા શર્માને કથિત રીતે આત્મહત્યા માટે ઉકસાવવાના આરોપસર ધરપકડ કરવામાં આવેલા અભિનેતા શીજાન ખાને આ આરોપોનો ઈનકાર કર્યો હતો. કહેવાય છે કે તુનીષા શર્માની સાથે શીજાન સાથે સંબંધમાં હતો ત્યારે એ બીજી છોકરીઓને પણ ડેટ કરી રહ્યો હતો. મંગળવારે વાલીવ પોલીસે આ કેસ અંગે કહ્યું હતું કે શીજાન ખાન વારંવાર નિવેદનો બદલી રહ્યો છે અને હજુ સુધી તેને કોઈ સ્પષ્ટ કારણ આપ્યું નથી કે તેને અલીબાબા દાસ્તાન-એ કાબૂલની સહકલાકાર તુનીષા સાથે સંબંધ કેમ તોડ્યો હતો. 24મી ડિસેમ્બરે ટીવી સિરિયલની અભિનેત્રીએ ફિલ્મના સેટ પર આત્મહત્યા કરી હતી. તુનીષા શર્માના મોતના કિસ્સામાં નિરંતર અવનવા ખુલાસા થઈ રહ્યા છે, જેમાં તેની ફ્રેન્ડસ અને કો-એકટર્સ સાથે પૂછપરછ કરવામાં આવી હતી. તુનીષા-શીજાન સાથે કામ કરનાર એક અભિનેતા પાર્થ જોશીનું પોલીસે સ્ટેટમેન્ટ નોંધ્યું હતું. પાર્થ શીજાનની સાથે હોસ્પિટલમાં પણ ગયો હતો અને વાલીવ પોલીસ સ્ટેશનમાં ગયો હતો.